કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): ‘નેશનલ જિયોગ્રાફી’ મેગેઝિન પ્રાણીજગતનું અજાણ્યું વિશ્વ આપણી સામે લાવવા માટે જાણીતું છે. ‘નેશનલ જિયોગ્રાફી’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલો એક અહેવાલ ખૂબ ચોંકવાનારો છે. આંતરરાષ્ટ્રિય મેગેઝિન હોવાથી વાઇલ્ડ લાઈફ ટુરિઝમ વિશે જે સ્ટોરી ‘નેશનલ જિયોગ્રાફી’માં પ્રકાશિત થઈ છે, તેમાં વિશ્વભરની ઘટનાઓનો સમાવેશ થાય છે. વાઇલ્ડ લાઈફ રોમાંચક ક્ષેત્ર છે. ભારતમાં વાઇલ્ડ લાઈફ ટુરિઝમની પા-પા પગલી મંડાઈ રહી છે; પરંતુ યુરોપ-અમેરિકાના પ્રવાસીઓ વાઇલ્ડ લાઈફનો અનુભવ લેવા આફ્રિકા-એશિયાનો પ્રવાસ ખેડે છે. આ પ્રવાસમાં હવે નવા પ્રકારનો રોમાંચનો ઉમેરો થયો છે અને તે છે પ્રાણીઓ સાથે જાતભાતની તસવીર પડાવવાનો! આથી પ્રાણીઓ પર કાયમી જોખમ ઊભું થયું છે અને તે જોખમને તસવીરી સ્વરૂપે ઉજાગર કરવાનું કામ ‘નેશનલ જિયોગ્રાફી’ના લેખિકા નશાતા ડાલીએ કર્યું છે. વાઇલ્ડ લાઈફ ટુરિઝમમાં પ્રાણીઓના હાલ બુરા થઈ રહ્યાં છે. 

થોડા સમય અગાઉ ગીરનો એક વિડિયો ખૂબ વાઈરલ થયો હતો; જેમાં ત્રણ વ્યક્તિ મરઘી લઈને સિંહણને લલચાવી રહ્યા હતા. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહણ સાથે આવેલાં પ્રવાસીઓ ઇચ્છે એ કરી શકે છે. પ્રાણીઓનો જીવ જોખમમાં મૂકીને લોકોને મનોરંજન પૂરું પાડવાની પ્રેક્ટિસ દુનિયાભરમાં ચાલતી આવી છે. પરંતુ હવે તેનું બકાયદા આયોજન થાય છે, અને જે આઉટપુટ બહાર આવે છે, તેમાં પ્રવાસીઓ અને આયોજક ખુશખુશાલ હોય છે અને મરો થાય છે પ્રાણીઓનો!

પ્રાણીઓ સાથે તસવીર લેવાનો બજારુ ખેલ થાઈલેન્ડમાં ખૂબ ચાલે છે. અહીંયા દસ ડોલરમાં ફુકેટ ઝુમાં પ્રવાસી વાઘ સાથે તસવીર પડાવી શકે છે. ફૂકેટ ઝૂમાં વાઘને એક સાંકળથી બાંધવામાં આવ્યો છે, જેથી તે ઊભો ન થઈ શકે. ઘણી વાર વાઘોના નહોર સુદ્ધા કાઢી નાંખવામાં આવે છે અને તેને દવા પણ આપવામાં આવે છે, જેથી પ્રવાસી વાઘની શક્ય એટલા નજીક જઈને તસવીર લઈ શકે. થાઈલેન્ડમાં જ આવેલા ‘ટાઈગર ટેમ્પલ’ તો તે માટે જગવિખ્યાત છે. અહીંયા વાઘને જે રીતે રાખવામાં આવે છે, તે હંમેશા વિવાદીત વિષય રહ્યો છે. અહીંયા પણ વાઘ સાથે સેલ્ફી લેવાનો ટ્રેન્ડ વિકસ્યો છે. બ્રિટન સ્થિત આવેલી ‘કેર ફોર ધ વાઈલ્ડ ઇન્ટરનેશનલે’ તો તે સેલ્ફી વિધ ટાઈગર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તે વખતે આ સંસ્થાના સીઈઓ ફીલીપ મેન્સબ્રિડ્જે કહ્યું હતું : લોકો એવું વિચારશે કે પ્રવાસીઓના આનંદમાં ભંગ પાડવાનો આ કારસો છે, પરંતુ પ્રાણીઓ સાથે તસવીર લેવાની એક ક્ષણ તેને આજીવન નુકસાન પહોંચાડે છે. ‘ટાઇગર ટેમ્પલ’ વાઘના જીવ આ રીતે જોખમમાં મૂકવા માટે જાણીતું બન્યું હતું.

