જયેશ શાહ (મેરાન્યૂઝ.ભુજ): વિશ્વમાં સૌથી વધુ નોંધાયેલા સભ્યો હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે કાળાટીલી સમાન ઘટના બહાર આવી છે. જેમાં કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છ ભાજપનાં અગ્રણીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપમાં સભ્ય બનાવવાનું કામ આખરી તબકામાં ચાલુ છે અને આ અભિયાન માટે ભાજપના પ્રમુખ.મહામંત્રી હોય કે અન્ય હોદ્દેદારોને ઉપરથી ભાજપના સભ્ય બનાવવાના ટાર્ગેટ પુરા કરવાનું પ્રેસર આવતું હોય છે. જેથી ભાજપમાં કોઈ પણ સભ્યને જોડવાની પ્રક્રિયામાં કોઈ સભ્યને કાંઈ પણ પૂછ્યા વગર જોડી દેવામાં આવતા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. તેવામાં આ વિવાદાસ્પદ ઘટના બહાર આવી છે.

કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠી જીલ્લાનાં ગામમાં રહેતો જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઇસિંહ મેર છેલ્લા ચારેક વર્ષથી કચ્છનાં નખત્રાણામાં લોન્ગ ટર્મ વિઝા (એલટીવી) રહે છે. મીઠી જિલ્લા અને તાલુકાના નાથળો ગામના આ શખ્સનો જે ફોટો વાયરલ થયો છે તેમાં તે ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ આપતો જોવા મળે છે. જેમાં તાલુકા પ્રમુખ સહીત મંત્રી અને સંગઠન પર્વના ઈનચાર્જ નજરે પડી રહ્યા છે.

આ અંગે જ્યારે સંગઠન પર્વના ઈન્ચાર્જ શામતભાઈ મહેશ્વરીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આવી કોઈ ઘટના અંગે સાફ ના પાડી દીધી હતી. તેમણે એમ ઉમેર્યું હતું કે કદાચ તે પાકિસ્તાની યુવાન અન્ય કોઈ વ્યક્તિનું ફોર્મ આપવા આવ્યો હશે. જો કે સૂત્રોનું માનીએ તો સભ્ય બનવા અંગેની 300 રૂપિયાની સ્લીપ પણ ફાટી ગયી છે પરંતું જ્યારે યુવાન પાકિસ્તાનનો છે તેવું ધ્યાનમાં આવતા ભાજપનાં અગ્રણીઓએ વાતને દબાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પાકિસ્તાની યુવાને આ ફોર્મ ભર્યું છે તેનો પણ ફોન સતત બંધ આવતા તેનુ મંતવ્ય જાણી શકાયું ના હતું.

ખરેખર આવુ બન્યું છે કે નહીં તેં આવનારો સમય બતાવશે પરંતું એક વાત ચોક્કસ ચર્ચામાં છે કે, દેશદાઝની વાતો કરતો ભાજપ પાકિસ્તાની નાગરિકને સભ્ય બનાવવાને મામલે ફિક્સમાં આવી ગયો છે.