પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ડીસેમ્બર 2017નો સમય હતો, અમદાવાદની સાબરમતી જેલમાં સમાચાર આવ્યા કે સાબરમતી જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીની બદલીનો આદેશ થયો છે, આખી જેલના વાતાવરણમાં એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ, સામાન્ય  રીતે જેલ સુપ્રીટેન્ડન્ટ અને જેલના કેદીઓ વચ્ચેના સંબંધ સારા કહેવાય તેવા હોતા નથી, કારણ સુપ્રીટેન્ડન્ટનું કામ કોર્ટ દ્વારા મોકલામાં આવેલા કેદીઓની જેલના નિયમો પ્રમાણે સંભાળ લેવાની હોય છે અને જેલમાં આવેલો કોઈ પણ કેદી તે ગરીબ હોય કે શ્રીમંત તેમના માટે જેલના નિયમોનું પાલન કરવું આકરૂં લાગતું હોય છે, પણ નિયમ ભંગ કરનાર કેદીઓ માટે આકરા સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીની બદલીનો આદેશ થયો તેવા સમાચારે કેદીઓને નિરાશ કરી નાખ્યા હતા. સુનીલ જોષીએ જેલનો હવાલો સંભાળ્યા પછી અનેક એવા કામ કર્યા જેના કારણે કેદીઓને લાગ્યું કે તેઓ પણ માણસ છે.

તે જ સાંજે સાબરમતી જેલની બરાબર વચ્ચે આવેલા ઓપનીયર થીયેટરમાં કેદીઓને જેલ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા, સુનીલ જોષી પોતાની બદલીના સ્થળે જતા પહેલા કેદીઓને મળવા માગતા હતા, મંચ ઉપર આવેલા સુનીલ જોષીને પણ જેલનો હવાલો છોડતા જાણે તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું, આમ તો જ્યારે પણ કોઈ પણ આઈપીએસ અધિકારીની જેલમાં બદલી થાય ત્યારે તેમના માટે પણ આ પોસ્ટીંગ જેલ જેવું જ હોય છે. સુનીલ જોષી મંચ ઉપર ઉભા થયા, તેમણે એક એક કેદીઓની આંખમાં જોયું, બધી જ આંખો એક જ સવાલ કરી રહી હતી, તમે અમને છોડી જઈ રહ્યા છો થોડીક ક્ષણ શાંત થઈ, સુનીલ જોષીએ કહ્યું હું મારી બદલીના સ્થળે જઈ રહ્યો છું, પણ તમને છોડી રહ્યો નથી. તમારા પ્રશ્નોની મને ખબર છે, મારો ટેલીફોન કાયમ તમારી રાહ જોશે, તમારી કોઈ પણ તકલીફમાં હું મદદરૂપ થઈ શકું તો મને જરૂર ફોન કરજો હું તમારી મદદમાં રહીશ.

આ કાર્યક્રમ પુરો કરી તેઓ પોતાની ચેમ્બરમાં પાછા ફર્યા, તેમની ચેમ્બરનો દરવાજો ખોલી ઉભા રહેલા પ્રવિણે તેમને સલામ કરી, પ્રવિણે જેલના નિયમ પ્રમાણેના સફેદ કપડા અને માથા ઉપર પીળી  ટોપી પહેરી હતી. સુનીલ જોષીએ પણ સામી સલામ કરી અને ચેમ્બરમાં જતાં  તેમણે પ્રવિણને અંદર બોલાવ્યો, સુનીલ જોષીને  સાબરમતી જેલના સુપ્રીટેન્ડન્ટ તરીકે દસ મહિના થયા હતા. પ્રવિણ બારોટ અને તેમનો પરિચય માત્ર દસ મહિનાનો હતો. જેલના નિયમ પ્રમાણે તમામ સજા પામેલા કેદીએ કોઈને કોઈ કામ કરવાનું હોય છે તેના ભાગ રૂપે પ્રવિણને સુપ્રીટેન્ડન્ટ ઓફિસની કામગીરી સોંપવામાં આવી હતી.

