રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કેરળના પૂર્વ DGP/નિવૃત IPS અધિકારી નિર્મલચંદ્ર અસ્થાનાએ રિયા ચક્રવર્તીના કિસ્સા અંગે વિચારપ્રેરક લેખ ‘વાયર’ પોર્ટલ ઉપર લખ્યો છે; જે દરેક નાગરિકે વાંચવા જેવો છે. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીને એરેસ્ટ કરી ત્યારથી ‘મીડિયા ટ્રાયલ’ ચાલે છે. મીડિયાની દ્રષ્ટિએ આ 2020ની ટોચની ઘટના છે રિયા! કોરોના મહામારી, લોકડાઉન, પ્રવાસી શ્રમિકોની હાડમારી, દેશના અર્થતંત્રની દુર્દશા, ચીનનું લદાખમાં અતિક્રમણ, ખેડૂતોને થતી હાલાકી વગેરે સમસ્યાઓ કરતા રિયાનો ગુનો મોટો છે! એવી કઈ ખાસ વાત હતી રિયાની અટકાયતમાં? શું આ દેશની પ્રથમ અટકાયત હતી? શું આ દેશનો પ્રથમ ડ્રગ્સ કેસ હતો? 2018માં NDPS Act હેઠળ 49,450 કેસ દાખલ થયા હતા; જેમાં 60,156 આરોપીઓને અટક કરેલા હતા. રિયાને અટક કરી તો આટલો હંગામો કેમ? ટીવી ચેનલોનો મત હતો કે ‘બિહારના બેટા’ને ન્યાય અપાવવા માટે રિયાને અટક કરવી જરુરી હતી ! ટીવી ચેનલોના એન્કર એવા ઘાંટા પાડતા હતા કે તેમને સ્ટુડિયોમાં હિસ્ટિરિયાનો હુમલો આવ્યો હોય !

સત્ય તો એ છે કે એક એકટરની અસ્વાભાવિક મૃત્યુ કે તેની પૂર્વ ગર્લફ્રેન્ડની ભૂમિકા એ મુખ્ય મુદ્દો ન હતો. આ પ્રકરણમાં દર્શકો, વાંચકોને અતિ રસ પડ્યો તેનું આ કારણ છે. લોકમાનસના સામૂહિક માનસમાં છૂપાયેલી વિકૃતિઓ-Perversions અને Misogyny-સ્ત્રીદ્વેષ ! કરોડો દર્શકો રિયાના લોહી તરસ્યા બની ગયા ! એક છોકરી; જે પોતાની રીતે જીવવા ઇચ્છતી હતી; જે લગ્ન કર્યા વિના કોઈ છોકરા સાથે રહેવામાં સહજ હતી અને જેણે પોતાની મરજીથી તેની સાથે સંબંધ તોડી પણ નાખ્યો, લોકો આ સહન ન કરી શક્યા ! લોકોએ એને વિષકન્યા, ડાયન, સેક્સ ભૂખી, બ્લેક મેજિક કરનારી ઠરાવી દીધી ! જે લોકો ઘરની ચાર દિવાલોમાં કેદ સ્ત્રીને જ આદર્શ મહિલા માનતા હોય, તેના માટે રિયાની જીવનશૈલી જ તેને ગુનેગાર ઠરાવવા માટે પૂરતી હતી ! ચેનલોએ વાર્તા ઘડી કે એક ચાલુ છોકરીએ, એક ભોળા છોકરાને ગોળીઓ ખવડાવી, કાળો જાદૂ કરી વશ કરી લીધો અને તેના બધા રુપિયા હડપ કરી લીધા પછી લટકાવી દીધો ! લોકોએ આ સ્ટોરી વેદવાક્યની જેમ માની લીધી! 

સ્ત્રીઓને હલકી માનવાની આપણા દેશમાં અત્યંત પ્રાચીન સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પરંપરા રહી છે. ‘પ્રશ્નોત્તરી મણિરત્નમાલા’માં આદિ શંકરાચાર્યે સ્ત્રીને નરકના મુખ્ય દ્વાર સાથે સરખાવી છે! આપણું પ્રાચીન સાહિત્ય એ વાતથી ભરાયેલું છે કે સ્ત્રી પુરુષને પતનના માર્ગે લઈ જાય છે અને તેને આધ્યાત્મિક ઉન્નતિ કરવા દેતી નથી ! અપ્સરાઓ ઋષિ-મુનિઓને લલચાવીને તેમની તપસ્યા ભંગ કરી નાખતી હતી. આવી વાતોના કારણે, કથા-પ્રવચનોના કારણે પુરુષોના માનસમાં સ્ત્રી પ્રત્યે સન્માન સમાપ્ત થઈ ગયું અને તેના મનમાં ગ્રંથિઓ ઊભી થઈ ગઈ. જો સમસ્ત સ્ત્રીઓ ‘મોહિની’ હોય; જેનો મુખ્ય આશય પુરુષોને લલચાવવાનો હોય; તો આ તર્ક મુજબ પુરુષોએ માનવું પડે કે પોતાની માતાઓ પણ એવી રહી હશે, જેમણે તેમના પિતાઓનો ધર્મ ભ્રષ્ટ કરી દીધો! જે લોકો પોતાની માતાઓ અંગે આવું વિચારી શકતા હોય; તે બીજી સ્ત્રીઓનું શું સન્માન કરે? રિયાની સામૂહિક નિંદા અને તેને ખલનાયિકા ઠરાવવી તે સદીઓ પુરાણી સ્ત્રી વિરોધી માન્યતાનું પરિણામ છે. જો રિયાએ આત્મહત્યા કરી હોત તો આપણે કહેત કે સારું થયું નશેડીથી, સુશાંતસિંહ બચી ગયો !

