મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોરાના સામેની લડાઈમાં પોતાની જાતની પરવા કર્યા વગર કામ કરતા ડૉકટર અને પેરા મેડીકલ સ્ટાફને રૂપિયા 50 લાખનું વીમા કવચ આપવાનો કેન્દ્ર સરકારે ઐતિહાસીક નિર્ણય કર્યો છે, તેવી જ રીતે દિવસ રાત જોયા વગર કામ કરતી પોલીસ અને પત્રકારોને પણ 50 લાખનું વીમા કવચ આપવામાં આવે તેવી માગણી ગુજરાતના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કરી છે.

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે. કોરાનીની સ્થિતિમાં ડોક્ટર્સ અને પેરા મેડીકલ સ્ટાફ જે પ્રકારે પોતાની ચિંતા કર્યા વગર કામ કરી રહ્યો છે. તે પ્રસંશીનીય છે, કેન્દ્ર સરકારે તેમના માટે પ0 લાખનું વીમા કવચ જાહેર કર્યું છે, તે જ પ્રકારે આપણી પોલીસ પણ કોરાનાની લડાઈમાં પોતાની ચિંતા કર્યા વગર રસ્તા ઉપર કામ કરી રહી છે. સાથે પત્રકારો પણ લોકો સુધી અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા ઘરની બહાર રહી કામ કરી રહ્યા છે ત્યારે પોલીસ અને પત્રકારોને પણ 50 લાખનું વીમા કવચ આપવામાં આવે તો આપણે તેમના કામની કદર કરીએ છીએ તેવું પ્રસ્થાપિત થશે તેથી મારી વિનંતી છે કે, રાજ્ય સરકારે પોલીસ અને પત્રકારો માટે આવું વીમા કવચ જાહેર કરવું જોઈએ.