મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના પોલીસ કમિશનરની નિમણૂંકનું કોકડું હાલ ગૂંચવાયું છે. ગઈ તા. 31મી ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા સતીશ શર્માના સ્થાને હજુ સુધી કોઈની નિમણૂકં કરવામાં આવી નથી. જેની પાછળનું એક કારણ એવું છે કે સરકાર જે અધિકારીની અહીં નિમણૂંક કરવા માગે છે તે આઇજી કક્ષાના અધિકારી છે. જેમને સુરતમાં નિમણૂંક આપવી હોય તો એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપવી અનિવાર્ય છે. હાલ આ બઢતીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બે ત્રણ દિવસમાં આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નિમણૂંક કરવામાં આવશે.


હાલ આઇબીમાં છેલ્લાં પાંચેક વર્ષથી ફરજ બજાવતા આઇજી કક્ષાના અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કારણ કે હાલ તેમને આઈજીમાંથી એડિશનલ ડીજીપી બનાવવાની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. જેનો પ્રથમ તબક્કો એટલે કે ડીપીસીની કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે. પરિણામે તેમને એડિશનલ ડીજીપીનું પ્રમોશન આપી સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવે.

આઇપીએસ અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ સુરતના પોલીસ કમિશનર તરીકે તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આઈજી તરીકે નિમણૂક એ જ અધિકારીને આપવામાં આવે છે જે અધિકારીના નામને અમિત શાહ મંજૂરી આપે. આ કિસ્સામાં બ્રહ્મભટ્ટ અમિત શાહની નજીક હોવાની અને અમિત શાહ જ તેમને સુરતના પોલીસ કમિશનર બનાવવા ઇચ્છતા હોવાની વાત હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે જ બ્રહ્મભટ્ટને બઢતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

હવે વાત રહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની નિમણૂંકની. તો સરકાર આ પોસ્ટને અપગ્રેડ કરી આઇજીમાંથી એડિશનલ ડીજીપીની પોસ્ટ કરી ત્યાં મનોજ શશીધરની નિમણૂંક કરવા માગતી હોવાની વાત જાણવા મળી રહી છે.

એક વાત એ પણ ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે કે બ્રહ્મભટ્ટ ગુજરાતી અધિકારી છે. સુરત શહેર પોલીસ કમિશનરના 37 વર્ષના ઇતિહાસમાં કોઇ ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે અન્ય રાજ્યોના સિનિયર આઇપીએસ અધિકારીઓ બ્રહ્મભટ્ટની નિમણૂંકનો વિરોધ કરી રહ્યા છે. જો એક વખત ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ જશે તો આ પરંપરા બની જશે એ ડરને ધ્યાને લઈ બ્રહ્મભટ્ટની નિમણૂંકને બ્રેક મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.