મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ The Indian Premier League (IPL)ની આજની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુની મેચ રદ્દ કરવામાં આવી છે અને તેને હવે રિશિડ્યૂલ કરાઈ છે. આ મેચ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા નવ નિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી હતી. જોકે કોલકત્તા ટીમના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં મેચ ટળી છે. ગુજરાતમાં અને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ઘણી ગંભીર છે તેવા ટાણે યોજાવા જઈ રહેલી આ મેચ અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલી હતી.

સ્પોર્ટ્સ વેબસાઈટ ઈએસપીએન ક્રિકઈન્ફોના જણાવ્યા મુજબ બેંને વચ્ચે આજની મેચને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીનું કહેવું છે કે કોલકત્તાના વરૂણ અને સંદિપ વોરિયર્સ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ પછી ટીમના સામે આજની મેચને લઈને બેંગાલુરુની ટીમ સાવધ થઈ ગઈ હતી.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 368147 કેસ નોંધાયા છે. 218959 લોકો કુલ મૃત્યુ પામ્યા છે. ઠેરઠેર ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલમાં બેડ વગેરે બાબતોને લઈને લોકો પરેશાન છે. તેવા સંજોગોમાં કોરોનાએ આઈપીએલના ખેલાડીઓને પણ સંક્રમિત કરી દીધા છે. હવે આ બાબત પણ ખેલાડીઓ માટે ચિંતાનું કારણ બને તેમ છે.

આઈપીએલની શરૂઆત પહેલા પણ ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં કોલકત્તાનો નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુનો દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સ ટીમનો અક્ષર પટેલ, અનરિચ નોર્ખિયા અને ડેનિયલ સેમ્સ પણ સંક્રમિત થયા હતા. કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત ચાર ખેલાડી આઈપીએલથી હટી ગયા હતા. દિલ્હીનો અશ્વિન પારિવારિક કારણોથી લીગ છોડી ગયો હતો. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રાજસ્થાનનો એન્ડ્રયૂ ટાઈ અને આરસીબીનોરિચર્ડસન અને એડમ જમ્પા પણ લીગ છોડી ગયા હતા. જોકે રિચર્ડસન અને જમ્પા હજુ પણ પ્લેન ન મળી શક્તા ભારતમાં જ અટકેલા છે. બીસીસીઆઈનું કહેવું છે કે તે લીગ પુરી થયા પછી તમામ ખેલાડીઓને સુરક્ષિત તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે.