રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): મૂળ બિહારના ડોક્ટર બિપિન ઝા સાચા દેશભક્ત છે. ઈંગ્લેન્ડમાં રહે છે; છતાં ભારતની સમસ્યાઓ અંગે સતત ચિંતિત રહે છે. બહુ જ નાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર મૂકીને લોકોને જાગૃત કરે છે. તેઓ  Endocrine Surgeon છે. તેમને ધીરુભાઈ અંબાણી સાથે પારિવારિક સંબંધો હતા. તેમણે 26 સપ્ટેમ્બર 2020ના રોજ, એક વીડિયો મૂકીને મુકેશ અંબાણીને સંદેશ આપ્યો છે; જે વિચારપ્રેરક છે.

બિપિન ઝા કહે છે : “હું મુકેશ અંબાણીને એક સંદેશ આપવા ઈચ્છું છું. અંબાણીજી, આપ ભારતના સૌથી અમીર વ્યક્તિ છો; બહુ મોટી ઈન્ડસ્ટ્રીઝ છે આપની. પરંતુ હું જ્યારે આપને બિલ ગેટ્સ સાથે સરખામણી કરું છું ત્યારે મને લાગે છે કે આપ ઉચ્ચ સ્તરના ભારતના નાગરિક નથી; જે રીતે બિલ ગેટ્સ છે. આપણા બીજા ઉદ્યોગપતિ રતન ટાટા છે; તેની સાથે સરખામણી કરું તો આપે એવી કોઈ ચીજવસ્તુ બનાવી નથી જે ઈંગ્લેન્ડ/અમેરિકામાં વેચાતી હોય. હું જ્યારે ઈંગ્લેન્ડમાં લેન્ડ રોવર/જેગુઆર ગાડી જોઉં છું તો મને ગૌરવ થાય છે કે આ ગાડીઓ ટાટા બનાવે છે ! અમે ટેટલી ચા પીતા જે ટાટા બનાવે છે. ઈંગ્લેન્ડમાં રીલાયન્સ કંપનીની એક પણ ચીજવસ્તુ જોવા મળતી નથી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકા/ઈંગ્લેન્ડ/યુરોપમાં ધૂમ મચાવી દે તો અમને ગૌરવ થાય, અમારું માથું ઊંચું રહે. પરંતુ અંબાણીજી, આપ તો PMને સાથે રાખીને ભારતના લોકોને લૂંટવામાં પડ્યા છો. આપે ભારતના નેચરલ રીસોર્સ ખોટી રીતે બથાવી લીધાં છે અને નફો રળો છો. જેમાંથી થોડી ખેરાત કરો છો રોજગાર રુપે, ટેક્સ રુપે. આપના પૈસા MLA/MP ખરીદવામાં વપરાય છે. આ કઈ રીતની દેશભક્તિ છે? વિચારો, આપે ભારતના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા શું ફાળો આપ્યો? હું એક ઉદાહરણ આપું. ઈંગ્લેન્ડમાં એક સાધારણ વ્યક્તિ 80-90 વર્ષ જીવે છે. ધીરુભાઈનું 64 વર્ષે મૃત્યુ થઈ ગયું; એ કેટલું દુખદ છે. આપે અમેરિકાથી ડોક્ટર બોલાવ્યા હતા તે પણ ધીરુભાઈને બચાવી ન શક્યા; કેમકે તેમને આવતા 15 કલાક જેટલો સમય જતો રહ્યો. જો મેડિકલ એજ્યુકેશનનું સ્તર ભારતમાં ઊંચું લાવવામાં આપે મદદ કરી હોત તો આપણા દેશની હેલ્થકેર અમેરિકા/યુરોપ જેવી હોત. ભારતમાં શિક્ષણ/આરોગ્ય ઠીક કરવા માટે પૈસાનો ઉપયોગ કરવાની શું આપની જવાબદારી નથી?”

મુકેશ અંબાણીએ ભારતના નાગરિકોની ચિંતા કરી હોત તો ભારતમાં હેલ્થકેર અમેરિકા જેવી ચડિયાતી હોત; અને તો ધીરુભાઈ અંબાણી 88 વર્ષે પણ જીવતા હોત !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)