પ્રવિણ ચેમ્બરમાં દાખલ થયો, તેના ચહેરા ઉપર એક વેદના હતા, બહુ વર્ષો પછી તેને છુટવાની આશા દેખાઈ હતી, પણ સુનીલ જોષીની બદલી સાથે તેની આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું લાગ્યુ હતું, સુનીલ જોષીએ પ્રવિણ સામે જોયું, તેમના ચહેરા ઉપર એક સ્મીત આવ્યું, તે પ્રવિણના મનમાં ચાલતી ગડમથલ સમજી ગયા, તેમણે કહ્યુ કયું ચિંતા કરતા હૈ, મેં હોમ ડીપાર્ટમેન્ટ અને રાજ્યપાલ ભવન ગયા થાં મેને વહાં કે અફસરો સે બાત કી તેરે લીયે કુછ અચ્છાએ હોગા કુછ ભી મુઝે ફોન કરના, થોડીવાર પછી સુનીલ જોષી પોતાની સરકારી કારમાં બેસી જેલ છોડી જતા રહ્યા પ્રવિણ તેમને જેલની બહાર નિકળતા જોઈ રહ્યો હતો. સુનીલ જોષી કુછ અચ્છા હી હોગા તેવું કહીને ગયા હતા, પણ પ્રવિણ નિરાશ થઈ ગયો હતો. કારણ હવે કોઈ સારા સમાચાર આવવાના આશાર ન્હોતા.

થોડા અઠવાડિયા પછી સાબરમતી જેલને ગુજરાતના રાજયપાલ ભવનથી એક પત્ર મળે, જેલમાં તો આ પ્રકારના અનેક સરકારી પત્રો આવતા હોય છે, પણ આ પત્ર આવતા જેલમાં આનંદનો માહોલ છવાઈ ગયો, ગુજરાતના રાજ્યપાલે પ્રવિણ બારોટની દયાની મંજુર રાખી  તેને જેલ મુકત કરવાનો આદેશ કર્યો હતો. સમાચાર મળતા પ્રવિણની આંખો ભરાઈ આવી. સાબરમતી જેલમાં તેની જીંદગીના 19 વર્ષ પસાર થઈ ગયા હતા. પ્રવિણની આંખ સામે સુનીલ જોષી આવી ગયા. જો સુનીલ જોષી જેલ સુપ્રીટેન્ડન્ટ તરીકે આવ્યા જ ના હોત તો આજે પણ પ્રવિણની જીંદગી જેલમાં જ હોત 2017માં સુનીલ જોષીનું પોસ્ટીંગ જેલમાં થયું ત્યારે શરૂઆતના દિવસોમાં તેઓ કેદીઓને પોતાનાથી દુર રાખતા હતા, પણ સમયની સાથે તેમને સમજાયું કે અહિયા આવનાર મોટા ભાગના કેદીની પહેલી અને છેલ્લી ભુલ હોય છે.

એક દિવસ  પ્રવિણ રોજ પ્રમાણે સુનીલ જોષી આવ્યા પછી તેમને પાણી આપવા તેમની ચેમ્બરમાં ગયો, એટલે તેમણે પુછ્યું પ્રવિણ તુમ કૌન સે કેસમાં અંદર આયે.. પ્રવિણ એક ક્ષણ નીચે જોઈ ગયો, તે કઈ બોલ્યો નહીં, પછી તેણે કહ્યું રેપ વીથ મર્ડર, સુનીલ જોષી તેની સામે જોઈ રહ્યા હતા, બંન્ને વચ્ચે એકદમ શાંતિ છવાઈ ગઈ, પ્રવિણે હિંમત કરતા કહ્યું સાહેબ આજીવન કારાવાસની સજા થઈ, 19 વર્ષ થઈ ગયા છે. પણ ખોટું નહીં બોલું પણ આ કેસ સાથે મારે કોઈ નીસ્બત ન્હોતી, હું રહ્યો ગરીબ માણસ, સારો વકિલ રોકી મારી વાત કહી શકયો નહીં અને મને સજા થઈ ગઈ ફરી સંવાદ બંધ થઈ ગયો, સુનીલ જોષી કઈક વિચારી રહ્યા હતા, તેમણે અચાનક પુછ્યું તેમને દયા કી અરજી હીં કી.

પ્રવિણે કહ્યું રાજયપાલ સાહેબને મેં અરજી કરી હતી, પણ મારી અરજી મંજુરી થઈ, સુનીલ જોષીનો અનુભવ હતો કે જેલમાં મોટા ભાગના કેદીઓને તેમના ગુના અંગે પુછો તો તેઓ નિદોર્ષ હોવાનું કહેતા હતા, પણ બધા જ નિર્દોષ હોય તેવું પણ હોતુ નથી, પ્રવિણની વાત ઉપર કેટલો ભરોસો કરવો તે કહેવું મુશ્કેલ હતું, પણ એક પોલીસ અધિકારીની આંખો વાંચી રહી હતી કે, પ્રવિણ સત્યની નજીક છે. થોડા વિચાર પછી તેમણે પ્રવિણને કહ્યું તારા કેસ પેપર તારી પાસે હોય તો આવતીકાલે લઈ આવજે, હું કેસ પેપર વાંચવા માંગુ છું બીજા દિવસે પ્રવિણ પોતાના બધાના કાગળો લઈ આવ્યા જોષી સાહેબના ટેબલ ઉપર મુકયા, પછી પ્રવિણ પણ તેના કામમાં વાત ભુલી ગયો પણ સુનીલ જોષી ભુલ્યા ન્હોતા.

