મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ફરી એક વખત આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સની પીળા રંગની જર્સીમાં જોવા મળશે. બે વર્ષ સુધી આઇપીએલમાંથી બહાર રહ્યા બાદ ચેન્નઇ સુપર કિંગ્સ ફરી એક વખત મેદાનમાં ઉતરી રહી છે. આ ટીમે ધોનીને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાને પણ ટીમમાં સ્થાન આપ્યુ છે.

ચેન્નઇની ટીમના કપ્તાન તરીકે વિરાટ કોહલીને રોયલ ચેલેન્ચર્સ બેંગલોર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. આરસીબીએ એબી ડિવિલિયર્સને પણ રિટેન કર્યો છે. વિરાટ કોહલીને આરસીબીએ રિટેન કર્યો છે અને તેને સૌથી વધુ 17 કરોડ રૂપિયા ચુકવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે યથાવત રાખ્યો છે.

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રિટેન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને ભારતના ભુવનેશ્વર કુમારને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા રિટેન કરાયા છે. દિલ્હી ડેરડેવિલ્સે ઋષભ પંત, ક્રિસ મોરિસ અને શ્રેયસ અય્યરને રિટેન કર્યા છે. ઓસ્ટ્રેલિયાન ભૂતપૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગને દિલ્હીની ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના અક્ષર પટેલને ટીમમાં જ યથાવર રાખવામાં આવ્યો છે. મુંબઇની ટીમે જસપ્રીમ બુમરાહને ટીમમાં યથાવત રાખ્યો છે.