મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ):  કોરોના કોરોના કોરોના આ કોરોનાએ તો જીવવાનું હરામ કરી નાખ્યું છે. લોકડાઉન પહેલું, બીજું અને આજથી ત્રીજું, પણ પછી શું? તમારા મનમાં પણ આવું જ થતું હશે, પણ એ લોકો જે કોરોનાના કપરા કાળમાં સેવારત છે. સફાઈ કર્મચારી, પોલીસ, તબીબ અને આપણી સરહદ પરના જવાનો. આ સૌને એમની સેવા માટે આપણે અલગ અલગ રીતે બિરદાવ્યાં. પણ આજનો દિવસ આવા જ એક સુરક્ષા વિભાગનો આભાર માનવાનો છે. આજે ૪થી મે “International Fire Fighters Day” વિશ્વભરના ફાયર બ્રિગેડ (અગ્નિશામક દળ)ના જવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. ફાયર બ્રિગેડનું કામ પણ પોલીસ કરતાં ઓછું જોખમી નથી.

International Fire Fighters Day (IFFD)

        ૨ ડિસેમ્બર, ૧૯૯૮ બુધવારના રોજ એક દુઃખદ ઘટનાએ ઓસ્ટ્રેલિયા અને વિશ્વના લિંટન સમુદાયને હચમચાવી નાખ્યો. એ દિવસે ઓસ્ટ્રેલીયામાં ભીષણ આગ લાગી. આગ પશ્ચિમ વિક્ટોરિયાના બલ્લારતથી ત્રીસ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં એક નાનકડું શહેર લિન્ટનથી લગભગ છ કિલોમીટર ઉત્તરમાં હતી. તેમાં 660 હેકટર ખાનગી અને જાહેર જમીન બળી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં વસ્તી ધરાવતા લિંટન શહેરમાં ફાયર બ્રિગેડના જવાનો જંગલની ભીષણ આગ સામે લડતા હતા. અને આગ સામે લડતાં લડતાં ગેરી વેરેડવેલ્ટ, ક્રિસ ઇવાન્સ, સ્ટુઅર્ટ ડેવિડસન, જેસન થોમસ અને મેથ્યુ આર્મસ્ટ્રોંગ બધા જુનિયર એક ટ્રકમાં બેસીને આગ બુઝાવવામાં મદદ માટે મોકલવામાં આવ્યા હતા. પાંચેય લોકો આગ તરફ જતા હતા ત્યારે પવનની દિશા અચાનક ફરી ગઈ અને ટ્રકને આગની જ્વાળાઓમાં લપેટી લીધી. સાથે જ આ પાંચેય જુનિયર જવાનો ભડથું થઈ ગયા.

        આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર સમુદાયનું ધ્યાન ખેચ્યું. ક્લાઇડ કાર્ડિનિયા ફાયર બ્રિગેડ વિક્ટોરિયા અને ઓસ્ટ્રેલિયાના લેફ્ટન્ટ જે.જે. એડમોન્ડસનને દુર્ઘટનાને કારણે ટેકો અને ફેલોશિપના પત્રો મળ્યા. જેનાથી પ્રોત્સાહિત થઈ તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ બનાવના આધારે International Fire Fighters Dayનો પ્રસ્તાવ મૂક્યો. જેનો પ્રતિસાદ ખૂબ જ હકારાત્મક હતો અને સેન્ટ ફ્લોરિયન્સનો જન્મદિવસ એટલે કે ૪થી મેનો દિવસ International Fire Fighters Day તરીકે જાહેર થયો.