થોડા દિવસ પછી સુનીલ જોષીએ પ્રવિણને કહ્યું રાવ કો બુલાવો, ઔર તુમ ભી ઉસકા સાથ આવો, રાવ જેલના વહિવટી વિભાગમાં કામ કરતા હતા, પ્રવિણ અને રાવ ચેમ્બરમાં દાખલ થયા, સુનીલ જોષીએ આદેશાત્મક સ્વરમાં કહ્યું રાવ યહ પ્રવિણની એક દયા કી અરજી તૈયાર કરો, રાવ પ્રશ્નાર્થ નજરે જોતા રહ્યું જોષી સાહેબે કહ્યું મુઝે પતાએ એક બાર અરજી રીજેક્ટ હો ચુકી હૈ, ફીર ભી હમ દૌબારા કૌશીશ કરતે, પ્રવિણના ચહેરા ઉપર ખુશી દોડી આવી તેણે જોષી સાહેબ સામે હાથ જોડયા. અરજી તૈયાર થઈ ગઈ અને આઈજીપી ઓફિસમાં પહોંચી ત્યાં પણ વહિવટી અધિકારીએ નિયમ આગળ ધરી કહ્યું એક વખત દયાની અરજી રીજેકટ થાય પછી અરજી થઈ શકે નહીં.

મામલો પહોંચ્યો જેલોના વડા ટી એસ બીસ્ટ સુધી તેમણે કહ્યુ જો જેલ એસપી કોઈ કેદીનો પક્ષ રજુ કરવા માગતા હોય તો આપણે અરજી ગૃહ વિભાગમાં મોકલવી જોઈએ અને પ્રવિણની દયાની બીજી અરજી ગાંધીનગર પહોંચી, પણ સુનીલ જોષી જાણતા હતા કે સરકારી તુમારના ઢગલામાં પ્રવિણની અરજી વર્ષો સુધી પડી રહેશે અને કોઈ ખોલીને વાંચવાની પણ તસ્દી લેશે નહીં, તેઓ નિયમિત ગાંધીનગર જતા અને એક પછી અલગ અલગ વિભાગમાં ફરી પ્રવિણની અરજી આગળ વધારતા હતા, પ્રવિણ સાથે તેમનો કોઈ નાતો ન્હોતો, સાબરમતી જેલમાં તો ત્રણ હજાર કેદીઓ છે, પણ તેઓ માની રહ્યા હતા કે એક સાચો માણસ છે્લ્લાં 19 વર્ષ કારણવગર જેલના સળીયા પાછળ છે રાજયપાલ ભવન જઈને તેમણે પ્રવિણનો આખો કેસ સમજાવ્યો.

પણ પ્રવિણના અરજી ઉપર નિર્ણય લેવાય તે પહેલા તેમની બદલી થઈ, પણ સુનીલ જોષીએ પ્રવિણ માટે કરેલી મહેનત તેમની બદલી પછી રંગ લાવી રાજ્યપાલ ભવને જે અરજી પહેલા નકારી હતી, જેની ઉપર ફેર વિચારણા કરી તેને છોડી મુકવાનો આદેશ કર્યો, પ્રવિણ  કોઈ વીઆઈપી નથી, કોઈ રાજનેતા અથવા રાજકીય પક્ષનો કાર્યકર નથી, પણ એક આઈપીએસ અધિકારીને તેની વાત સાચી લાગી માટે તે છુટી ગયો, આજે તે વાતને ત્રણ વર્ષ થઈ ગયા પ્રવિણ તેના પરિવાર સાથે સુરેન્દ્નનગરમાં રહે છે, સારો ગાયક છે તેના દ્વારા જીવનની રોજી નિકળે છે. થોડા સમય પહેલા પ્રવિણ સુનીલ જોષીનો આભાર માનવા વલસાડ ગયો હતો, સુનીલ જોષી હાલમાં વલસાડના એસપી છે, પ્રવિણ કહે છે ભગવાને મને છોડાવવા માટે સુનીલ જોષીને જેલના એસપી તરીકે મોકલ્યા હતા, પણ મારા જેવા બધા કેદી નસીબદાર હોતા નથી આજે અનેક કેદીઓ પોતાની સજા પુરી ચુકયા છે પણ તેઓ સરકારના એક આદેશનો ઈંતઝાર કરી રહ્યા છે.