રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકડાઉનમાં લોકો ઘરમાં બેઠાં બેઠાં અકળાઈ ગયા છે. આ સ્થિતિ માટે રાજ કપૂર જવાબદાર છે; 1973 માં, લોકડાઉનનો સૌ પ્રથમ ખ્યાલ તેમણે બોબી ફિલ્મના આ ગીતમાં વ્યક્ત કર્યો હતો : “બહાર સે કોઈ અંદર ના આ સકે; અંદર સે કોઈ બાહર ના જા સકે; સોચો કભી ઐસા હો તો ક્યા હો?” લોકોએ આ પ્રકારનું બેઠાડું વેકેશન પ્રથમ વખત જોયું. પાનના ગલ્લે કે શેરીના ઓટલે ન જવાય. મોર્નિંગ કે ઈવનિંગ વોક બંધ. રખડપટ્ટી ઠપ. લોકો કઈ રીતે સમય કાઢે? સારું છે કે મોબાઈલ ફોન છે; સોશિયલ મીડિયા છે; એના સહારે લોકડાઉનનો સમય પસાર થઈ રહ્યો છે. આ સંજોગોમાં લોકોની હાસ્યવૃતિ, રમૂજવૃતિમાં ઉછાળો આવ્યો છે. 

એક તરફ, કોરોના વાયરસથી બચવા થોડીથોડી વારે સાબૂથી હાથ ધોવાની સૂચના તંત્ર દ્વારા અપાતી હતી. બીજી તરફ, લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસને નાકે દમ આવી ગયો હતો; કેટલીક જગ્યાએ પોલીસે લોકોને ડંડા મારવા પડ્યા. આ સંજોગોમાં એક મિત્રએ સોશિયલ મીડિયા ઉપર પોલીસને સોનેરી સલાહ આપી : “ પોલીસ લોકડાઉનનો ભંગ કરનારને ડંડા મારે છે, તેમાં માનવ અધિકારનો ભંગ થાય છે; તેના કરતા રસ્તે નીકળનારને જુલાબની ત્રણ ગોળી પ્રેમથી પાઈ દેવી. જેથી ઘર બહાર નીકળશે નહીં અને વારંવાર હાથ પણ ધોશે ! માનવ અધિકારનું સન્માન પણ થશે !” એક મિત્ર કહે છે : “સવારે ફ્રિજમાંથી શાકભાજી કાઢીએ ત્યારે લોકરમાંથી સોનું કાઢતા હોઈએ; તેવી ફિલિંગ થાય છે !” પત્નીએ પતિને કહ્યું : “Work from home ના કારણે ભેદ ખૂલી ગયો છે કે તમે ઓફિસમાં પણ કોઈ કામ કરતા નથી !” બીજા એક દોસ્તની વ્યથા તો જૂઓ : “આદિમાનવ જેવી જિંદગી થઈ ગઇ છે; સ્કૂલ નહીં, ઓફિસ નહીં, કામ નહીં, ફક્ત ખાવાનું અને ગુફામાં રહેવાનું ! શિકાર કરવા જતા હોઈએ તેમ સાવચેતી રાખીને કરિયાણું, દૂધ, શાકભાજી લેવા જવાનું !”

કોરોના વેળાએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર રાખવાની સૂચના મળતા ખરીદી વેળા અંતર જળવાઈ રહે તે માટે રોડ ઉપર સર્કલ કરવામાં આવ્યા; મિત્ર કહે : “પહેલાં લોકો કુંડાળામાં પોતાનો પગ ન પડે તેની તકેદારી રાખતા. હવે, કુંડાળામાં પોતે ઊભા રહે છે ! કરિયાણું એટલું બધું પણ ભેગું ન કરતા કે લોકડાઉન પછી લારી કાઢવી પડે !” ટીવી ઉપર રામાયણ જોયા પછી એક મિત્રએ ચેતવણી આપી : “રામાયણ ભલે જૂઓ; પણ આપણે એમાં કુંભકર્ણનું કામ કરવાનું છે. કોઈએ જડીબુટ્ટી લેવા જવાનું નથી ! 14 એપ્રિલે હેરકટીંગ સલુન નહીં ખુલે તો હું ગુરુ વશિષ્ઠ જેવો દેખાઈશ !” એક જ્યોતિષીના મત મુજબ પોલીસની કામગીરીની કસોટી હવે થશે : “અત્યારે ધોકા મારી ને માણસોને  ઘરમાં રાખવા પડે છે; લોકડાઉન પછી એને ધોકા મારીને કામ ધંધે મોકલવા પડશે !” એક મિત્રની મૂઝવણ સમજવા જેવી છે : “જ્યારે લોકડાઉન ખૂલશે ત્યારે કેટલાક તો એ પણ ભૂલી ગયા હશે કે આપણે છેલ્લે શું ધંધો કરતા હતા?” વિરોધપક્ષના એક નેતાએ કહ્યું : “મને તો જ્યારથી ઘેર ઘેર શૌચાલય બનાવતા હતા ત્યારથી જ ડાઉટ હતો કે બધાને ઘરે રહેવાનું થશે !” એક મિત્ર ચિંતા કરતો હતો : “આજે તો કુતરાંઓને એમ થતું હશે કે માણસોને મ્યુનિસિપાલટી વાળા લઇ ગયા લાગે છે ! ભક્તોએ ખાસ કાળજી લેવી કે દીવા, મીણબત્તી સળગાવતી વખતે માથું દૂર રાખવું; ભૂંસું આગ જલદી પકડી શકે છે !”

અમુક લોકો ઘરડા થશે ત્યારે ઓટે બેઠાં બેઠાં કહેશે : “અમે પણ કોરોના સામેની લડતમાં લાઠીઓ ખાધી’તી !” મારું વતન માલપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. સુરતથી ધણા યુવાનો ગામડે આવ્યા છે. યુવાનોને ઓટાનું વ્યસન હોય ! ભેગા થઈ ગપ્પાં ન મારે ત્યાં સુધી એને ખોરાક પચે નહીં. પોલીસે ડંડાવાળી કરી છતાં યુવાનો આઝાદીની લડતમાં જોડાયા હોય તેવા જુસ્સાથી લોકડાઉનનો સવિનય કાનૂનભંગ કરે ! બોટાદ જિલ્લાની પોલીસે એક રાત્રે નવતર પ્રયોગ કર્યો ; પાદરના તથા ગામના તમામ ઓટાઓ, બાંકડાંઓને, બળેલા ઓઈલથી નવડાવી દીઘાં ! સવારે એક યુવાને ઓટા ઉપરનું ઓઈલ જોઈને કહ્યું : “પોલીસમાં પણ રમૂજવૃતિ ભરપૂર હોય છે ! પોલીસે એક ઝાટકે તમામ ઓટા, બાંકડાને નિષ્ક્રિય બનાવી દીધાં !