ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : જગતના અનેક દેશોમાં પુરવઠા ગતિરોધ અને બીજી તરફ માંગમાં વધારો, આ બન્નેના મિશ્રણે  ૨૦૨૧માં કોમોડિટી કાચામાલોના ભાવમાં અત્યાર સુધી જંગી વધારો જોયો. જ્યારે વેપારીઓ બજારમાં સફેદ સોના (રૂ) બાબતે વાત કરે, ત્યારે તેમની વાતમાં આસમાને જતાં ભાવ સંદર્ભે અચૂક વાત થાય. તેમની ચર્ચામાં કોટલૂક એ ઇંડેક્સ અથવા આઇસીઇ ન્યુયોર્ક વાયદામાં બોલાતા ભાવ પણ લક્ષ્યમાં આવે જ. રૂ વાયદો ૧૨ ઓક્ટોબરે ૧.૧૬ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), જુલાઇ ૨૦૧૧ પછીની નવી ઊંચાઈએ પહોંચી ગયો. કેટલાંક ભરોસાવગરના હેજિંગ પ્લેટફોર્મના હાથમાં આઇસીઇ રૂ વાયદો અત્યારે ઝકડાયેલો છે, પરિણામે અત્યારે ભાવ ૧૦૦થી ૧૧૦ સેંટ વચ્ચે બોલાઈ રહ્યા છે. શક્ય છે કે ગમ્મે ત્યારે તે હાજર બજારથી વિખૂટો પડશે, એવા અનુમાન પર ભારતીય ટ્રેડરોએ ટૂંકા અને મધ્યમગાળા માટે સોદા નિકાસ સોદા કરવા જોઈએ.

રૂ વેપારી અને નિકાસકારોને એ ખ્યાલ હશે કે કોરોના માહામારીના આરંભકાળમાં, એટલે કે માર્ચ ૨૦૨૦માં રૂના ભાવ ૪૮.૩૫ સેન્ટના ૨૦૦૯ પછીના એક દાયકાના તળિયે બેસી ગયા હતા. ત્યાર બાદ એપ્રિલ ૨૦૨૦માં ભાવ ૫૦ સેન્ટને માંડ વટાવી શક્યા હતા. જૂન સુધીમાં ભાવ વેગથી વધીને ૬૦ સેંટ, ઓકટોબર/નવેમ્બર ૨૦૨૦માં ૭૦ સેંટની ઊંચાઈએ પહોંચી, તેજીનો રાહ પ્રસસ્ત કર્યો હતો. અમારી ગણતરી પ્રમાણે આઇસીઇ રૂ વાયદાના ટેકનિકલ પધ્ધતિથી જોઈએ તો ૧૦૫થી ૧૨૦ સેંટ અને ફંડામેન્ટલ્સ આધારે ૯૫થી ૧૦૦ સેંટ રહેવાનું અનુમાન છે. ભારતમાં બેન્ચમાર્ક સંકર-૬ના ભાવ રૂ. ૫૪૦૦૦થી ૬૩૦૦૦ વચ્ચે રહેવાનો અંદાજ છે. રૂ બજારમાં કોની જીત થશે? એ એક ગંભીર પ્રશ્ન છે.   

Advertisement


 

 

 

 

 

જો આ ભાવ વધારો આખરી ઉત્પાદનોના ગ્રાહકો ઉપર નહીં નાખી શકાય તો, આઇસીઇ રૂ વાયદો ૧૦૦ સેંટ ઉપર લાંબો સમય જળવાશે કે કેમ તે પણ હવે એક પ્રશ્ન છે. તે સિવાય માંગ ધબી પડતાં ભાવને નીચે આવવાની ફરજ પડશે, એવું અમે માનીએ છીએ. ભાવની આવી આસમાની સુલતાની વધઘટ અને ઊંચા ભાવ અંતે તો વપરાશકારોને મેનમેડ ફાયબરના વિકલ્પને પસંદ કરવાની ફરજ પાડશે. વધેલા ભાવની આ સ્થતિમાં આગામી મહિનાઓમાં ગ્રાહકો કેવા રીએક્શન આપે છે, તે જોવાનું રસપ્રદ થઈ પડશે. 

