પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજકારણ પણ કોઈ ચોક્કસ ગણિત અને નિયમોને આધીન ચાલતુ નથી, આપણે હમણાં મહારાષ્ટ્રમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે બધુ બાજુ ઉપર મુકી જેના હાથમાં લાઠી તેની સત્તા તેવું દેખાઈ રહ્યું છે, પણ મહારાષ્ટ્રનો મામલો શાંત પડે ત્યાર પછી મહારાષ્ટ્રના પડોશી રાજય ગુજરાતમાં નવા જુની થવાના એંધાણ મળી રહ્યા છે. અમિત શાહ વિરોધી જુથની જાણકારી પ્રમાણે અમિત શાહની વિજય રૂપાણી ફોર્મ્યુલા ગુજરાતમાં નિષ્ફળ સાબીત રહી છે. આનંદીબહેનના કટ્ટર રાજકીય હરીફ રહેલા અમિત શાહે પોતાનું નરેન્દ્ર મોદી પાસે કરાવી આનંદીબહેનને રાજયપાલ બનાવી વિજય રૂપાણીને સત્તાની ધરોહર સોંપી, પણ તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામ પછી ગુજરાત સરકારમાં અને સંગઠનમાં ફેરફારના એ્ંધાણ મળી રહ્યા છે. જેમાં ફરી આનંદીબહેન પટેલને ગુજરાતમાં લાવી ભાજપ પોતાનું ઘટી રહેલું વજન વધારવા માગે છે, જો કે ભાજપમાં કોઈ પણ આ વાતનું સત્તાવાર સમર્થન કરતા નથી પરંતુ ભાજપની મજા તો એવી છે કે મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ જાહેર થયા પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી થઈ જાય તેમ ભાજપમાં આનંદીબહેન પટેલનું પાછા ફરવું કઈ આશ્ચર્યજનક બાબત નથી.

નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે સતત સમતુલન જાળવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી બાદ આનંદીબહેન પટેલને શાસન સોંપવામાં આવ્યું હતું. જો કે આનંદીબહેન પટેલના શાસનમાં અમિત શાહનો પોતાના હોમ ગ્રાઉન્ડમાં દબદબો ઓછો થયો તે તેમને હરગીજ મંજુર ન્હોતું. આખરે અમિત શાહ પોતાની વાત મનાવવામાં સફળ થયા અને આનંદીબહેન રાજયપાલ થઈ ગયા હતા, 2017માં વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને સત્તા તો મળી પણ બેઠકો ખાસ્સા ઘટી, જો કે બીજી તરફ કોંગ્રેસ અને હાર્દિકના આક્રમણ વચ્ચે પણ સત્તા જાળવવી મુશ્કેલ બાબત હતી. જેનો યશ વિજય રૂપાણીને આપવો જ રહ્યો, સવભાવે શાંત અને સરળ વ્યકિતત્વ ધરાવતા વિજય રૂપાણીની સરકાર ઉપર પક્કડ નથી અને અધિકારીનું રાજ શરૂ થઈ ગયું છે તેવું વિજય રૂપાણીના વિરોધીઓ માને છે.

વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી હોય સુપર સીએમ તો અંજલી રૂપાણી છે તેવો આરોપ પણ થઈ રહ્યો છે. જો કે તેના માટે જવાબદાર અંજલી રૂપાણી પોતે છે કારણ તેઓ સરકારી અમલદારોને સીધો આદેશ આપતા હોવાની નારાજગી અનેક અધિકારીઓને છે. જો કે પોસ્ટીંગ મેળવવા માટે અંજલી રૂપાણીનો મત મહત્વનો હોવાને કારણે અધિકારીઓ આ મામલે જાહેરમાં બોલતા નથી. બીજી તરફ પેટા ચૂંટણીમાં છ માંથી ત્રણ બેઠકો ભાજપ હારી ચુક્યું છે. જે વિજય રૂપાણીના વિરોધીઓ માટે બહુ મહત્વની ઘટના છે. તેઓ આ પરિણામ માટે એક માત્ર રૂપાણી શાસનને જવાબદાર માની રહ્યા છે. ખાસ કરી શહેરી વિસ્તારમાં છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપનો દબદબો રહ્યો હતો તે હવે ઘટી રહ્યો છે તેવું પણ રૂપાણીના વિરોધીઓ માને છે. પેટા ચૂંટણીમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક જે ગત ચૂંટણીમાં પચાસ હજારની લીડથી જીત્યા હતા તે પેટા ચૂંટણીમાં જીતતા નાકે ફીણ આવી ગયા હતા અને માત્ર પાંચ હજાર મતે જીત્યા હતા, શહેરી વિસ્તારમાં આ પરિણામ ભાજપ માટે ચેતવણી સમાન છે

વિજય રૂપાણીના વિરોધી માને છે કે નજીકના સમયમાં માત્ર વિજય રૂપાણી માટે રાજકીય ધાત છે તેવું નથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પરફોર્મન્સ પણ વીક રહ્યું છે. અમિત શાહ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે જીતુ વાઘાણી સામે નારાજગી પણ વ્યકત કરી હતી, આમ નજીકના સમયમાં સરકાર અને સંગઠનમાં ફેરફાર થશે તે નિશ્ચીત છે. જો કે વિજય રૂપાણીને બચાવી લેવા માટે અમિત શાહ પુરતા પ્રયત્ન કરશે પણ અમિત શાહ રૂપાણીના પ્રેમમાં એટલા પણ પાગલ નથી કે ગુજરાતમાં થઈ રહેલા ધોવાણને અટકાવવા કંઈ કરશે નહીં, ગુજરાતમાં ભાજપમાં ફરી પ્રાણ પુરવા માટે આનંદીબહેન પટેલને ફરી પાછા ગુજરાત લાવવામાં આવે તેવી શકયતાઓની પણ વિચારણા થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે.