રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): એક ગુરુ હતા. તેને બે શિષ્યો હતા; રામલો અને ગેમલો. બન્ને શિષ્યો, ગુરુના પાક્કા ભગત ! ગુરુની સેવા કરવામાં કોણ આગળ નીકળે; તેની બન્ને ભક્ત વચ્ચે હરિફાઈ થતી ! રામલો રોજ ગુરુનો જમણા પગે મસાજ કરતો; ગેમલો ગુરુના ડાબા પગે. બન્ને ભક્ત વચ્ચે ‘પ્રધાનસેવક’ કોણ; તેની સ્પર્ધા થતી ! રામલો પૂછતો : “ગુરુજી, જમણા પગને સારું છે કે ડાબા પગે?” ગુરુ કહે : “જમણા પગે સુખ છે !” ગેમલો પૂછતો : “ગુરુજી, ડાબા પગને સારું છે કે જમણા પગે?” ગુરુ કહે : “ડાબા પગે સુખ છે !” આમ ગુરુજી બન્ને ભક્તને રાજી રાખતા ! એક દિવસ રામલાએ ગુરુજીના ડાબા પગ ઉપર ધોકો મારી પગ ભાંગી નાંખ્યો ! ગેમલો હવે ડાબા પગે મસાજ કરી શકે તેમ ન હતો. ગેમલો કંઈ ઓછો ઊતરે તેમ ન હતો; તેણે ગુરુજીના જમણા પગ ઉપર ધોકો મારી પગ ભાંગી નાંખ્યો ! રામલો હવે જમણા પગે મસાજ કરી શકે તેમ ન હતો. કથા સૂણી સૂણી ફૂટ્યા કાન; તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન !

આપણો સમાજ રામલા-ગેમલાથી ઊભરાય છે; તેની પ્રતીતિ 22 માર્ચ 2020 ના રોજ થઈ. આપણા ‘પ્રધાનસેવકે’ કોરોના વાયરસ સામે ફાઈટ કરતા ડોક્ટર્સ/સફાઈ કર્મચારીઓ/પોલીસ વગેરેનું મનોબળ ઊંચું રહે તે માટે સાંજના પાંચ વાગ્યે પોતાના જ ઘરમાં રહીને, પાંચ મિનિટ થાળી/તાળી થપથપાવવાની અપીલ કરી હતી. કદર કરવી તે ઉત્તમ કાર્ય છે; પરંતુ લોકો રામલા-ગેમલાની ભૂમિકામાં આવી ગયા ! કોરોના વાયરસને અટકાવવા માટે Social distancing; Physical distancing રાખવાની વાત જ ‘ભક્તો’ ભૂલી ગયા ! સવારના 7:00 થી રાત્રિના 9:00 સુધી જનતા કર્ફ્યુની અપીલનું જોરદાર સમર્થન કરનાર ભક્તોએ જ ‘જનતા કર્ફ્યુ’ની ઐસીતૈસી કરી નાંખી. અમદાવાદની ખાડિયા વિસ્તારમાં 500 જેટલા ભક્તોએ નાચતા-કૂદતા રેલી કાઢી ! સરકારની કોઈ પોલીસની સામે થોડાં માણસો વિરોધ કરતા હોય તો પોલીસ અતિ સક્રિય બની તેને પૂરી દે ! પોલીસે આ રેલીને અટકાવી નહીં; કેમકે ભક્તો સામે કાર્યવાહી થોડી થાય ?

હ્યુમેનિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલ USA માં બેઠા બેઠા ઊંચા થઈ ગયા; તેમણે ફેઈસબૂક ઉપર રોષ ઠાલવ્યો. પોસ્ટની સાથે તેમણે ‘જનતા કર્ફ્યુ’માં થાળી વગાડતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો ફોટો મૂક્યો છે; તેમાં જથ્થાબંધ સંતો/ભક્તો દેખાય છે. બીજા ફોટાઓ છે; જેમાં ભક્તો રેલીમાં ઝૂમતા દેખાય છે ! કેટલાંક વાંચકોએ કોમેન્ટ કરી છે : જેવો રાજા તેવી પ્રજા ! શું ભારતના લોકોમાં રામલો-ગેમલો જીવે છે? આપણે જાતને પૂછીએ : આજ 23મી માર્ચ; ભગતસિંહ/સુખદેવ/રાજગુરુ 23 માર્ચ 1931 ના રોજ ફાંસીએ ચડ્યા હતા; એમની શહિદીને લાયક આપણે છીએ ખરાં?