ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચીનમાં પરિયાવરણ નિયમનો કડક બનાવાયા છતાંય આયર્ન ઓરના ભાવ વૃધ્ધિને કોઈ બ્રેક લાગી નથી. ઉત્તર ચીનના કિંગડવાઓ પોર્ટ પર શુક્રવારે બેન્ચમાર્ક ૬૨ ટકા ફેરો એલોઇઝ આયર્ન ઓરના હાથબદલા (હાજર) ભાવ ૨૦૧૧ પછીની નવી ઊંચાઈએ, ટન દીઠ ૧૭૮.૪૩ ડોલરે થયા હતા. બ્રાજીલ ૬૫ ટકા હાઇ ગ્રેડ ઓર પણ વિક્રમ ઊંચાઈએ ૨૧૧.૧૦ ડોલર ક્વોટ થયા હતા.

ચાઈના આયર્ન એન્ડ સ્ટીલ એસોસિયેશને કહ્યું કે એપ્રિલના પ્રથમ ૧૦ દિવસમાં મહત્તમ સ્ટીલ મિલોએ ઉત્પાદન, માર્ચના અંતિમ દસ દિવાસ કરતાં ૨.૯ ટકા અને વાર્ષિક દરે ૧૬.૯ ટકા વધીને ૨૩ લાખ ટન કર્યું હતું. ચીનમાં હાજર કાર્ગો અને વાયદા વચ્ચે ભાવ તફાવત ખૂબ મોટો થઈ ગયો છે. પરિણામે વાયદામાં ભાવ વધવાની સંભાવના પણ વધી ગઈ છે.


 

 

 

 

 

ટેન્ગશાંગ રાજ્યમાં સ્ટીલ ઉત્પાદન નિયંત્રણો ભલે મુકાયા, પણ ચીનમાં સ્ટીલ ઉત્પાદનમાં નફો એટલો મોટો છે કે અન્ય રાજ્યોમાં મોટા નફાનો લાભ લેવા ઉત્પાદનનો વેગ વધારવામાં આવ્યો છે. ધુમાડા પર નિયંત્રણ સાથે મોટો નફો બંનેના મિશ્રણએ હાઇ ગ્રેડ આયર્ન ઓરની માંગમાં ધરખમ વધારો કરી નાખ્યો છે. આથી તાજેતરમાં ક્વોલિટી પ્રીમિયમમાં પણ મોટો તફાવત પડી ગયો છે. ભાવ જ્યારે આસમાને ગયા છે, ત્યારે ટ્રેડરો બ્રાજીલની બંધ પડેલી વલે ખાણ કંપની પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

વલે ખાણ કંપની હાલમાં ભાવ વૃધ્ધિ માટે સૌથી મોટું કારણ બની ગયું છે. આ બાબત જ નક્કી કરશે કે ભાવ હજુ ઊંચે જશે કે અહીથી પાછા ફરી જશે. ઇંડેક્સબોક્સ એજન્સી અનુસાર ૨૦૨૧માં વૈશ્વિક સ્ટીલ વપરાશ, વર્ષાનું વર્ષ ૪.૧ ટકા વધશે. ભાવની વધઘટનો આધાર આગેવાન ખાણ કંપનીઓની સપ્લાયમાં થનારા ફેરફારને ધોરણે નક્કી થાય છે.

ગોલ્ડમેન સાસ કહે છે કે બીજા છમાસિકમાં બ્રાજીલની વધારાની સપ્લાય બજારમાં આવવા લાગશે અને નિકાસ પણ વધશે, આ જોતાં ચોથા ત્રિમાસિકમાં ભાવ ૧૧૦ ડોલર અને ૨૦૨૨માં ૧૦૦ ડોલરની નીચે જતાં રહેશે. શક્ય છે કે આગામી વર્ષે તબક્કાવાર ભાવ ઘટાડા તરફી આગળ વધીને ૨૦૨૬ સુધીમાં ૭૨ ડોલર સુધી નીચે જઇ શકે છે.


 

 

 

 

 

વધુમાં આગામી મહિનાઓમાં ભાવ ઘટાડા તરફી રહેવા માટેના ઘણા કારણો અસ્તિત્વમાં આવી રહ્યા છે. પહેલું તો એ કે ૨૦૨૧ના અંતિમ તબક્કામાં બ્રાજીલનો પુરવઠો સુધારવા લાગશે. દરમિયાન ચીન સરકાર પણ રાહત (સ્ટીમ્યુલસ) પેકેજમાથી તબક્કાવાર બહાર નીકળવાનું શરૂ કરશે, ત્યારબાદ આયર્ન ઓરની માંગ પરનું દબાણ ઓછું થશે.

ટૂંકાગાળાની પુરવઠા અછતે આયર્ન ઓરના ભાવને નવી દિશા આપી છે. શાંઘાઇ બેન્ચમાર્ક આયર્ન ઓર વાયદો ગત સપ્તાહના છેલ્લા ત્રણે દિવસ વધીને એક મહિનાની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. માયસ્ટીલ કન્સલ્ટન્સીએ કહ્યું હતું કે ૯ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ચીનના સૌથી મોટા નિકાસકાર ઓસ્ટ્રેલીયા અને બ્રાજીલથી નિકાસ, અગાઉના સપ્તાહ કરતાં ૪૦ લાખ ટન ઘટીને ૨૪૦ લાખ ટન થઈ હતી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)