પ્રશાંત દયાલ (મેરાન્યૂઝ.અમદાવાદ) : આપણે બહુ સહજતાથી કોઈને મિચ્છામી દુક્કડં કહી દઈએ છીએ, આપણે કહીએ છીએ કે જાણતા અજાણતા મારાથી જે કોઈ ભુલ થઈ હોય તેમાં મને ક્ષમા આપશો, પણ તમે ધ્યાનથી વિચારો તો ખ્યાલ આવશે કે આપણે જેની સાથે સારો સંબંધ છે અથવા સારી રીતે બોલચાલનો સંબંધ છે તેમને જ કહીએ છીએ મિચ્છામી દુક્કડં,  આપણે જેને પસંદ કરતા નથી અથવા જે આપણને પસંદ કરતો નથી તેવી વ્યકિતની માફી માંગવાની આપણી તૈયારી નથી, આપણને કોઈની માફી માંગી શકીએ નહીં તો પણ વાંધો નથી કારણ માફી દરેક માણસ આપી શકે તે શકય પણ હોતુ નથી આપણે માફી ભલે માંગી શકીએ નહીં પણ આપણે તેની સાથે ખોટુ કર્યુ હતું તેવો રંજ તો જરૂર રહેવો જોઈએ, જીવનમાં આપણે અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થતાં હોઈએ છીએ ત્યારે દરેક વખતે આપણે જે કરવુ જોઈએ તે અથવા જે ના કરવુ જોઈએ તેવુ થતુ નથી, અનેક વખત જીવનમાં આપણે કયારેક ભુલથી તો કયારેક ઈરાદાપુર્વક તો કયારેક આપણા સ્વાર્થમાં તો કયારેક આપણા ડરને નુકશાન કરી બેસતા હોઈએ છીએ.

આપણે જેમને નુકશાન પહોંચાડયુ છે તે નુકશાન આપણા મિચ્છામી દુક્કડંથી સરભર થવાનું નથી, માફી માંગવાનો અર્થ તો પોતાની ભુલ થઈ છે તે વ્યકિતને આપણે શબ્દ દ્વારા અહેસાસ આપી છીએ, આવુ થાય તો ઉત્તમ છે, પણ આપણે તેવુ ઉત્તમ કરી શકતા નથી તો પણ મેં ત્યારે ખોટુ કર્યુ હતું તેવો રંજ જરૂર રહેવો જોઈએ, જો આપણને કોઈને નુકશાન કર્યા પછી પણ રંજ રહેતો નથી તો આપણી  અંદર ગરબડ છે તેવુ સમજી લેવુ પડશે. હું વ્યવસાયીક પત્રકાર છુ, હું જયારે માત્રને માત્ર પત્રકાર તરીકે કામ કરતો ત્યારે ત્યારે મારી ક્રાઈમ સ્ટોરીને કારણે ત્યાર બાદ થયેલા ઈન્વેસ્ટીગેશનને કારણ અનેક નાના મોટા લોકો જેલમાં ગયા, જેલમાં જનારાઓ પણ કહેતા કહેતા કે તમે આ સ્ટોરી ના કરી હોત તો અમારે અહિયા આવવુ પડયુ ના હોત, હું પણ અંદરથી એવુ ઈચ્છતો કે હું તેવી સ્ટોરી કરૂ  કે ખોટુ કરનારા જેલમાં જાય, પણ કોઈ પણ અવસ્થા કાયમી હોતી નથી, નિયતીએ મારા ભાગે જુદુ કામ પણ વિચાર્યુ હતું.

2016થી હું અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓને પત્રકારત્વનો અભ્યાસ ભણાવવાની સાથે તેમના સુધાર અને રોજગાર સહિતના અનેક વિષયોને લઈ કામ કરૂ છુ, પણ ત્રણ વર્ષની મારી આ સફરે મારી માનસીક સ્થિતિમાં 360 ડીગ્રી બદલી નાખી, પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલા મારા કેદી મિત્રોને મેં કહ્યુ  પહેલા હું વધુ લોકોને જેલમાં મોકલુ તેવો મારો પ્રયાસ હતો, પણ તમને મળ્યા પછી મનન સતત ઝંખના કરે છે કે તમે ભણો, સારા માણસ થાવ અને કેટલા જલદી હું તમને અહિયાથી છોડાવી શકુ, એક જેલ અધિકારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેમણે મારી સામે એક નવો મુદ્દો મુકયો કે તમે કેદીના જીવનમાં સારૂ થાય તેવા પ્રયાસ કરો છો, પણ આ કેદીઓએ જેમને નુકશાન પહોંચાડયુ, અને જે પરિવારે યાતના સહન કરી તેમના અંગે તમે કયારેય વિચાર્યુ છે, આ જેલ અધિકારીનો મુદ્દો અવગણી શકાય તેમ નથી, પણ તમે ભુલ કરી એટલે મને ભુલ કરવાનો અધિકારી મળે છે તેવી થીયરી ઉપર આપણે આગળ વધીશુ તો કયારેય નહીં અટકનાર વિષચક્રનો આપણે હિસ્સો બનીશુ.

જેલ અધિકારીએ જે મુદ્દો મારી સામે મુકયો તેમાં મેં મારી જાતને મુકીને પણ જોઈ, જો કોઈ મને અથવા મારા પરિવારના કોઈ સભ્યને નુકશાન કરે ત્યારે હુું તેમને માફ કરી શકુ, ખુબ વિચાર કર્યા પછી મને લાગ્યુ અઘરૂ ચોક્કસ છે પણ અશકય નથી, ગાંધીની હત્યા કરનાર ગોડસેને જયારે ફાંસીની સજાનો હુકમ ત્યારે ગોડસેને ફાંસીની સજા ના આપો તેવુ કહેનાર ગાંધીના પુત્રો હતા, જેના પિતાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે તેની ફાંસી રોકવા માટે તેમના જ પુત્રો પ્રયાસ કરી તે કલ્પી શકાય નહીં તેવી વિશાળતાની વાત છે આ વાંચી કોઈ કહેશે કે આવુ તો ગાંધી યુગમાં શકય હતુ હવે તેવુ થાય નહીં, તો આપણે અખબારના થોડાક પાના પાછા ફેરવીએ તો ખબર પડશે કે રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવી દેનાર આરોપીને મળવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહંચ્યા હતા અને તેમણે તેમને કહ્યુ હતું કે તમે મારા પિતાની હત્યા કરી પણ અમે તમને માફ કરીએ છીએ, એટલુ જ નહીં રાહુલ અને પ્રિયંકાએ સરકારને પણ વિનંતી કરી કે તેમને માફી આપવામાં.

આમ માફી માંગવી પણ અઘરી છે અને તેના કરતા પણ વધુ માફી આપવી  વધુ અઘરૂ કામ છે, બંન્ને કામ ચોક્કસ અઘરા છે પણ અશકય નથી, સવાલ એટલે છે કે માફી માંગતી વખતે અને માફી આપતી વખતે આપણે કયાં સ્થાને ઉભા છીએ કારણ પૃથ્વી ગોળ છે તેમ દરેક સ્થિતિનું આંકલન આપણી જગ્યાએથી કરવાને બદલે કયારેક સામેવાળાની ખુરશીમાં બેસી આપણે જેવુ જોઈએ.