વાઈલ્ડ લાઈફ ટુરિઝમના નિયમોની ઐસીતૈસીમાં સોશિયલ મીડિયાની પણ મોટી ભૂમિકા છે. અગાઉ પ્રાણીઓ સાથે તસવીર પડાવવાની ઘેલછા લોકોને રહેતી, પણ ટેકનોલોજીના અભાવે તે શક્ય નહોતું. તસવીર લેવાય તો પણ તે સૌને દર્શવાવી મુશ્કેલ હતી, તેના બદલે હવે તે સરળ બન્યું છે. એક ક્લિક કરીને થોડી ક્ષણમાં વ્યક્તિ દુનિયાને બતાવી શકે છે કે તેણે સેલ્ફી વિધ ટાઈગર કે સેલ્ફી વિધ બિઅર લીધી છે.

વાઘની જેમ આ પ્રેક્ટિસના સૌથી વધુ શિકાર હાથી બને છે. હાથીઓ સાથે સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ખૂબ વિકસ્યો છે. અગાઉ હાથી વાઇલ્ડ લાઈફ ટુરિઝમમાં પ્રવાસીઓ માટે વાહનની ગરજ સારતા હતા, પરંતુ હવે તો હાથી સાથે સેલ્ફી લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. થાઈલેન્ડમાં આવેલાં ‘મેટામેન એલિફન્ટ એડવેન્ચર’માં તો હાથીને નાની ઉંમરથી જ તેમાં જોતરી દેવાય છે. અહીંયા મીના નામની એક માદા હાથી ચાર વર્ષ અને બે મહિનાની છે, જેની ઉંમર પ્રમાણે તે હજુ બાળક કહેવાય. પરંતુ તે ‘મેટામેન એલિફન્ટ એડવેન્ચર’માં પેઇન્ટીંગના શો કરે છે. પૂરા દિવસના તેને દસ શો કરવાના હોય છે. આ દરમિયાન સતત તેને સાંકળથી બાંધી રાખવામાં આવે છે.

થાઈલેન્ડમાં અંદાજે 3,800 હાથીઓને આ રીતે રાખવામાં આવે છે. ‘નેશનલ જિયોગ્રાફી’ના સ્ટોરીમાં કેટલીક તસવીરો અહીંયા મૂકી નહીં શકાય, પણ વાચક તે વેબસાઈટ પર જોઈ શકે છે. અહીંયા એક તસવીરમાં બ્રિટીશ પરિવાર બીચ પર હાથીઓ સાથે રીતસરનું ફોટોશેસન કરાવી રહ્યાં છે. તેમાં પરિવાર તો પોઝ આપે જ છે, પણ સૌથી કરૂણ દૃશ્ય હાથીઓને પોઝ આપતા જોવા છે.

