મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ક્રિકેટપ્રેમીઓમાં ખુબ જ લોકપ્રિય એવી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૨મી સીઝન લોકસભાની ચૂંટણીના કારણે ભારત બહાર યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે વિચારણા કરી રહ્યું છે. જેમાં આગામી ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થતો હોવાથી ૨૦ મે પહેલા આઈપીએલ ૨૦-૨૦નું આયોજન ફરી એકવાર અન્ય દેશમાં કરવામાં આવે તેવી સંભાવના છે. આ અગાઉ ૨૦૦૯માં સાઉથ આફ્રિકા અને ૨૦૧૪માં યુએઈમાં આઈપીએલ યોજાઈ ચુકી છે.

આઈપીએલનાં આયોજન અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બોર્ડના પ્રતિનિધિ મંડળની રમતગમત મંત્રાલય સાથે યોજાયેલી બેઠક બાદ બોર્ડ દ્વારા આઈપીએલનું વિદેશમાં આયોજન કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા આઈપીએલ ભારતમાં યોજાય તો આચારસંહિતા સહીત સુરક્ષાના કારણોસર સ્ટેડીયમ અને હોટલોમાં ખેલાડીઓ માટેની વ્યવસ્થા અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. તો એજ રીતે વિદેશમાં આ ટુર્નામેન્ટ યોજાય તો તે અંગેની ગાઈડલાઈન મેળવવામાં આવી રહી છે.

આઈપીએલ માર્ચથી મેં દરમિયાન યોજાય તો ખાસ ધ્યાન રાખવું પડે તેમ છે કે, આગામી ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થનાર છે. જયારે ભારતમાં શાળાકીય પરીક્ષાઓથી લઇ લોકસભાની ચૂંટણીનો માહોલ હશે. જો કે  બીસીસીઆઈના અધિકારી રાહુલ જોહરીએ અગાઉ કહ્યા પ્રમાણે આઈપીએલની તમામ ક્રીકેટ ટીમના માલિકોએ આ ટુર્નામેન્ટ વિદેશમાં યોજવા સામે વિરોધ વ્યકત કર્યો છે. જો આ ટુર્નામેન્ટ માટે સુરક્ષા અંગે સરકારની ગેરંટી મળે નહિ તો આઈપીએલ વિદેશમાં યોજવા સિવાય કોઈ જ વિકલ્પ નથી. ત્યારે ટીમ માલિકો માટે ભારતીય પ્રેક્ષકો સહિત આવક અને ટેક્સ સહિતના પ્રશ્નો સર્જાઈ શકે તેમ છે.