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (આઈસીએસી)એ ૨૦૨૧-૨૨ના રૂ ઉત્પાદનનો અંદાજ ગતવર્ષના ૧૧૨૧.૬ લાખ ગાંસડી (પ્રત્યેક ૪૮૦ પાઉન્ડ અથવા ૨૧૮ કિલો)થી  વધારીને ૧૨૦૨.૮ લાખ ગાંસડી મૂક્યો છે. ૧ ઓગસ્ટ પછી અમેરિકાથી ચીન ખાતે રૂની નિકાસ વર્ષાનું વર્ષ ધોરણે ૮૩ ટકા વધી હતી. ભારત ગ્રીસ, અને પશ્ચિમ આફ્રિકા તેમજ ફ્રાંસ ઝોનના અનેક વિસ્તારોમાં રૂ પાકમાં આવનારી ઘટ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ અને અમેરિકન દેશોમાં ગતવરસની તુલનાએ વધુ ઉત્પાદન આવશે, એવું અમારું અનુમાન છે. અલબત્ત, મહામારી પહેલાના આંકડાઓ કરતાં વર્તમાન પાકના આંકડા હજુ નીચા છે. દુષ્કાળ, વધુ પડતો વરસાદ અને વાવાઝોડા જેવા હવામાન પરિવર્તનની અસરો અનુભવતા ભારત સહિતના અનેક દેશોમાં રૂ પાક નબળો પડ્યો છે. જો કે ભારતના રૂ બજારનો શીનારિયો ઉજળો છે.

ભારતમાં ૨૦૨૧-૨૨ની મોસમના રૂ ઉત્પાદનના અમારા અનુમાન મુજબ ૩૬૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) મૂકી શકાય, જે ૨૦૨૦-૨૧ની મોસમમાં પણ ૩૬૦ લાખ ગાંસડી આવ્યો હતો. જો આપણે તેમાં ૭૦ લાખ ગાંસડી પુરાંત અને ૧૨ લાખ ગાંસડી આયાત ઉમેરી તો વપરાશી બજારમાં ૪૪૨ લાખ ગાંસડી રૂ ઉપલબ્ધ રહેશે. ૨૦૨૧-૨૨નું રૂ માંગ અને નિકાસનું અનુમાન અનુક્રમે ૩૩૫ લાખ ગાંસડી અને ૫૫ લાખ (કૂલ ૩૯૦ લાખ) ગાંસડી મૂકી તો નવી મોસમનો ખૂલતો સ્ટોક બાવન લાખ ગાંસડી રહેશે. ગુજરાત જેવા ભારતના સૌથી વધુ રૂ ઉત્પાદક રાજ્યમાં પાછોતરો વરસાદ છતાં, ૨૦૨૧-૨૨નો ઉત્પાદન અંદાજ ૯૫ લાખ ગાંસડી મૂકી શકાય. 

Advertisement


 

 

 

 

 

૨૦૨૦-૨૧નો વૈશ્વિક વર્ષાન્ત સ્ટોક ૯૭૬.૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૪૮૦ પાઉન્ડ અથવા ૨૧૮ કિલો)થી ઘટાડીને ૨૦૨૧-૨૨ની મોસમમાં ૯૦૩ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. જાગતિક રૂ આયાત ૪૮૯.૬ લાખ ગાંસડીથી ઘટીને ૪૬૪.૫ લાખ ગાંસડીનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સામે જાગતિક રૂ વપરાશના અનુમાન ૧૧૯૯.૩ લાખ ગાંસડીથી વધારીને ૧૨૩૪ લાખ ગાંસડી મુકાઇ રહ્યું છે. ચીનના આયાતનો વરતારો ૪૦૦ લાખ ગાંસડી મૂક્યો છે, જે ગત મોસમમાં ૧૨૮.૭ લાખ ગાંસડી હતો.  

આઈસીએસી એ એક નોંધમાં કહ્યું હતું કે ૨૦૨૦-૨૧માં વૈશ્વિક રૂ વેપારે નવા અને ઊંચા પરિમાણો સર કર્યા છે. અસંખ્ય વિકસિત દેશોમાં રિટેલ કપડાં/પોશાકનું વેચાણ ધરખમ રહેવાનું છે, એ જોતાં આગામી મોસમમાં પણ રૂ, કોટન યાર્ન અને કાપડ ઉધ્યોગનો આંતરપ્રવાહ હકારાત્મક રહેવાનો છે. વ્યાવસાયિક એનાલિસ્ટો પણ હવે કહેવાય લાગ્યા છે કે તેજીવાળાને બજારમાં તાર્કિક રીતે જ ભાવ ઊંચે લઈ જવા માટે શક્યત: મોટી તક છે.

માર્ચ ૨૦૧૧માં રૂના ભાવ ૨.૨૭ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા હતા. ૨૦૦૮માં વૈશ્વિક નાણાંકટોકટી આવી અને નવી તેજીના મંડાણ પૂર્વે, ભાવ ૩૬.૭૦ સેન્ટના તળિયે જતાં રહ્યા. ૨૦૨૧માં, કોરોના મહામારી નબળી પાડવા સાથે જ સપ્લાય ચેઇનની ગંભીર સમસ્યાઓ સર્જાતાં રૂની માંગ આસમાને પહોંચી, જેણે કોમોડિટી સાથે રૂને પણ તેજીની સાયકલ પર બેસાડી દીધી.       

વિનય કોટક 
કોટક જિનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)