વાઇલ્ડ લાઈફ ટુરિઝમની ડાર્ક સાઈડની આ તસવીરો મહદંશે પ્રાણીઓના પાર્કમાંથી લેવાઈ છે, બાકી જંગલોમાં પ્રાણીઓ સાથે જે થતું હશે તે હંમેશ કેમેરામાં કેદ થતું નથી. રશિયાના મોસ્કોથી થોડે અંતરે આવેલાં એક જગ્યા પર રીંછ સાથે તસવીર ખેંચાવાનો ટ્રેન્ડ છે. બર્થ ડે કે અન્ય કોઈ મહત્ત્વના ઇવેન્ટ પર લોકો અહીંયા આવીને રીંછ સાથે તસવીર લે છે. બાર્રાસ્તેંવા નામના બહેન આ ફોટોગ્રાફી કરે છે, તે છેલ્લા છ વર્ષથી આ કામ કરે છે અને 2015માં તો ઇન્ટરનેશલ મીડિયાએ તેની અનેક સ્ટોરીઝ પ્રકાશિત થઈ, જેના કારણે આ બહેનના એંસી હજારથી વધુ ફોલોઅર્સ થોડા દિવસોમાં જ થઈ ગયા! બાર્રાસ્તેંવા રીંછ અને શિયાળ સાથે લોકોનું ફોટોસેશન કરાવે છે. આ બહેનના ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થયા છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને તેમણે ખેંચેલી આ બધી જ તસવીર જોઈ શકાય છે, જેમાં એક તસવીરમાં તો એક બાળકી રીંછ સાથે તસવીરમાં દેખા દે છે!

પ્રાણીઓ સાથેનું માનવીઓનું સહજીવન કેવું હોવું જોઈએ તે સંભવત્ જેઓ જંગલની આસપાસ રહે છે તેઓ સારી રીતે જાણે છે. જેઓ જંગલમાં જ રહે છે તેઓનું પ્રાણીઓ સાથે એન્કાઉન્ટર થાય તો પણ તે કુદરતનો હિસાબ છે, બાકી મહદંશે તેમનું સહજીવન સદીઓથી ચાલતું આવ્યું છે. ગીરમાં રહેતાં માલધારીઓ તેનું જાણીતું ઉદાહરણ છે. બાકી તો જ્યારે જ્યારે પ્રાણીઓ માનવી સાથે સંસર્ગમાં આવ્યા છે, ત્યારે પ્રાણીઓના હાલ બેહાલ થયા છે, પછી તે પ્રાણી સંગ્રહાલય હોય, સર્કસ હોય કે પછી વધતી વસતીના કારણે જંગલોમાં લોકોનું દબાણ હોય. ભારતમાંય વાઇલ્ડ લાઈફ ટુરિઝમના આવા  કિસ્સાની કમી નથી. રાજસ્થાનમાં આવેલું રણથંભૌર ટાઇગર રિઝર્વમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યારે એક ટુરિસ્ટને વાઘ સાથે તસવીર લેવાની લાલચ થઈ આવી. ગાઈડે પ્રવાસી તસવીર લઈ શકે તે માટે વાઘને પથ્થર માર્યો. અહીંયા પ્રાણીઓના સંરક્ષણ અર્થે કામ કરતી એક સંસ્થા આ વિગત પ્રકાશમાં લાવી હતી. આ જ પ્રમાણે જ્યારે ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓ જીપ પર સવાર થઈને વાઘ જોવા નિકળે છે ત્યારે પણ જો કોઈ એક જીપચાલકને વાઘ દેખાય તો તે અન્યને તુરંત ત્યાં બોલાવે છે. જંગલમાં વાઘને કોઈ પ્રોડક્ટની જેમ જોવાય છે.

આ પૂરા કિસ્સામાં પ્રાથમિકતા પ્રાણીઓના સંરક્ષણની હોવી જોઈએ, જેના બદલે પ્રવાસીઓને મહત્ત્વ અપાય છે. આને લઈને કાયદા પણ કડક બન્યા છે, પણ તેની પહોંચ જંગલ સુધી પહોંચે છે કે નહીં તેને લઈને સવાલ છે.