પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.જામનગર): આમ તો ગુજરાતનું ક્રાઈમ હબ અમદાવાદ અને સુરત રહ્યું છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં અનેક ગેંગસ્ટર્સે માથું ઉચક્યું છે.  આ ગેંગસ્ટર્સને સ્થાનીક રાજનેતાઓની ઓથ મળતી હોવાને કારણે રાજ્ય સરકાર આ ગેંગસ્ટર્સ તરફ બેધ્યાન રહી, પણ હવે પાણી માથા પરથી વહેવા લાગ્યું. જામનગરનો ગેંગસ્ટર જયેશ પટેલ દેશની બહાર બેસી ગેંગ ચલાવવા લાગ્યો છે. જયેશ પટેલ જેવા ગેંગસ્ટર્સને નાથવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યૂટી પોલીસ કમિશનર દીપેન ભદ્રનને જામનગર એસપી તરીકે મુકવામાં આવ્યા છે.

જામનગરનો હવાલો સંભાળ્યા પછી તેમણે સ્થાનીક પોલીસ અધિકારીઓ પાસેથી જામનગરના ગેંગસ્ટર્સની માહિતી મેળવી ત્યાર બાદ તેમને અંદાજ આવ્યો કે આ ટાસ્ક પુરો કરવા માટે તેમની પાસે વિશિષ્ટ તાલીમ પામેલા અને કામ કરવા ટેવાયેલા પોલીસ અધિકારીઓની જરૂર છે. આથી તેમણે ડીજીપીને વિનંતી કરી અગાઉ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં લાંબાગાળા સુધી કામ કરી ચુકેલા પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી કે જેઓ છેલ્લે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં હતા તેમને તેમજ સબ ઈન્સપેક્ટર બી એમ દેવમોરારીની બદલી જામનગર કરાવી છે.


 

 

 

 

આ ઉપરાંત અગાઉ રાજકોટના ગેંગસ્ટર્સને સારી રીતે ઓળખતા અને હાલમાં સોરઠ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર એસ એસ નિનામાની પણ જામનગર બદલી કરાવી છે. આમ કિરણ ચૌધરી, એસ એસ નિનામા અને દેવમોરારી દીપેન ભદ્રનની ટાસ્ક ફોર્સના પ્રથમ ત્રણ સેનાનીઓ છે. કિરણ ચૌધરીને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં અને એસ એસ નિનામામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)માં મુકવામાં આવ્યા છે. તેવી સંભાવના છે કે આગામી બે સપ્તાહમાં આ ટીમ જામનગરમાં પોલીસ હોવાનો અહેસાસ કરાવશે.