મેરાન્યૂઝ નેટવર્ક.ઈટાલીઃ કોરોના વાયરસે પુરી દુનિયામાં તાંડવ મચાવ્યો છે. ચીનથી ફેલાયેલો આ કોરોના વાયરસની હવે યુરોપમાં ઘાતક અસરો જોવા મળી રહી છે અને મોતનો આંકડો ધડાધડ વધી રહ્યો છે. બુધવારે ઈટાલીમાં કોરોના વાયરસને કારણે એક જ દિવસમાં અંદાજીત પાંચસો લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએએફપી મુજબ, ઈટાલીમાં કોરોના વાયરસથી એક દિવસમાં 475 લોકોના મોત થયા છે. જે કોઈ દેશમાં કોરોનાથી એક દિવસમાં થયેલી મોતમાં સૌથી વધુ આંકડો છે. અહીં મહત્વની વાત એ છે કે તે પહેલા એક દિવસમાં રેકોર્ટ મોત ઈટાલીમાં જ થઈ હતી. ગત થોડા દિવસો પહેલા એક દિવસમાં 368 મોત નોંધાયા હતા.

ચીનમાં મોતનો તાંડવ મચાવ્યા પછી કોરોના હવે સૌથી વધુ ખુની ખેલ ઈટાલીમાં રમી રહ્યો છે. ઈટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા અત્યાર સુધી 2978 થઈ ગઈ છે. ચીનમાં મરનારાઓની સંખ્યા 3300 છે. પુરા યુરોપમાં 80,000થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. યુરોપમાં પણ મોતનો આંકડો વધી રહ્યો છે, જ્યાં આ બીમારીથી અત્યાર સુધી 3500થી વધુ લોકો દમ તોડી ચુક્યા છે. ત્યાં જ ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 150થી વધુ કેસ સામે આવી ચુક્યા છે.

આ રોગના વિશ્વભરમાં અંદાજીત બે લાખથી વધુ કેસ થયા છે જેમાં 8000 લોકો કુલ મોતને ભેટ્યા છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં આ બીમારીથી મરનારા લોકોની સંખ્યા વધીને 105 થઈ ગઈ છે અને આ વિષાણું તેના તમામ 50 રાજ્યો સુધી ફેલાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ વિષાણુંથી 450થી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે. ત્યાં જ દ. આફ્રિકામાં બુધવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 31 કેસ સામે આવ્યા છે, જેને લઈ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 116 થઈ ગઈ છે.