રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): નાના હતા ત્યારે જાદૂગરના ખેલ જોવાની મજા પડતી. એવું સાંભળેલું કે જાદૂગર આપણી નજર બાંધી દે છે એટલે અમુક વસ્તુ આપણને દેખાતી નથી. મોટા થયા ત્યારે ખબર પડી છે નઝર બાંધી શકાતી નથી. હાથચાલાકી હોય છે. સાધનોની કરામત હોય છે. યુક્તિપ્રયુક્તિ હોય છે. પરંતુ 2014 થી હું માનતો થયો છું કે નજર બાંધી શકાય છે !

IT Cell ના મેસેજ જૂઓ. તમારી નજર બાંધવાનું કામ કરે છે. તમે કબીરની ‘ઘટ ઘટ મેં રામ’ની વાત કરતા હો; દયાનંદ સરસ્વતીને વાંચતા હો, ભગતસિંહ, જ્યોતિરાવ ફૂલે, ગાંધી, સરદાર, આંબેડકર, ઓશોને વાંચતા હો; ઊમાશંકર જોશી કે રમણ પાઠકને પચાવતા હો; રેશનાલિઝમ/હ્યુમેનિઝમ વાગોળતા હો છતાં તમારી નજર બંધાઈ જાય છે ! નજર બાંધવા આ યુક્તિપ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે : [1] તમારા હાથમાં દેશભક્તિનો ઝંડો પકડાવી દેવામાં આવે, જે લઈને તમે થાક્યા વિના અવિરત દોડ્યા કરો છો. [2] રાષ્ટ્રવાદનું ડાકલું તમને સતત ધૂણાવે છે. [3] એક કાલ્પનિક દુશ્મન ચીતરવામાં આવે છે, જેના પ્રત્યે તમે સતત ધૃણા કરવા લાગો છો. પછી તમને તાજમહાલમાં શિવમંદિર દેખાવા લાગે છે ! [4] બહુમતી ખુશ થાય તે માટે રામમંદિર/ગાય/લોક-તહેવારોનું અને કથાકારો/સંતોનું પક્ષીયકરણ દ્વારા ધાર્મિક લાગણીઓને પંપાળવામાં/ ઉશ્કેરવામાં આવે છે. પછી માણસ કરતા ગાય મહત્વની લાગે છે ! બહુમતી ખુશ થાય તે માટે હિન્દુ-મુસલમાન વચ્ચે ધૃવીકરણનું ઝેર ફેલાવવામાં આવે; જેનાથી તમે તમંચા લઈને પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ કરી જેલયાત્રા કરો છો અને નજરબંધી કરનારાઓના સંતાનો મહત્વના હોદ્દા શોભાવે છે !  [5] ‘હિન્દુ ખતરે મેં હૈ’-નો ભય દર્શાવી તમને માનવવાદી વિચારથી દૂર કરે છે. [6] તમારામાં મિથ્થા અભિમાન રોપવામાં આવે છે : ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ! હિન્દુરાષ્ટ્રની ગળચટ્ટી ચોકલેટ વહેંચે છે. [7] ગોદી મીડિયા/ગોદી લેખકો એક નેતાને રામ-કૃષ્ણ કરતા ઊંચે ચડાવે છે; બધી સમસ્યાઓનું સમાધાન એક નેતામાં છે, એવું ઠસાવે છે ! ભૂતકાળમાં આવો નેતા થયો નથી, ભવિષ્યમાં પણ થશે નહીં; એવા ભજનિયાં શરુ કરે છે. ખરાબી/દૂષણ તમને ઐતિહાસિક સિધ્ધિ લાગે છે ! ખોટી નીતિનું તમે સેલિબ્રેશન કરવા લાગો છો ! [8] ક્રોની કેપિટાલિસ્ટની દોડીને સેવા કરવાની; એમને અનુકૂળ નીતિઓ ઘડવાની; પછી ભલે ગરીબ/ વંચિત/ મધ્યમવર્ગ આત્મહત્યા કરે ! [9] કોઈ વિરોધ કરવા/ ભિન્ન મત વ્યક્ત કરવા રેલી/પ્રદર્શન/ધરણા/સભાની મંજૂરી માંગે તો આપવાની જ નહીં, લાઠીચાર્જ કરવાનો અને લોકશાહીનો ઢોંગ કરવાનો ! [10] ભિન્ન મત ધરાવનારાઓને દેશદ્રોહી ઘોષિત કરી દેવાના; પાકિસ્તાન જતા રહો તેવી બૂમો પાડવાની; હત્યા કરાવવાની ! ટુકડે ટુકડે ગેંગ/અર્બન નક્સલની ગાળ આપવાની ! ભિન્ન મતવાળા રાવણ/ દુર્યોધન/ શૂર્ણપંખા જ લાગે ! ગાંધી દેશદ્રોહી; ગોડસે દેશભક્ત લાગે !

જાદૂગર નઝર કેમ બાંધે છે? પોતાનો ખેલ જામે એટલે !

નજરબંધીમાંથી મુક્તિ મળે? જો મનમાંથી કટ્ટરતા કાઢી નાખવામાં આવે; નકલી દેશપ્રેમને ઓળખી લેવામાં આવે; ધર્મકેન્દ્રી નહીં, સંસ્કૃતિકેન્દ્રી નહીં, પરંતુ માણસકેન્દ્રી વિચારને મહત્વ આપવામાં આવે; કબીરની ‘ઘટ ઘટ મેં રામ’ની વાત દિલથી/મનથી સ્વીકારવામાં આવે તો નજરબંધીમાંથી અવશ્ય મુક્તિ મળે.