રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના વાયરસ ભગાડવા માટે ગૌમૂત્ર, તાવીજ, યજ્ઞ, જ્યોતિષ, કથાઓ, માળાઓ, દુવાઓ, પ્રાર્થનાઓ વગેરે ચાલુ થઈ ગયા છે. કોરોના વાયરસ ઘણો વાયડો છે; તે હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી કે કોઈપણ ધર્મને ગાંઠતો નથી. કથાકારો, સંતો, મહંતો, પ્રગટ બ્રહ્મસ્વરુપ, પાદરી, મુલ્લા વગેરેને ગાંઠતો નથી ! કોરાના વાયરસે ધર્મ અને તેના ઠેકેદારોને દિગમ્બર કરી નાંખ્યા છે! આખી દુનિયામાં કોરાના વાયરસ ભલે ફાવ્યો હોય; પરંતુ ભારતમાં આ વાયરસ લકવાગ્રસ્ત થઈ ગયો છે !

‘વિનોદ દૂઆ શો’ના એપિસોડ નંબર-247 માં તેમણે ચોંકાવનારી વાત કહી છે : “કોરોના વાયરસનો સરળ ઉપાય મળી ગયો છે, તાવીજ પહેરો કોરોના ભગાવો. તેમ કહેનારને પોલીસે અટક કર્યો; કેમકે તે મુસ્લિમ હતો ! જ્યારે ગૌમૂત્ર પીવાથી કોરોના વાયરસ ઊભી પૂંછડીએ ભાગી જાય છે; તેમ કહેનારને પોલીસ પકડતી નથી !” 

ગોડસેપ્રેમીઓ હિન્દુ-મુસલમાન વચ્ચે ધૃવીકરણ કરે; તે સમજી શકાય છે. સત્તા મેળવવા બહુમતી લોકોની લાગણીઓને પંપાળે, ઉશ્કેરે તે 2014,  2019 ની ચૂંટણીઓમાં આપણે જોયું. હવે ધૃવીકરણનું વ્યસન થઈ પડ્યું છે; એટલે કોરોના વાયરસ, તાવીજ અને ગોમૂત્રમાં અટવાઈ ગયો છે ! બની શકે કે આ દેશમાં જે ધૃવીકરણનું વ્યસન થઈ ગયું છે. એનાથી ત્રાસીને કોરોના વાયરસ અદ્રશ્ય થઈ જાય ! ભારતની આ અદભૂત શોધ છે : અંધશ્રદ્ધામાં પણ ધૃવીકરણ