સેન્ટ ફ્લોરિયન્સ

        સેન્ટ ફ્લોરિયન્સ ફાયર બ્રિગેડના જવાનોના આશ્રયદાતા અને સંત માનવામાં આવે છે. International Fire Fighters Day માટેનું બીજું પ્રતીકાત્મક તત્વ પણ છે. સેન્ટ. ફ્લોરીયન્સ રોમના નોરિકમના આશ્રયદાતા હતા, જે બટાલિયનના પ્રથમ કમાન્ડિંગ ફાયર ફાઇટર્સમાંના એક હોવાનું મનાય છે. એક કિવંદતી મુજબ, સેન્ટ. ફ્લોરીયન્સે માત્ર એક ડોલ પાણીનો ઉપયોગ કરીને આગમાં લપેટાયલા આખાં ગામને બચાવી લીધું હતું. જેના આધારે સેન્ટ ફ્લોરીયન્સ જે કોઈ આગની ઝપટમાં આવે છે તેમના તારણહાર તરીકે ઓળખાય છે. જે ફરજો સેન્ટે તેના પ્રાંત માટે બજાવેલી એ જ ફરજો છે વિશ્વભરના ફાયર ઓફિસરો કાયમ બજાવે છે. તે જ સમર્પણ અને બહાદુરીઓ સાથે. સેન્ટ ફ્લોરિયન્સ વૈશ્વિક સ્તરે સન્માનિત છે અને ૪થી મે તે સેન્ટ ફ્લોરિયન્સ ડે તરીકે પણ ઓળખાય છે. તેથી International Fire Fighters Day ૪થી મેના રોજ સેન્ટનાં માનમાં ઉજવવામાં આવે છે. તથા મોટાભાગના યુરોપિયન દેશોમાં ફાયર વિભાગ ૪થી મે'ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. યુરોપમાં 150 વર્ષથી વધુ સમયથી તે પરંપરા અવિરત ચાલું છે.

ઉજવણીનું પ્રતિક

        કન્ટ્રી ફાયર ઓથોરિટી (સીએફએ) અને વિક્ટોરિયન સમુદાયે ઓસ્ટ્રેલિયામાં શહિદ ઠયેલા ફાયરનાં જવાનોના પરિવારોને ટેકો આપવા માટે રેડ રિબન પહેરવાનું શરૂ કર્યું. જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું ત્યારે આ પ્રથા માટે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. તે બહાદુર જવાનો પ્રત્યે આદર બતાવવા માટે નજીક અને દૂરના લોકોએ રેડ રિબનને પ્રતીક રૂપે  અપનાવી.

        સમય જતાં આ બનાવાનો શોક રજૂ કરવા માટે પસંદ કરેલું પ્રતીક બે ઘોડાની લગામ (એક તેજસ્વી લાલ અને એક શાહી વાદળી) હતું જે ટોચ પર એક સાથે પિનથી ભેગું કરેલું હતું. આ રંગો પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે તે અગ્નિ અને પાણી – ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતાં મુખ્ય તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. બે ઘોડાની લગામ (5 સે.મી. લાંબી x 1 સે.મી. પહોળી) સાથે જોડીને જ્યારે પહેરવામાં આવે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય માન્યતા પ્રાપ્ત પ્રતીક બને છે.

ઉજવણી

        આ દિવસે ફાયર બ્રિગેડમાં ઉત્તમ કામ કરનાર દરેક જવાન અને ઓફિસરને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ સમારોહ યોજવામાં આવે છે. લોકો આ કાર્યક્રમ ભાગ લે છે અને દરેક જગ્યાએ ફાયર ફાઇટર્સનો આભાર માને છે. લોકો ગર્વથી વાદળી અને લાલ ઘોડાની લગામ પહેરે છે. ઘણા દેશોમાં આ ખાસ દિવસ અને ફાયર ફાઇટરો માટે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે સમુદાય દ્વારા વૃક્ષો, કાર, એન્ટેના, લેટરબોક્સ જેવી વસ્તુઓને પણ લાલ-વાદળી રિબનથી શણગારવામાં આવે છે.

ફાયર ફાઇટર્સની કામગીરી   

ફાયર ફાઇટર્સની કામગીરીમાં આગને કાબૂમાં લેવી સિવાય કટોકટીની તબીબી સેવાઓ, જીવન બચાવવા, સંપત્તિ બચાવવા અને પર્યાવરણની સુરક્ષા પણ શામેલ છે. અગ્નિશામક દળ (Fire Brigade)ને ફાયરમેન અને ફાયર સર્વિસ અથવા ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કેટલાક દેશોમાં ફાયર ડિપાર્ટમેન્ટ પણ કહેવામાં આવે છે.

        વિશ્વભરના ફાયરમેન તેમની બહાદુરી માટે જાણીતા છે. International Fire Fighters Day તે બધા જ ફાયરમેનને પ્રોત્સાહિત કરવા ઉજવવામાં આવે છે જેઓ લોકોનાં જીવન અને સંપત્તિનાં રક્ષણ માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે અને બલિદાન પણ આપે છે. આ તે દિવસ છે જ્યારે વિશ્વ તેમના પ્રયત્નો અને બલિદાનને સન્માન આપે છે. આ તે દિવસ પણ છે જ્યારે વર્તમાન અને ભૂતકાળના ફાયરમેનને યોગદાન બદલ સન્માનિત કરવામાં આવે છે.