રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): જેમ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરુખખાન ફિલ્મ કલાકાર છે, પણ સંત નથી, પૂજનીય નથી. એવું મોરારીદાસ વિશે પણ કહી શકાય કે તે કથાકાર છે, કલાકાર છે, સંત હરગિજ નથી ! પૂજનીય નથી. ધર્મની વાતો કરનાર જો ભગવા કપડાં પહેરે, કાળી કામળી ખંભે રાખે તો લોકો એને પૂજ્યભાવથી જોવા લાગે છે. અવતારી પુરુષ સમજવા લાગે છે, પછી એમાંથી આશારામનો જન્મ થાય છે. કોઈ પણ સારો વક્તા; જે શબ્દોને રમાડી શકે; તુક્કબંધી કરી શકે તે જો હાથમાં માળા લઈ લે, કપાળે લાંબા ટીલાં કરે તો લોકો એને સાંભળવા ઘેલાં થઈ જાય છે!

માણસ જ્યારે આર્થિક, સામાજિક, રાજકીય અન્યાયનો સામનો કરતો હોય ત્યારે અનાયાસે ભગવાન-અલ્લાહ-ઈસુ યાદ આવી જાય છે. ટેમ્પરરી રાહત મળે છે. આ બાબતનો ગેરલાભ કથાકારો, સ્વામિઓ, બાપૂઓ, મૌલાનાઓ, પાદરીઓ ઊઠાવે છે. ધર્મ એવું અફીણ છે, જેના નશામાં રહેવું લોકોને ગમે છે. ધર્મનો ધંધો કરનારાઓને એક મોટો ફાયદો એ છે કે તેમને રો મટિરિયલનો કોઈ ખર્ચ થતો નથી. જે ધાર્મિક ગ્રંથો છે, એમાંથી પ્રસંગો ઉપાડીને સંગીત, શાયરીઓ સાથે રજૂ કરવાથી કથાકારો ભક્તોના તન, મન, ધનના માલિક બની જાય છે. આ ધાર્મિક લૂંટમાં લૂંટાનાર વ્યક્તિ ખુશ થઈને લૂંટાય છે ! વાસ્તવમાં આવા કોઈ કથાકારો કોઈ પ્રકારે બાપૂ-પિતા નથી, ડાકૂ જ છે ! રામ વનવાસમાં ગયા ત્યારે અનેક મુશ્કેલીઓ સહન કરી. કથાકારો એરકન્ડિશન વ્યાસપીઠ ઉપર બેસીને એનું વર્ણન કરતા ખુદ રડે છે; શ્રોતાઓને રડાવે છે. રામે પોતાનો રથ છોડી દીધો હતો, પગપાળા ગયા હતા; પણ કથાકારો ચાર્ટર્ડ પ્લેનમાં, એરકન્ડિશન કારમાં બેસીને કથા કરવા જાય છે! રામે અસામાજિક તત્વો સામે ફાઈટ કરી હતી, કથાકારો અસામાજિક તત્વોથી ઘેરાયેલા રહે છે. કથામાં પવિત્રતાની વાતો કરે પણ કથા-આયોજનમાં વપરાતું કાળુનાણું એમને દેખાતું નથી !

મોરારીદાસની ટીકા કરનારાઓને પીઢ પત્રકાર નગીનદાસ સંઘવીએ વહેંતિયા, વામણા અને ધર્મનો હાર્દ ન સમજનારા અજ્ઞાની કીડા કીધા છે. મોરારીદાસનો વિરોધ ન કરી શકાય; એમ કહીને નગીનદાસ સંઘવી પોતે મોરારીદાસના વિરોધીઓનો વિરોધ જ કરી રહ્યા છે ! લોકશાહીમાં વિરોધ કેમ ન થઈ શકે? મોરારીદાસને સંત માનવા તે મોટો ભ્રમ છે ! સંત તો હંમેશા ન્યાયના પક્ષે હોય અને અન્યાયની સામે હોય. મોરારીદાસ સરકારી કથાકાર છે. એમણે નકલી એન્કાઉન્ટરનો વિરોધ કર્યો નથી. એમને ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી નથી. લાખો શ્રમિકોને રોડ ઉપર રઝળતા મૂકનાર તંત્ર વિશે બે શબ્દો કહ્યા નથી. કોરોના મહામારીમાં દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ભટકવું પડે છે; ટેસ્ટ કરાતા નથી, ખાનગી હોસ્પિટલો 7-8 લાખ પડાવે છે; તે અંગે મૌન ધારણ કરેલ છે. મોંધી શિક્ષણ ફી અંગે કોઈ ટીકા કરી નથી. અવિચારી નોટબંધી, લોકડાઉનના કારણે કેટલાંય કુટુંબો વીખરાઈ ગયા, તે અંગે કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. માનવીના પ્રશ્નોને વાચા આપતા નથી. માત્ર આકાશી સૂત્રો બોલે; માનવકેન્દ્રી વિચારધારાને સ્થાન આપવાને બદલે; એક રાજકીય નેતાને આડકતરું સમર્થન કરે તેને કઈ રીતે સંત કહી શકાય?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છેઃ અહીં તેમની લેખનકલાને રજુ કરવાનો એક માત્ર હેતુ છે)