ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વૈશ્વિક સ્ટીલ માંગ બે અબજ ટનની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી જશે, એવા સમાચાર વચ્ચે આયર્ન ઓરની મંદીની સાયકલને એકાએક બ્રેક લાગી ગઈ છે. ચીનમાંથી સ્ટીલ નિકાસ તાજેતરના મહિનાઓમાં વેગથી ઘટી જવાને લીધે સરકારે પરિયાવારણ નિયંત્રણના નિયમોને બીજા અર્ધવાર્ષિક સુધી લંબાવાવાનું વિચારશે, એવા અહેવાલ પણ ફરી રહ્યા છે. તાજેતરના સપ્તાહોમાં આયર્ન ઓરના ભાવોના વિક્રમો નિર્ધારીત થયા પછી પુન: નવા ઊંચા ભાવ સર્જાયા હતા. મંગળવારે ચીનના તેન્જિનગ પોર્ટ પર ૬૨ ટકા ફેરોએલોય આયર્ન ઓર ડિલીવરીના હાજરભાવ ૨૧૪ ડોલર પ્રતિ ટન મુકાયા હતા. ૧૨ જૂન ૨૧૮.૩૮ ડોલરની નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ થઈ હતી.

૨૦૨૧ના આરંભથી અત્યાર સુધીમાં ભાવ ૫૮.૨૧ ડોલર અથવા ૩૭.૩૫ ટકા ઉછળ્યાં હતા. ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર આયર્ન ઓર વાયદો ૧૯ મેએ ૧૨૪૮ યુઆન નવી ઊંચાઈએ મુકાયા બાદ મંગળવારે ૧૨૦૭ યુઆન રહ્યો હતો. આયર્ન ઓરમાં પ્રત્યાઘાતી ઘટાડો આવશ્યક બની ગયો હતો, ત્યાંજ બ્રાજીલની સૌથી મોટી ખાણ વલે કંપનીમાંથી સમાચાર આવ્યા કે ગતવર્ષે થયેલા અકસ્માત પછી ડેમની સ્થિરતા થોડી ભયમાં મુકાઇ છે, તેથી બેમાંથી એક નાની ખાણમાં ટૂંકાગાળા માટે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. વલેની અસર કદાચ આયર્ન ઓરના ભાવને ૨૦૦ ડોલરની ઉપર ટકાવી રાખવામાં મદદરૂપ થઈ પડશે. ૪ જૂન કંપનીએ કહ્યું હતું કે રિજનલ લેબર સુપ્રિન્ટેન્ડેન્ટના એક આદેશને પગલે તેમની જિનગુ નજીકના મારીઆના કોમ્પ્લેક્સમાં કેટલીક ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડી છે. આ ખાણમાં દૈનિક ૪૦,૫૦૦ ટન ફાઈનેસ ફેરોવાળી આયર્ન ઓરનું ઉત્પાદન થતું હતું.

Advertisement


 

 

 

 

 

મુંજાયેલા ચીનના સત્તાવાળાઓએ આયર્ન ઓરના સટ્ટોડિયા અને બજારમાં ઘાલમેલ કરતાં ટ્રેડરો પર કડક હાથે કામ લેવાની ધમકી ઉચ્ચારી છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક બીએમઓ કેપટલ માર્કેટની એક રિસર્ચ નોંધમાં કહેવાયું છે કે, ચીન જે આખા વિશ્વની કાચા અને તૈયાર સ્ટીલ બજાર પર નિયંત્રણ ધરાવે છે, તે હવે ઓછા માર્જિન અને ઓછી ઉત્પાદન ક્ષમતાને લાંબા સમય સુધી ચલાવી નહીં લે.    

ચીનએ હવે રી-સાયકલ સ્ક્રેપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. “મેડ ઇન ચાઈના ૨૦૨૫” યોજના હેઠળ ચીન અત્યારે તેના ક્રૂડ સ્ટીલનો ૨૨ ટકા હિસ્સો રી-સાયકલ સ્ક્રેપ પર આધારિત છે, તે ૨૦૨૫ સુધીમાં ૩૦ ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રત્યેક એક ટન સ્ટીલ ઉત્પાદન માટે જો સ્ક્રેપ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે તો ચીન ૧.૬ ટન આયર્ન ઓરની બચત કરી લેશે. અમેરિકામાં હોટ રોલ્ડ કોઇલના ભાવ ઓલ ટાઈમ હાઇ પ્રતિ શોર્ટ ટન ૧૬૦૦ ડોલરે પહોંચી જતા, અમેરિકા પણ હવે સ્ટીલની ભયંકર અછતનો સામનો કરી રહ્યું છે.

બીએમઓ કહે છે કે અમેરિકામાં આ વર્ષે હોટ રોલ્ડ કોઇલના ભાવ વર્તમાન ઐતિહાસિક સરેરાશ ઊંચાઈ આસપાસ રહેશે. ભાવ જરા ઘટશે, તો પણ તે ૨૦૨૧ના બીજા અર્ધવાર્ષિકમાં જોવા મળશે. આ અગાઉ બ્રાજીલની વલે ખાણ કંપનીએ કહ્યું હતું કે અમે આ વર્ષે ૩૧૨૫થી ૩૩૫૦ લાખ ટન આયર્ન ઓર ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે અમે વાર્ષિક સરેરાશ ૪૦૦૦ લાખ ટન લઈ જવાની યોજના ઘડી છીએ.    

Advertisement


 

 

 

 

 

એસએન્ડપી ગ્લોબલ પ્લાટસ કહે છે કે, મહત્તમ આયર્ન ઓર ઉત્પાદક દેશોની મે મહિનાની નિકાસ વધી હતી. પરંતુ આ બધી ખાણો ઈચ્છે છે કે ૨૦૨૧ના બીજા અર્ધવાર્ષિક સુધી ભાવ વધતાં રહે, જેથી અમારી સેલબુકને વાજબી માર્ગદર્શન આપી શકીએ.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.