મહાભારતમાં ભરી રાજસભામાં દ્રૌપદીનું અપમાન કરવાની વાત છે. દુર્યોધન અને દુશાસન હજુ જીવે છે અને ટીવી સ્ટુડિયોમાં જોવા મળે છે ! દર્શકોને ઉત્તેજિત કરવા રિયાની ખાનગી તસ્વીરો દેખાડી; જેમાં તે બિકીનીમાં હતી. શું આને ‘સામૂહિક વર્ચુઅલ મોલેસ્ટેશન’ ન કહેવાય? રિયાએ NCB સમક્ષ કબૂલ કરેલું હોય તો તે એવિડેન્સ એક્ટ સેક્શન-25 હેઠળ પોલીસ સમક્ષ કરેલી ગુનાની કબૂલાત કોર્ટમાં માન્ય નથી. મધ્યકાલિન યુરોપમાં સ્ત્રીઓને જાદૂગરણી બતાવીને ‘વિચ ટ્રાયલ’ થતી હતી; જેમાં હજારો સ્ત્રીઓને થાંભલા સાથે બાંધીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. તે વખતે પણ જોરજુલમથી ગુનાનો એકરાર કરાવી લેવાતો હતો! 

રિયાની પણ ‘મીડિયા ટ્રાયલ’ નહીં; ‘વિચ ટ્રાયલ’ થઈ છે ! આ પ્રકરણમાં ચેનલો અને માહિતી આપનાર પોલીસ અધિકારીઓએ સુપ્રિમકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરેલું છે.  સુપ્રિમકોર્ટે ઓગષ્ટ 2014,  ફેબ્રુઆરી 2017, સપ્ટેમ્બર 2018માં સ્પષ્ટ હુકમ કરેલો છે કે ‘તપાસ દરમિયાન મીડિયાને બ્રીફિંગ કરવું નહીં; કેમકે અટક કરેલ આરોપી આગળ જતા નિર્દોષ પણ ઠરી શકે; એટલા માટે એનો ચહેરો ટીવી ઉપર દેખાડવાથી એની પ્રતિષ્ઠાને હંમેશ માટે નુકશાન પહોંચે છે !’ રિયા સાથે જે થયું તે માટે માત્ર ચેનલ્સ જવાબદાર નથી; દર્શકો પણ એટલા જ જવાબદાર છે. ચેનલ્સને TRP સિવાય પોતાના રાજકીય એજેન્ડા હોય છે. પોતાની સામાજિક જવાબદારી એક બાજુ મૂકીને; દર્શકોના મનમાં પડેલી ‘સ્ત્રીદ્વેષ’ની ભાવનાને વિવિધ ચેનલ પોષી રહી હતી. ચેનલ માને છે કે એક છોકરીને આ પ્રકારે સામૂહિક રીતે બદનામ થતી જોવામાં દર્શકોને એવા આનંદની અનુભૂતિ થાય છે; જેમ કોઈ વખત અમેરિકા, ઈંગ્લેન્ડમાં લોકોને સાર્વજનિક ફાંસી જોવામાં થતી હતી. જેના માટે મોટો મેળો ભરાતો હતો ! 

રિયા માત્ર એક વ્યક્તિ છે; સમાજ ઉપર એનાથી કોઈ ફરક પડતો નથી કે તે દોષિત ઠરે કે નિર્દોષ ઠરે. પરંતુ જ્યાં કરોડો લોકો ટીવી સામે આંખો ફાડીને, રિયા સાથે થતાં એક એક અત્યાચારને જુગુપ્સાપૂર્વક જોતાં હતા; જ્યારે  દેશ; કોરોના મહામારી, બેરોજગારી, લથડતા અર્થતંત્ર, કિસાનોની આત્મહત્યાઓ અને ચીની અતિક્રમણ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો હતો ! આપણી રાષ્ટ્રીય ચરિત્રની આ નબળાઈ નિશ્ચિત રુપે ચિંતાનો વિષય છે. રિયા સાથે જે કંઈ થયું તેનાથી રિયાનો એટલો પર્દાફાશ નથી થયો; જેટલો ભારતીય સમાજની છૂપાયેલી વિકૃતિઓ અને સ્ત્રીદ્વેષનો થયો છે !