મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ૫૦ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે. ૨૩મી ટેસ્ટમાં ૫૦મી વિકેટ લેનાર ઇશાંત શર્મા ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ૫૬ વિકેટ લઇ ચુક્યો છે.

એડીલેડમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા એ કેપ્ટન ટીમ પેઇનની વિકેટ લેતા જ ઓસ્ટ્રેલિયા સામે ૫૦ વિકેટ પૂરી કરી હતી. ઇશાંત શર્માએ આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે સૌથી વધારે ૫૬ વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે ૨૩ ટેસ્ટમાં ૫૦ વિકેટ લેનાર ઇશાંત શર્મા ભારતનો પાંચમો બોલર બન્યો છે. આ અગાઉ અનિલ કુંબલેએ ૧૧૧ વિકેટ, હરભજનસિંહે ૯૫, કપિલદેવે ૭૯ અને આર. અશ્વિને ૭૪ વિકેટ ઓસ્ટ્રેલીયા સામે ઝડપી છે.

ઇશાંત શર્માએ કુલ ૮૮ ટેસ્ટમાં ૨૫૮ ટેસ્ટ વિકેટ લીધી છે. તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ૭૪ રનમાં ૭ વિકેટ ઝડપવાનું છે. ઇશાંત શર્માએ શ્રીલંકા સામે ૩૬ અને વેસ્ટઇન્ડીઝ સામે ૩૫ વિકેટ લીધી છે. જયારે ઓસ્ટ્રેલિયા તરફથી ભારત સામે સૌથી વધારે ૬૬ વિકેટ નાથન લાયને લીધી છે. ટેસ્ટ ક્રિકેટ માટે આશ્ચર્યજનક બાબત એ છે કે, ટેસ્ટમાં ૭૦૮ વિકેટ લેનાર શ્રેષ્ઠ લેગ સ્પિનર શેન વોર્ને ભારત સામે માત્ર ૪૩ વિકેટ જ લીધી છે.