પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોઈ પણ ગુનેગાર પોલીસની મદદ અથવા પોલીસની બેદરકારી વગર મોટો થતો નથી પરંતુ પોલીસ જે ગુનેગાર તરફ બેધ્યાન રહે છે, તે ગુનેગારનું કદ અને વજન એટલુ વધી જાય છે કે સામાન્ય પોલીસ અધિકારી આવા બેફામ બની ગયેલા ગુનેગારનો સામનો કરવાનો વિચાર સુધ્ધા જ કરતા નથી, આવું જ કાંઈક જામનગરના કુખ્યાત જયેશ પટેલના કિસ્સામાં બન્યું પણ હતું, સામાન્ય વાહન ચોર જયેશ પટેલે જ્યારે જામનગર પોલીસના નાકે દમ લાવી દીધો અને સરેઆમ હત્યા કરવા લાગ્યો ત્યારે ગુજરાતના ગૃહ વિભાગને એકશન પ્લાન ઘડવાની ફરજ પડી હતી. આ જ એક્શન પ્લાનના ભાગ રૂપે ગત વર્ષે 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનને જામનગરના DSP તરીકે મુકી ઓપરેશન જયેશને અંજામ આપવાનો આદેશ આપ્યો હતો.

Advertisement


 

 

 

 

 

એક વાહન ચોર જયેશ પટેલની હિંમત દિવસેને દિવસે વધવા લાગી હતી. વાહન ચોરી કરતો જયેશ પટેલ સામાન્ય ખેડૂતોના દસ્તાવેજ સાથે ચેંડા કરી જમીન માલિક થવા લાગ્યો કયારેક સ્થાનિક પોલીસ તો કયારેક સ્થાનિક નેતાના છુપા આશીર્વાદ મળતા રહ્યા જેના કારણે તેની હિંમત અને તાકાત એટલી વધી કે જયેશ હાથ મુકે તે જમીન તેની થઈ જતી હતી. જ્યારે જ્યારે જયેશને પૈસાની જરૂર પડતી ત્યારે કોઈ પણ માલેતુજારને નિશાન બનાવી ખંડણી માગતો હતો. તેને ના પાડવાની હિંમત કરનાર ઉપર તે પોતાના માણસો દ્વારા ગોળી ચલાવતા પણ અચકાતો નહીં, પણ કયારેક કેટલાંક હિંમતવાન લોકો પણ હોય છે જેઓ આવા ગુંડાઓને પડકારવાની હિંમત કરે છે, આવા જ એક બહાદુર એડવોકેટ કિરીટ જોષી હતા.

કિરીટ જોષી વ્યવસાયે જામનગરના વકિલ હતા પણ તેમની અંદરનો પરશુરામ અન્યાય સામે લડવા માટે તૈયાર હતો, કિરીટ જોષીએ જયેશ પટેલની સામે લડવાની હિંમત કરી અને અપેક્ષા પ્રમાણે જ થયું, એડવોકેટ કિરીટ જોષીની ઓફિસની બહાર જ તેમની હત્યા કરી દેવામાં આવી, આ હત્યા પછી જયેશ દેશ છોડી ફરાર થઈ ગયો, પોલીસ પાસે એવી જાણકારી હતી કે તે દુબઈમાં છે, પરંતુ દેશ છોડયા પછી જયેશની હિંમત વધી ગઈ કારણ તે ભારતની પોલીસની પક્કડની બહાર હતો. તે જામનગરના શ્રીમંતોને ફોન ઉપર ધમકી આપતો અને કિરીટ જોષીની ઘટના પછી તેની સામે પડવાની કોઈની હિંમત ન્હોતી, જયેશના ફોન પછી તેની માગણી પ્રમાણેની રકમ તેને પહોંચી જતી હતી. હવે તો સ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે જયેશને પૈસા આપ્યા પછી પણ તેની સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન્હોતું.

Advertisement


 

 

 

 

 

જ્યારે આ મામલો ગુજરાતના ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે પહોંચ્યો ત્યારે તેમણે એકશન પ્લાન ઘડી કાઢયો અને અમદાવાદના ડીસીપી દિપેન ભદ્રનને જામનગરના SP તરીકે મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો. દિપેન ભદ્રન જામનગરનો હવાલો સંભાળ્યા પછી તેમને પોતાના વિશ્વાસુ અને મજબુત પોલીસ અધિકારીની ટીમની જરૂર હતી, સરકાર તરફથી તેમને પોતાની ટીમ પસંદ કરવાની મંજુરી હતી. દિપેન ભદ્રને પોતાની ટીમમાં અમદાવાદના ગ્રામ્યના એએસપી નિતેશ પાંડેય આણંદના પીઆઈ કિરણ ચૌધર, સોરઠ ચોકીના સુભાષ નીનામા અને પીએસઆઈ ભાર્ગવ દેવમુરારીને પોતાની ટીમમાં સામેલ કર્યા.

