મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચ રમાઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાંથી રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. ઘણા સમય બાદ તેને મહત્વના મેચમાં સ્થાન મળતા પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે રવિન્દ્રના બહેન અને પત્નીએ મિડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં બહેન નૈનાબાએ આશીર્વાદ આપ્યા હતા. જ્યારે પત્ની રિવાબાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નયનાબાએ જણાવ્યું હતું કે, માતા ન હોવાથી રવિન્દ્રની માતાના સ્થાને છું. અને હૃદયપૂર્વક જીતના આશીર્વાદ આપું છું. આજે વરસાદ વિઘ્ન ન બને, ઇન્ડિયા વર્લ્ડકપ લઇને આવે તેવી ભારતીય ટિમને મારી શુભેચ્છા છે. જો  કે કોઈપણ ટીમને ક્યારેય નબળી ન ગણવી જોઈએ તેવી સલાહ પણ તેમણે આપી હતી. સાથે જ પોતાના આગ્રહ બાદ રવિન્દ્રનો સમાવેશ કરવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી.  

રિવાબા બોલ્યા, ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયાને, વર્લ્ડકપના સેમીફાઇનલ સુધી પહોંચ્યા તે ઘણી મોટી બાબત છે. મારા પતિ રવિની જ વાત નથી પરંતુ તમામ ખેલાડી સારૂ પ્રદર્શન કરે તેવી મારી શુભેચ્છા છે. હાલ ટીમ ઇન્ડિયામાં યુવાન અને અનુભવી ખેલાડીઓ હોવાથી જીત નિશ્ચિત જણાઈ રહી છે. દેશ પાસે બે વર્લ્ડકપ તો છે અને ત્રીજો વર્લ્ડકપ આ વખતે મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. લંડનમાં ભારતીયોની સંખ્યા વધુ હોવાથી તેઓ પણ ઈન્ડિયાન ટીમના જુસ્સામાં સતત વધારો કરતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.