પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  2014માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સુપડા સાફ થઈ ગયા તેની પાછળનું કારણ લોકોને નરેન્દ્ર મોદીમાં અઢળક ભરોસો હતો. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષ બાદ લોકપ્રિયતાનો ગ્રાફ શેરબજારના ભાવ કરતા વધુ ઝડપથી નીચે જઈ રહ્યો છે. આ સ્થિતિમાં 2019માં કોઈ પણ ભોગે ફરી વખત કેન્દ્રમાં પોતાની સરકાર પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ સહિત નરેન્દ્ર મોદી અને અમિત  શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ભાજપની સ્થિતિ મજબુત બનાવવા માટે કોંગ્રેસ પાસે રહેતા કદાવર નેતાઓને ભાજપ તરફ કરી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની વિશેષ જવાબદારી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને રીલાયન્સ ઈન્ડ્રસ્ટીઝના વાઈસ ચેરમેન પરિમલ નથવાણીને સોંપવામાં આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અક્રમક વલણને કારણે ભાજપે માંડ માંડ ગુજરાત વિધાનસભા ઉપર પોતાનું કમળ ખીલવ્યુ હતું. જો કે 2017ની ચૂંટણીના 11 મહિના બાદ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તે સ્થિતિમાં ખાસ સુધારો કરી શક્યા નથી. પ્રજાને ભાજપ સાથે જોડી રાખવાની તમામ જવાબદારી જાણે નરેન્દ્ર મોદીની જ હોય તેવી સ્થિતિ ગુજરાત સહિત જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંની છે. 2017માં વિધાનસભાની જે રીતે બેઠકો ઘટી તેની સીધી અસર 2019ની લોકસભાની ચૂંટણીમાં થાય તે બહુ સીધુ ગણિત છે. ગુજરાતમાં 2014 લોકસભાની તમામ 26 બેઠકો જીતનાર ભાજપ જાણે છે કે 2019માં તે શકય નથી.

છતાં ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે ભાજપની સ્થિતિ  જે બેઠકો ઉપર નબળી છે અને કોંગ્રેસના જે નેતાઓની વ્યક્તિગત તાકાત છે તેમને ભાજપમાં સામેલ કરી ભાજપ પોતાની સ્થિતિ બદલવા માગે છે. જેના ભાગ રૂપે જ કુંવરજી બાવળીયાને ભાજપમાં સામેલ કરી મંત્રી પદ પણ આપ્યુ હતું. આ પ્રકારે જે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની તાકાત ઉપર નહીં પણ વ્યક્તિગત તાકાત ઉપર ચૂંટાય છે તેવા નેતાઓને કોઈ પણ કિંમતે ભાજપમાં લાવવાની જવાબદારી ગૌતમ અદાણી અને  પરિમલ નથવાણીને સોંપવામાં આવી છે. અદાણી અને નથવાણી પોતાના સંપર્કો અને પોતાની તમામ આડવતનો ઉપયોગ કરી અમિત શાહ તરફથી મળેલી યાદી પ્રમાણે કોંગ્રેસની નેતાઓનો સંપર્ક કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દારૂબંધી, બેકારી અને ખેડૂતોના મુદ્દે આંદોલન કરી રાજકારણમાં પ્રવેશેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા છે. જો કે આંદોલનકારીમાંથી રાજકારણી થયેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બંન્ને સાથે વાટાઘાટો કરી અને આખરે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. હવે ભાજપ પોતાની બગડતી બાજી સુધારવા માટે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવા તૈયાર હોવાની સાથે તે માંગે તે આપવા તૈયાર છે, જો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જઈ રહ્યા છે તેવા સમાચાર બાદ અલ્પેશ દ્વારા આ સમાચારને અફવા ગણાવી હતી. પરંતુ અત્યંત વિશ્વસનીય સુત્રોના જણાવ્યા પ્રમાણે તા 5મી સપ્ટેમ્બરના રોજ અલ્પેશ ઠાકોર અને ભાજપના અધ્યક્ષ અમીત શાહ વચ્ચે એક મિટીંગ થઈ હતી.

સુત્રોની જાણકારી પ્રમાણે આ બેઠકનું આયોજન ગૌતમ અદાણી અને પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યુ હતું. ગત તા 5મીના રોજ એક્ઝિટ્યુટિવ ક્લાસની ટિકિટ દ્વારા મુસાફરી કરી દિલ્હી પહોંચેલા અલ્પેશ ઠાકોર અમિત શાહને મળવા ગયા ત્યારે તેમની સાથે ગૌતમ અદાણી અને પરિમલ નથવાણી પણ હતા. બંધ બારણે થયેલી આ મિટિંગ અત્યંત મહત્વની હતી જેના પરિણામોની જાહેરાત થોડા સમયમાં થઈ શકે છે. આ બેઠક વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિલ્હીમાં હાજર હતા. જો કે તે એક સંજોગ હતો કે રૂપાણી પણ આ બેઠક અંગે જાણતા હશે તેની કોઈ પુર્તતા થઈ નથી. હાલના તબક્કે અલ્પેશ ઠાકોર ભલે ભાજપમાં જોડાવાનો ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ તે કોઈક મુદ્દો ઉભો કરી કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ ઉભુ કરી અગાઉ કોંગ્રેસ છોડનાર શંકરસિંહ વાઘેલા અને કુંવરજી બાવળીયાની જેમ કોંગ્રેસને ભાંડી ગુજરાત મંત્રીમંડળનો હિસ્સો બનશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.