રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): માનસન્માન કોને ન ગમે? ગમે જ, પણ તે સહજ હોવું જોઈએ. પ્રતિષ્ઠાનો મોહ માણસને દંભી, ધૂર્ત બનાવે છે. કેટલાંક નેતાઓ કામ કરવાને બદલે ઈમેજ મેકિંગની જ ચિંતા કરતા હોય છે; દિવસમાં ચાર ચૂંટણી સભાઓ હોય તો ચાર વખત કપડાં બદલે ! ટીવી ચેનલમાં અલગ અલગ દેખાય ને ! આટલી ચિંતા જો નીતિ બનાવવામાં કરતા હોય તો દેશનો ઉદ્ધાર થઈ જાય ! વર્ષ 1955માં કેદારનાથજીનું પુસ્તક ‘વિચારદર્શન’ પ્રસિધ્ધ થયું હતું; તેમાં ‘પ્રતિષ્ઠાનો મોહ’ નિબંધ આંખ ખોલનારો છે અને વર્ષ 2020 માટે જ લખાયો હોય તેવું લાગે છે !

માનપ્રતિષ્ઠાની એક વાર ચટ લાગ્યા પછી અને તેનું વ્યસન પડી ગયા પછી માણસ દિવસે દિવસે અધોગતિ તરફ ધકેલાતો જાય છે. પોતાને યુગપુરુષ, ઈશ્વર માનવા લાગે છે. લોકોના આદરને કારણે તેનો અહંકાર પોષાતો જાય છે. અહંકારમાંથી મદ, મદમાંથી નશો, નશામાંથી બુધ્ધિભ્રંશ થાય છે, પછી બધાં અનર્થો થાય છે. આ મોહમાં સપડાયેલ માણસને; પોતામાં હોય તે ગુણો સાથે ન હોય તે ગુણો પણ પોતામાં છે, એમ બતાવવાની મનોવૃતિ થાય છે ! તે ગુણો વિશે લોકો પ્રશંસા કરે તો તેને સારું લાગે છે. 

પરંતુ પોતામાં ન હોય એ ગુણો વિશે પોતાની પ્રશંસા સાંભળવાની ટેવ પડ્યા પછી વિપક્ષના નેતાના કે બીજા કોઈના તે ગુણોની પ્રશંસા સાંભળતાં જ તેને ઈર્ષા થવા લાગે છે ! મારી તોલે કોઈ ન આવે; એવું અભિમાન પ્રગટે છે. ધનવાન; ઉદાર, પરોપકારી અને દયાવાન હોય છે, એવું નથી. તે પ્રમાણે રાષ્ટ્રકાર્ય કરનારાઓમાં વ્યાપક રાષ્ટ્રભાવના હોય છે જ એવું નથી. અહંકાર જાગ્રત થયા પછી વિવેક રહેવો કઠણ છે. ધન, વિદ્યા, બળ, યૌવન, સૌંદર્ય, કળા, સત્તા અને ઈશ્વરભક્તિને નિમિત્તે જીવમાં રહેલો અહંકાર જાગ્રત થઈને વધતો હોય છે. લોકાદરથી તે પોષાતો જાય છે. આમ ગાડું અવળે રસ્તે ચડી જાય છે ! માનપ્રતિષ્ઠાનું વ્યસન માણસને દંભ, અસત્ય અને ધૂર્તતા તરફ ધકેલે છે !

સ્થિતિ એવી ઊભી થાય છે કે માનપ્રતિષ્ઠા માટે કાવાદાવા કરવા પડે છે. નંબર-1 CM; નંબર-1 PM વગેરે ! જૂઠાં સર્વે કરાય છે. કામ કરવાને બદલે કાવાદાવા, અસત્ય, જૂઠનું માર્કેટ ઊભું કરવામાં આવે છે. ઓગષ્ટ 2020 માં ‘ઈન્ડિયા ટુડે’ ગૃપે એક જાદૂઈ સર્વે કરાવ્યો. તેમાં વિપક્ષી નેતાની ઈમેજને લગતો પ્રશ્ન પૂછ્યો હતો : ‘આપ કોરોના મહામારીમાં વિપક્ષી નેતાએ PMની આલોચના કરેલી તે અંગે શું માનો છો?’ તેમાં ચાર વિકલ્પ આપ્યા હતા; તેમાં એક પોઝિટિવ વિકલ્પ અને ત્રણ નેગેટિવ વિકલ્પ હતા.

PMની ઈમેજને લગતો પ્રશ્ન પૂછ્યો હતો : ‘PMએ કોરોના મહામારી સામે કેવો મોરચો સંભાળેલ છે?’ તેમાં ત્રણ વિકલ્પ આપ્યા હતા; તેમાં એક પણ નેગેટિવ વિકલ્પ ન હતો; બધાં જ પોઝિટિવ વિકલ્પ હતા ! આવા કાવાદાવાથી ભરેલા સેમ્પલ સર્વેના આધારે નેતાની ઈમેજ ઊભી કરવામાં આવે છે. સમસ્યાથી ઘેરાયેલ લોકો રોટલાની ચિંતા કરે તે સ્વાભાવિક છે. આવા જૂઠાણાંની ચિંતા કરવાનો સમય તેમની પાસે નથી. નાણા વિકાસ માટે વાપરવા જોઈએ તેને બદલે જૂઠાં સર્વે માટે વપરાય છે. શું માનપ્રતિષ્ઠાની લત લાગ્યા પછી એમાંથી બહાર નીકળવું શક્ય છે? ના, ના અને ના. દંભ, અસત્ય અને ધૂર્તતાનો સહારો લેવો જ પડે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવાનો છે)