પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભારતીય પોલીસ સેવા અને ભારતીય મુલ્કી સેવામાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને સરકાર સાથે સારો નાતો હોતો નથી અને તેઓ કાયદાની પરિભાષામાં જે આવે છે તે પ્રમાણે જ કામ કરે છે. આ પ્રકારના અધિકારીઓને કયા પક્ષની સરકાર છે તેનો ફેર પડતો નથી તેઓ ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની તેઓ પોતાની રીતે લડે છે., પણ જ્યારે તમે સરકાર સામે બાથ ભીડતા હોવ ત્યારે લડનારે પાક સાફ રહેવાની જરૂર હોય છે. ગુજરાત પોલીસના અનેક આઈપીએસ અધિકારીઓ નરેન્દ્ર મોદી સરકાર સામે જંગ શરૂ કરી જેમાં સતીષ વર્મા, રાહુલ શર્મા અને રજનીશ રાય જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ કાયદાની લડાઈ લડતા અને આજે પણ લડે છે. તેમનો કોઈ પર્સનલ એજન્ડા ન્હોતો અને તેમની જીંદગી અને કામ સાફ હતા તેમની ઉપર કોઈ આંગળી મુકી શકે તેવી સ્થિતિ ન્હોતી, પરંતુ  સંજીવ ભટ્ટ સ્વાર્થ અને અંગતહેતુ માટે લડતા અને તેમને ફસાવી શકાય એટલો પુરતો મસાલો તેમની વિવાદાસ્પદ જીંદગીએ જ પુરો પાડયો હતો.

નરેન્દ્ર મોદીને આરોપીના પાંજરામાં જોવાની સંજીવ ભટ્ટની ઈચ્છા હતી. જે માટે તેમણે 2002ના તોફાન પાછળ નરેન્દ્ર  મોદી દોષીત છે તે મતલબની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, ત્યાર પછી સંજીવ ભટ્ટ પોતે જ ખોદેલા ખાડા તરફ આગળ વધતા ગયા અને જામનગર કોર્ટે તેમને કસ્ટોડીયલ ડેથ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે, પણ સંજીવ ભટ્ટ અને તેમની આસપાસ ફરતી ઘટનાઓ ઉપર એક નજર કરવા જેવી છે.

-   સંજીવ ભટ્ટની કારર્કિદી અત્યંત વિવાદાસ્પદ રહી છે. તેમની સામે જામજોધપુરમાં ગુનો નોંધાયા પછી તેઓ 1996માં બનાસકાંઠાના એસપી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા, તેઓ બનાસકાંઠાના એસપી હતા ત્યારે અમદાવાદના સેશન્સ જજ આર આર જૈનના રાજસ્થાન સ્થિત ઘરના ભાડુઆત પાસે ઘર ખાલી કરાવવા માટે પાલનપુરની એક હોટલના ચરસનો જથ્થો મુકાવી  ભાડુઆત વકિલને પોલીસ મુકી ઉપાડી લીધા હતા, અને વકિલ પાસે તે ઘર ખાલી કરી આપે છે તેવું લખાણ લખાવી લીધુ હતું.

જો કે ચરસનો ખોટો કેસ રાજસ્થાનના વકિલ સામે થતાં રાજસ્થાનના વકિલોએ હડતાલ પાડી હતી અને જે મામલે સંજીવ ભટ્ટ સામે ગુનો નોંધાયો હતો, પરંતુ સંજીવ ભટ્ટના સરકાર સાથેના સારા સંબંધને કારણે ત્યારે વાંધો આવ્યો ન્હોતો. પણ તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન થતાં તે કેસ ફરી બેઠો થયો છે. કાયદાવિદ્દના મત પ્રમાણે જે પ્રકારના પુરાવા સંજીવ ભટ્ટ સામે છે તે પ્રમાણે ના્ર્કોટીકસના ખોટા કેસમાં પણ સજા થવાની પુરી શકયતા છે.

-   ગુજરાત પોલીસના અધિકારીઓ સંજીવ ભટ્ટને તકવાદી પોલીસ અધિકારી તરીકે જુવે છે. 2001માં નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ ત્યારે નવી સરકાર સાથે સંજીવ ભટ્ટને ઘરોબો ન્હોતો, નરેન્દ્ર મોદીની સરકારમાં કર્તાહર્તા અમિત શાહ ત્યારે પણ હતા, અમિત શાહની ટીમમાં એડવોકેટ તુષાર મહેતા હતા, મહેતા અને સંજીવ ભટ્ટ કૌટુંબીક મિત્રો હતા. સંજીવ ભટ્ટે તુષાર મહેતાનો ઉપયોગ કરી અમિત શાહ સામે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. 2003માં સંજીવ ભટ્ટને સાબરમતી જેલના એસપી તરીકે મુકવામાં આવ્યા, પણ સાબરમતી જેલના એસપી થયા પછી તેમને જેલ સુધારણાના નામે કેદીઓને અનેક મોકળાશ આપી તેવું સરકાર માની રહી હતી. આ દરમિયાન જેલમાં ચાલી રહેલી કોર્ટના જજ સોનીયા ગોકાણીની કારને જેલના દરવાજા ઉપર અટકાવી ફરી તેઓ વિવાદમાં આવ્યા અને સરકારે તેમની જેલમાંથી બદલી કરી હતી, સંજીવ ભટ્ટની બદલી થતાં કેદીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

- અત્યંત મહ્તવકાંક્ષી સંજીવ ભટ્ટનું જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે પોસ્ટીંગ નહીં મળતા સંજીવ ભટ્ટે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કાયદાકીય રીતે સંકજામાં લેવા એડવોકેટ મિત્ર તુષાર મહેતાનો મેઈલ પાસવર્ડ મેળવી લીધો હતો અને તુષાર મહેતા ગુજરાત સરકારના કેસ લડતા હોવાને કારણે તેમના કોમ્પ્યુટરમાં અનેક મહત્વની જાણકારીઓ હતી. આ બધી જાણકારીઓનો તેમણે ઉપયોગ કર્યો અને તે જાણકારી મોદી વિરોધી કેમ્પને પણ તેમણે આપી. આ દરમિયાન તેઓ કોંગ્રેસની નજીક ખસ્યા અને ગુજરાત પોલીસનો હિસ્સો હોવા છતાં તેઓ પાછલા બારણે રાજકારણમાં રસ લેતા અને કોંગ્રેસીઓ સાથે મોદીની ફસાવવાનો વ્યુહ ઘડી રહ્યા હતા, તેમણે પોતાની પત્ની સ્વેતાને પણ અમદાવાદની મણિનગર બેઠક જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી  રહ્યા હતા તે બેઠક ઉપર કોંગ્રેસની ટીકીટ ઉપર ચૂંટણી લડાવી હતી.

-   ગુજરાતના ડીજીપી રહી ચુકેલા એસ એસ ખંડવાલાને પણ તેઓ જુનાગઢના ડીવાયએસપી હતા ત્યારે એક આરોપીને માર મારવાને કારણે અપંગતા આવી જવાને મામલે જુનાગઢ કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી, જો કે આ સજા કાયમ રહે તો ખંડવાવાલાને ડીજીપીને બઢતી મળે નહીં અને તેઓ જેલમાં જાય તેવા સંજોગો ઉભા થયા હતા, જો કે ગુજરાત હાઈકોર્ટમાં ખંડવાવાલાએ તેમને થયેલી સજાને પડકારતા હાઈકોર્ટે તેમની સજા રદ કરી હતી જેનાં કારણે તેઓ ડીજીપી થઈ શકયા હતા.

આ પ્રકારે ગુજરાત પોલીસના પીએસઆઈ અને ઈન્સપેકટર કક્ષાના અડધો ડઝન અધિકારીઓને સજા થઈ છે પણ હાલમાં તેઓ જામીન ઉપર છુટયા છે પરંતુ આઈપીએસ કક્ષાના અધિકારીને આજીવન કારાવાસની સજા થઈ હોય તેવો સંજીવ ભટ્ટનો પહેલો કિસ્સો છે.

-   આરોપીના પાંજરામાં કોણ અધિકારી છે તેના આધારે સરકારનું વલણ બદલાતુ હોય છે, સંજીવ ભટ્ટ સામે કસ્ટોડીયલ ડેથ અને બનાવટી નાર્કોટીકસ કેસ નોંધાયો ત્યારે સંજીવ ભટ્ટના સંબંધ પહેલા કોંગ્રેસ સાથે અને બાદમાં ભાજપ સાથે સારા હતા. જેના કારણે ત્યારે સંજીવ ભટ્ટને કોઈ તકલીફ પડી નહીં, પણ સંજીવ ભટ્ટના સંબંધ ભાજપ સરકાર સાથે બગડ્યા અને પછી તેમનો કેસ આજીવન કારાવાસ સુધી પહોંચ્યો હતો.

જ્યારે બીજી તરફ 2002થી 2006 સુધી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા બનાવટી એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ અધિકારી ડી જી વણઝારા, વિપુલ અગ્રવાસ અને રાજકુમાર પાંડીયન, તેમજ અભય ચુડાસમા સહિતની આખી ટીમ ભાજપ સરકારની ગુડબુકમાં હોવાને કારણે તેમને આ કેસમાંથી બહાર કાઢવા માટે સમગ્ર તંત્રએ મહેનત કરી હતી. આખરે અદાલતમાં પણ આ અધિકારીઓ નિર્દોષ છુટયા હતા. બનાવટી એન્કાઉન્ટર કેસમાં પણ પોલીસ ઉપર આરોપ હતો કે જેમને મારી નાખવામાં આવ્યા તેઓ તમામ પોલીસ કસ્ટડીમાં અગાઉથી હતા, પરંતુ આ અધિકારીઓ ભાજપ સરકાર સાથે હોવાને કારણે તેમના માટે સરકારનું વલણ જુદુ હતું.