જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી સંજય ખરાતના આગમન પછી અરવલ્લી પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા દારૂની લાઈન ચલાવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ બુટલેગરો સક્રીય થઈ વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ત્યારે રાજસ્થાન ઉદેપુરના નામચીન બુટલેગર ભરત લંગડો અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રની આંખ નીચે લાઈન ચાલુ કરી મોડાસા-ધનસુરા રોડ પર આવેલ શીકા ચોકડી પર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલ વાહનો રોહીત નામના બુટલેગરને પહોંચાડતો હતો સ્ટેટ મોનેટરીંગ સેલને બાતમી મળતા જિલ્લાના રેલ્લાવાડા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી જીવના જોખમે દારૂ ભરેલી બે કાર સાથે ખેપિયાને દબોચી લેતા જીલ્લા પોલીસતંત્ર ઉંધા માથે પછડાયું હતું. ઘટનાની ગંભીરતા સમજી રેન્જ આઈજી સમગ્ર કેસની તપાસ તટસ્થ પણે થાય તે માટે હિંમતનગર એલસીબીને તપાસ સોંપતા એલસીબી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથધરી છે.

રેન્જ આઈજી અભય ચુડાસમાએ સ્ટેટે મોનેટરીંગ સેલ ઇસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેલ્લાવાડા નજીક માળકંપા પાસેથી દારૂની લાઈનનો પર્દાફાશ કરતા રેન્જ આઈજી સમસમી ઉઠ્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી અને સમગ્ર કેસની તપાસ હિંમતનગર એલસીબીને સુપ્રત કરતા હિંમતનગર એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવતે દરોડા પછી સ્ટેટે મોનેટરીંગ સેલના હાથે ઝડપાયેલ કાર ડ્રાયવર ખેપીયા મનીષ ઉર્ફે મંગલા જીવાજી ધોગરાની સઘન પૂછપરછ હાથધરી હતી.  આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી. હિંમતનગર એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવતનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથધરી હોવાનું જણાવ્યું હતું. 


 

 

 

 

 

દોઢ મહિનામાં ૨૨ વખત દારૂ ભરેલા વાહનો શીકા પહોંચાડયાની બુટલેગરની કબૂલાત

રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલ વાહનો ઈસરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર ની બોર્ડર માંથી રાજયમાં ઘુસાડવામાં આવનાર હોવાની બાતમી આ ટીમ ઈન્સ્પેપકટર ને મળી હતી. આ ટીમ નડીયાદ થી સીધી રેલ્લાવાડા ધસી આવી હતી અને બાતમી મુજબ ના સ્થળે ર્વાચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાજસ્થાન માંથી વિદેશી દારૂ ની ૨૭૪૩ ભરેલ વાહનો રાજયમાં ઘૂસ્યા હતા અને બે વાહનો ઝડપી પડાયા હતા.જયારે એક વાહન લઈ બુટલેગરો ભાગી છુટયા હતા. એક આરોપી મનીષ ઉર્ફે મંગલા ઝડપી પડાયો હોત. આ ઝડપાયેલ આરોપીએ આ દારૂનો જથ્થો કયા અડ્ડાવાળા પાસે થી ? કોણા દ્વારા ભરાયો ? તે સઘળી વિગતો પોલીસને જણાવી હતી. પરંતુ આ દારૂ નો મસમોટો જથ્થો જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ચોકડી એ પહોંચાડવાનો હોવાનું જણાવતાં જ સનસનાટી ફેલાઈ હતી. વળી આ ઝડપાયેલ બુટલેગરે છેલ્લા દોઢ માસ દરમ્યાન જુદાજુદા વાહનમાં ૨૦ થી ૨૨ વખત મસમોટો દારૂનો જથ્થો શીકા ચોકડી એ રોહિત નામના બુટલેગર ને પહોંચાડયો હોવાનું જણાવતાં જ જિલ્લા પોલીસની કામગીરી સામે જ સવાલો ઉઠયા હતા. આ રોહિત કોણ છે ? તેના ગોડફાધર કોણ છે ? અને શીકા ચોકડી એ થી આ વિદેશી દારૂનો મોટો જથ્થો કયાં ? કોણા કહેવા થી લઈ જવાતો હતો ? તેવા તમામ સવાલો સામે ઊંડી તટસ્થ તપાસ કરાય તે જરૂરી બન્યું હતું.