પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં સરકારી નોકરી મેળવવા માટે અનેક લોકો ખોટા દસ્તાવેજો બનાવતા હોય છે, પરંતુ ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં જેની ગણના થાય છે તેવી દક્ષિણ ગુજરાતની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા રોડ અને બાંધકામ વિભાગના ભાગેડુ ઈજનેર હોવા છતાં તેમજ કુલપતિ થવાની લાયકાત નહીં હોવા છતાં  માત્રને માત્ર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નજીકના હોવાને કારણે તેમને કુલપતિ બનાવી દેવામાં આવ્યા હતા, આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુધી પહોચ્યો હતો પણ તેમાં કોઈ પરિણામ નહીં આવતા હવે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

શિવેન્દ્ર ગુપ્તા પાસે કુલપતિ થવાની માટે શૈક્ષણિક લાયકાત સાથે અધ્યાપક તરીકેનો પુરતો અનુભવ નહીં હોવા છતાં સંઘના નેતાઓની નજીકના હોવાને કારણે કુલપતિ બનાવી દેવામાં આવ્યા હતા જો કે કુલપતિ તરીકે બેઠા પછી તેમણે વિધ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તેવી ચીંતા કરવાને બદલે રાજકિય હિસાબ લેવાની શરૂઆત કરી અને અધ્યાપકો અને આચાર્યોને ટર્મીનેટ કરતા હાલમાં ગુજરાત હાઈકોર્ટ સામે કુલપતિ સામે કુલ 28 ફરિયાદો પડતર છે આમ આટલી મોટી સંખ્યામાં કોઈ કુલપતિ સામે ફરિયાદ થઈ હોય તેવો આ પહેલો બનાવ છે.

કુલપતિ શીવેન્દ્ર ગુપ્તા સામે ગુજરાત હાઈકોર્ટમાં તેમની કુલપતિ તરીકે નિયુકતી પડકારતી રીટ થઈ છે તેમાં સામેલ દસ્તાવેજો પ્રમાણે શીવેન્દ્ર ગુપ્તાએ બાંધકામ વિભાગમાં 27 વર્ષ નોકરી કરી હતી પરંતુ તેમની સર્વીસ બુક પ્રમાણે તેઓ પાંચ વર્ષ અનઅધિકૃત ગેરહાજર રહેતા તેમને ગુનેગાર ઠરાવી સજા કરવામાં આવી છે કુલપતિ તરીકે જેમની નિયુકતી થાય તે વ્યકિતની નૈતિકતા અત્યંત ઉંચી અને શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો હોય તેવુ નોંધવામાં આવ્યુ છે પણ પાંચ વર્ષ સુધી નોકરી ઉપર વગર મંજુરી ગેરહાજર રહેનાર અને જેમને સજા થઈ હોય તે વ્યકિત કઈ રીતે કુલપતિ થઈ પોતાના વિધ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવી શકે તેવો પ્રશ્ન અરજીમાં ઉપસ્થિત કરવામાં આવ્યો છે.

કુલપતિ તરીકેની ખાસ લાયકાતમાં ખુદ યુનવિર્સિટી જ કહે છે કે કુલપતિ થનાર અધ્યાપક પાસે પંદર વર્ષનો અધ્યાપક તરીકેનો અનુભવ હોવો જોઈએ પણ શીવેન્દ્ર ગુપ્તાએ કુલપતિ થવા માટે જે દસ્તાવેજો મુકયા તેમાં તેમની પાસે અનુભવ હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ તેમની વિરૂધ્ધ રજુ થયેલા દસ્તાવેજો સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટની કોલેજમાં તેમણે પાંચ વર્ષ મુલાકાતી અધ્યાપક તરીકે છુટક કામ કર્યુ છે જેનો લેખિત પુરાવા ખુદ કોલેજે પુરા પાડયા છે શીવેન્દ્ર ગુપ્તા કયારે પુર્ણકાલીન અધ્યાપક હતા જ નહીં પરંતુ શીવેન્દ્ર ગુપ્તાએ પોતાના દસ્તાવેજમાં 17 વર્ષનો અધ્યાપનનો અનુભવ હોવાનો દાવો  કર્યો છે, ગુપ્તાના દાવા પ્રમાણે તેઓ 1994થી2011 સુધી અધ્યાપનનું કામ કરતા હતા.

પરંતુ તેમના દાવાની પોલ તેમની સર્વીસ બુક ખોલે છે કારણ સરકારી રેકોર્ડ પ્રમાણે તેઓ 2000થી2007 સુધી મોટા ભાગનો સમય વિદેશ હતા, જયારે ગુપ્તાના દાવા પ્રમાણે તે 94થી2011 સુધી અધ્યાપન કરાવતા હતા, પણ તેના કરતા પણ મહત્વની બાબત તેઓ તા 2 એપ્રિલ 2008ના રોજ નિવૃત્ત થઈ ગયા હતા, આમ તેઓ 2008 સુધી બાંધકામ વિભાગના જ કર્મચારી હતા, આમ અનેક પ્રશ્નના જવાબ ગુપ્તા અને શિક્ષણ વિભાગ આપી શકે તેમ નથી પરંતુ સંઘી તરીકે મદદ કરવામાં થયેલી ભુલ સુધારવાની હિમંત સરકાર પાસે નથી તેવુ મંત્રીઓ અને ધારાસભ્ય ખાનગીમાં કબુલ કરે છે, પણ જો ગુજરાત હાઈકોર્ટ શીવેન્દ્ર ગુપ્તાને કુલપતિ તરીકે હટાવવાનો આદેશ આપે તો ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે.