રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): હિન્દી ફિલ્મના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ આત્મહત્યા કરી. આત્મહત્યા માટે દુષ્પ્રેરણામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને જેલમાં પૂરી. આ કેસમાં દુષપ્રેરણ ન હતું; પણ હત્યા જ હતી; તેથી તપાસ કરો, એવી માંગ ઊઠી. હવે આ કેસની તપાસ CBI કરે છે. આ કેસમાં નશીલા પદાર્થોના ઉપયોગની વાત નીકળી. સુશાંતસિંહને નશીલા દ્રવ્યો આપવામાં આવતા હતા; તેવો આક્ષેપ થતા NCB-નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જંપલાવ્યું છે. NIA, CBI, NCB કેન્દ્ર સરકારની એજન્સીઓ છે; એટલે સ્વાભાવિક છે કે સરકારની ટીકા કરનારા ફિલ્મ કલાકારો, દિગ્દર્શકો, ફિલ્મ પ્રોડ્યુસર્સની પજવણી હદ બહારની થાય ! સત્તાપક્ષને તો દોડવું હતું અને ઢાળ મળ્યો ! સુશાંતસિંહની આત્મહત્યાના કારણે ચૂપ કરવાનો, ધાક જમાવવાનો સત્તાપક્ષને અવસર મળી ગયો !

દારુ પીવાની, નશીલા પદાર્થોના સેવન કરવાની મનાઈ હોય તો કોઈ વ્યક્તિ આવા પદાર્થોનું સેવન કરે તો તે કાયદાભંગ માટે જવાબદાર છે જ. પરંતુ સવાલ એ છે કે 2017માં નશો કર્યો; એની તપાસ 2020 માં કેમ? NCBનું ધ્યાન અત્યાર સુધી કઈ તરફ હતું? ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય તો તેને ‘કંટ્રોલ’ કરવામાં NCBને સફળતા કેમ ન મળી? હવે NCB પોતાની નિષ્ફળતા ઢાંકવા અભિનેત્રી દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર, નમ્રતા શિરોડકર, દિયા મિર્ઝા, રકુલ પ્રિતસિંહ, કરિશ્મા પ્રકાશ, શ્રુતિ મોદી, સિમોન ખંભાતાને પૂછપરછ માટે બોલાવે છે. સ્વાભાવિક છે કે બોલીવુડમાં ફફડાટ ફેલાઈ ગયો છે ! દેશના અખબારોમાં પ્રથમ પેજ ઉપર સમાચાર ચમકી રહ્યા છે; ટીવી ચેનલોને TRP-Television Rating Point વધારવાનો નશો ચડ્યો છે ! ફફડાટ ફેલાઈ જવાનું એક કારણ છે; NCBના વડા તરીકે રાકેશ અસ્થાના ! તેમને PMના આશીર્વાદ છે. તેમણે CBIના વડા આલોક વર્માને ભૂંડી રીતે દૂર કરાવ્યા હતા ! જે ફિલ્મ કલાકારો સત્તાપક્ષ સાથે છે તેની યાદી NCB પાસે આવી જશે; એટલે સત્તાપક્ષ તરફી નશીલા કલાકારોને ચિંતા કરવાની જરુર નહીં રહે. પરંતુ જે કલાકારો સત્તાપક્ષ વિરુધ્ધ બોલ્યા છે, JNUના વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો છે, CAA-The Citizenship (Amendment) Act, 2019 નો વિરોધ કર્યો છે; એમને બરાબર પાઠ ભણાવવા NCBએ કમર કસી હોય તેવું લાગે છે !

The Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 માં એવી કોઈ જોગવાઈ છે કે વર્ષો પહેલાં નશો કર્યો હોય તો તેને જેલમાં પૂરી શકાય? ના, આવી જોગવાઈ નથી; કેમકે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળે નહીં. આવી જોગવાઈનો મહત્તમ દુરુપયોગ પણ થાય ! સામાજિક કાયદાઓમાં આવી જોગવાઈ હોઈ શકે નહીં. હત્યા, રેપ વગેરેમાં ગુનો વર્ષો પછી જાહેર થાય તોપણ આરોપીને જેલમાં જવું પડે. ગુજરાતમાં દારુબંધી છે; વર્ષો પહેલા દારુ પીધો હોય તે સબબ તેને જેલમાં પૂરી શકાય નહીં. હા, Drugs nexus શોધીને સપ્લાયર્સ, વેપારીઓ, ગેંગને જેલમાં પૂરી શકાય. NCBને; ડ્રગ્સનો ધંધો કરનારાઓ કરતા નશો કરનારામાં વધુ રુચિ છે. ! ગુજરાતમાં કોઈપણ દિશામાં 5-10 કિલોમીટર જાઓ; દારુ જોઈએ તેટલો મળે ! ખાળે ડૂચા; દરવાજા મોકળા જેવી સ્થિતિથી નશીલા દ્રવ્યોનો કારોબાર કંટ્રોલ થઈ શકે નહીં. આપણી પોલીસ, તપાસ એજન્સીઓ સત્તાપક્ષના ઈશારે જ કામ કરે છે; એનું ઉદાહરણ છે: CBIએ જેને હત્યાના કાવતરા માટે જેલમાં પૂરેલ, તે સત્તાપક્ષના પ્રમુખ બની જતાં નીચલી કોર્ટ ચાર્જ ફ્રેમ કરતાં તેને છોડી મૂકે છે, ત્યારે CBI ના અધિકારીઓ ગાઢ યોગમાં બેસી જાય છે અને નીચલી કોર્ટના હુકમ સામે અપીલ કરવાનું પણ ભૂલી જાય છે ! સત્તાપક્ષ, NCB ના દુરુપયોગ વડે ફિલ્મ કલાકારોને ચૂપ કરી દેશે; એ નક્કી છે.

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)