જામનગરનો માહોલ ડરામણો હતો, જયેશ પટેલ અંગે માહિતી અને પુરાવાઓ મળી ગયા હતા, પરંતુ જયેશ સામે કોઈ ફરિયાદ આપવા તૈયાર ન્હોતું, જયેશ ભારતની બહાર હતો છતાં તેનો ખૌફ યથાવત હતો. ડીએસપી દિપેન ભદ્રને સામે આવેલી વિગતના આધારે ઈન્સપેકટર કિરણ ચૌધરીને સરકાર તરફે ફરિયાદી થવાની સૂચના આપી અને જયેશ પટેલની જીંદગી ખરાબ થઈ જાય તેવી ફરિયાદ જામનગરના પોલીસના ચોપડે નોંધાઈ. ગુનેગારને પોલીસનો ડર એટલે પણ હોતો નથી કારણ ફરિયાદ નોંધાય પછી પોલીસ ખાસ મહેનત કરતી નથી, પરંતુ આ વખતે પાક્કુ પ્લાનીંગ હતું, ઈન્સપેકટર કિરણ ચૌધરી ફરિયાદી થયા અને ઈન્વેસ્ટીગેશન આઈપીએસ અધિકારી નિતીશ પાંડેયને સોંપવામાં આવ્યું, સામાન્ય સંજોગોમાં આઈપીએસ અધિકારી તપાસ અધિકારી થતાં નથી પરંતુ જયેશના કમનીસબે નિતીશ પાંડેય દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

નિતીશ પાંડેય યુવાન આઈપીએસ અધિકારી છે. અનુભવ ઓછો હતો, છતાં ઈરાદા અને અભ્યાસ પુરતો હતો, નિતીશએ જુના અધિકારીઓની સલાહ પ્રમાણે કઈ રીતે જયેશની કમર તોડી શકાય તેની યોજના બનાવી હતી. પહેલા તો જામનગરમાં જયેશની જાહેર અને ખાનગીમાં મદદ કરનારને તેમણે ઓળખી શોધી કાઢયા, દસ કરતા વધુ સાગરિતોને પકડી ગુજસીટોકના ગુનામાં તેમને જેલમાં ધકેલી દીધા આ આરોપી પાસેથી અંદાજે છ કરોડ કરતા વધુની રકમ કબજે કરી, પણ આ તો શરૂઆત હતી, જયેશના મદદગાર પકડાઈ ગયા હતા, પરંતુ ગુનાઈત કામ દ્વારા તેણે કરોડોની સંપત્તિ એકત્રીત કરી હતી. આ તમામ નામી બેનામી સંપત્તિઓને નિતીશ પાંડેયે શોધી કાઢી, આ સંપત્તી સરકારના નામે થાય તે દિશામાં કાર્યવાહી કરી.

Advertisement


 

 

 

 

 

નિતીશ પાંડેયની કાર્યવાહીને કારણે જયેશ પટેલનો બે નંબરનો ધંધો ઠપ્પ થઈ થઈ હતો, પરંતુ જામનગરની પોલીસનો મહત્વનો ટાસ્ક હતો કે જયેશ પોલીસની પક્કડમાં હોય, જયેશ વિવિધ માધ્યમનો ઉપયોગ કરી જામગનગરમાં પોતાનાઓના સંપર્કમાં હતો, નિતીશ પાંડેય જયેશને ફોલો કરી રહ્યા હતા તેમને જાણકારી મેળવી કે જયેશ લંડનમાં છે. પણ હદની સમસ્યા હતી. જામનગર પોલીસે ભારત સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો અને જયેશ કયાં છે તેની જાણકારી આપી ભારત સરકારે પ્રોવીઝનલ એરેસ્ટે પ્રપોઝલના આધારે ઈન્ટરપોલ દ્વારા જયેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. જયેશ ભારત આવે તે માટે પ્રત્યાપર્ણની પ્રક્રિયા ચાલુ છે પરંતુ નિતીશ પાંડેયની તપાસને કારણે જયેશ હતો ત્યાં જ પહોંચ્યા જેના કારણે નિતીશ પાંડેયને સન્માનીત કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે.