મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેર પોલીસમાં ઘણા લાંબા સમય પછી એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખુદ પોલીસ કમિશનર સહિત મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ ગુજરાતી છે. પરિણામે તમે કોઇ પણ આઇપીએસ અધિકારીની ઓફિસમાં જઈ આરામથી ગુજરાતીમાં વાત કરી શકો છો.

સુરતમાં પોલીસ કમિશનરની નિમણૂંક થવાનો પ્રારંભ થયો તેને આજે 38 વર્ષ થયા છે. આ 38 વર્ષના ઇતિહાસમાં સુરતના પોલીસ કમિશનર પદે પહેલી વખત ગુજરાતી અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટની નિમણૂંક થઈ છે. આ ઉપરાંત સેક્ટર ટુ તરીકે ફરજ બજાવનારા ડી.એન. પટેલ તેમજ ટ્રાફિક એન્ડ ક્રાઇમના એડિશનલ પોલીસ કમિશનર એચ. આર. મુલિયાણા પણ ગુજરાતના જ વતની છે. જ્યારે સેક્ટર વનની જગ્યા હાલ ખાલી છે. જેનો ચાર્જ મુલિયાણા પાસે છે.

હવે વાત કરીએ નાયબ પોલીસ કમિશનરની. તો મોટા ભાગના ડીસીપીઓ પણ ગુજરાતના જ છે.  ડીસીપી ઝોન-1 આર.પી. બારોટ, ડીસીપી ઝોન-2 બી.આર. પાંડોર, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ ચિંતન તેરૈયા, ડીસીપી ક્રાઇમ રાહુલ પટેલ, ડીસીપી ઝોન-4 પન્ના મોમૈયા, ડીસીપી હેડક્વાર્ટર સજ્જનસિંહ પરમાર ગુજરાતી છે. માત્ર ડીસીપી વિધિ ચૌધરી અને પ્રશાંત સુંબે બિનગુજરાતી અધિકારીઓ છે. એટલે કે મોટા ભાગના ડીસીપી પણ ગુજરાતી જ છે. પરિણામે લોકોને તેમની સાથે સંપર્ક કરવામાં સરળતા રહે. ભાષાનો પ્રશ્ન નડે નહીં. કારણ સ્વાભાવિક પણે ઘણાને હિન્દી ગુજરાતી મિક્સ થઈ જતું હતું.