કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): નવેમ્બરનું અંતિમ અઠવાડિયું છે અને ઠંડીના ચમકારા અનુભવવા લાગ્યા છે. સૂર્યોદય મોડો થતો જશે અને સૂર્યવહેલાં આથમશે. સ્થાનિક અનુભવથી આપણે સૂર્યપ્રકાશમાં થતાં વધારા-ઘટાડાને નોંધીએ છીએ, તેમ સૂર્યનું આ ચક્ર પૃથ્વીના દરેક ખૂણે અલગ અલગ રીતે લાગુ પડે છે. સૂર્યની આ દિનચર્યા મુજબ એક ‘સમય’ નક્કી થયો છે અને તે મુજબ આપણી વ્યવસ્થાનું તંત્ર ગોઠવાયું છે. ભારતમાં જે સમય નિશ્ચિત થયો છે તેને ‘ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ’થી ઓળખાય છે. ભારતના દરેક ખૂણે આ સ્ટાન્ડર્ડ ટાઇમથી જ વ્યવસ્થા ગોઠવાઈ છે. યુનિવર્સલ ટાઇમથી ‘ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ’સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારતનો જે સ્ટાન્ડર્ડ સમય છે, તેને લઈને દિલ્હી સ્થિત ‘નેશનલ ફિઝિકલ લેબોરટરી’ના વિજ્ઞાનીઓએ એક અભ્યાસ કર્યો છે, જે મુજબ ભારતમાં બે ટાઈમ ઝોનની ભલામણ કરવામાં આવી છે. ભારતમાં બે ટાઈમ ઝોનની માંગણી સમયાંતરે થતી રહી છે, વિશેષ કરીને પૂર્વોત્તરના રાજ્યો દ્વારા! સમયમાં એક કલાક આગળ-પાછળ કરવાથી કેટલાં મોટો ફેર આવી શકે છે, તે વિશે વિજ્ઞાનીઓએ આપેલાં તથ્યો તો છે જ. ઉપરાંત, અનેક દેશોના દાખલાઓ પણ છે. તેમ છતાં ભારતમાં આઝાદી સમયથી એક જ ટાઇમ ઝોન પર ચાલી રહ્યું છે.

પૃથ્વીના ભ્રમણ મુજબ ‘યુનિવર્સલ ટાઈમ’ કે જેને ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ પણ કહીએ છીએ તે નિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ટાઈમને ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ અને ‘યુનિવર્સલ ટાઈમ’માં ભેદ છે. અંગ્રેજોનો સૂરજ દુનિયાનો દરેક ખૂણે તપતો હતો ત્યારે ‘ગ્રીનવીચ ટાઈમ’ નક્કી કરવામાં આવ્યો હતો. જે સમયનો લાંબા સમય સુધી ખગોળશાસ્ત્રમાં અને નાવિકવિદ્યામાં ઉપયોગ થતો રહ્યો. ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ને આજે પણ ઇંગ્લેન્ડવાસી યુનિવર્સલ ટાઈમ તરીકે ઓળખાવે છે, પરંતુ હવે એ સમય વીતી ચૂક્યો છે અને આજના સમયમાં બધા જ દેશ પોતપોતાનો એક સમય નિશ્ચિત કર્યો છે અને આ સમય મહદંશે ‘સોલર ટાઈમ’ એટલે કે સૂર્યના સમયના આધારે નક્કી કરવામાં આવે છે. સૂર્ય મુજબ ગોઠવાતા આ સમયને વિજ્ઞાનીઓ સ્થાપેલા સિદ્ધાંતોમાં જઈએ તો તેમાં એના અનેક પાસાં ખુલે એમ છે. પરંતુ આપણે અહીંયા તો માત્ર એ જ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે સમયનું તંત્ર વ્યવસ્થા સાથે કેવી રીતે ગોઠવાય છે.

એ તો સ્વાભાવિક છે કે માનવસંસ્કૃતિ વિકસી ન્હોતી ત્યારે સમયનું ચક્ર દિવસ-રાતથી જ મપાતું હતું, તેમાં અત્યારે જેમ સેકન્ડ, મિનિટ્સ અને કલાકોનો હિસાબ થાય છે, તે ક્યારેય થતો નહોતો. પરંતુ જેમ જેમ નગર, શહેરની એક વ્યવસ્થા ગોઠવાતી ગઈ તેમ વ્યવસ્થાને સુદૃઢ રીતે કાર્યરત રાખવા માટે એક નિશ્ચિત સમયનું ચક્ર હોવું જોઈએ તેમ વર્તાયું અને તે માટે એક સમયનું ચક્ર આવ્યું જેમાં સેન્ડ ક્લોક, વોટર ક્લોક અને બીજી પણ અન્ય પદ્ધતિથી સમય માપવાનું શરૂ થયું. આ સમય જે-તે ક્ષેત્ર પૂરતો જ માપવામાં આવતો, કારણ કે જે-તે ક્ષેત્રની વ્યવસ્થા પોતાના ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રહેતી. પરંતુ જ્યારે બ્રિટનમાં રેલવે શરૂ થઈ, ત્યાર બાદ એક સમય નક્કી કરવા અર્થે પ્રયોગ આદરાયા અને અંતે બ્રિટનમાં ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ નક્કી થયો.

બ્રિટન દ્વારા નિશ્ચિત થયેલો ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ના આધારે જ ખગોળ અને નકશાવિદ્યાનું જંગી કામ થયું હતું, તેથી આ જ સમય એક કાળ સુધી યુનિવર્સલ ટાઈમ તરીકે ઓળખાતો રહ્યો. ‘ગ્રીનવીચ મીન ટાઈમ’થી આગળ જતાં ચાલવાનું નથી અને દેશદેશાવર અલગ અલગ ટાઈમ ઝોન હોવા જોઈએ તેવું સૌપ્રથમ સ્કોટીશ-કેનેડિયન મૂળના સર સેન્ડફોર્ડ ફ્લેમિંગને ઓગણીસમી સદીના અંતમાં જ સમજાઈ ચૂક્યું હતું અને તેમણે પૂરા વિશ્વને ચોવીસ ટાઈમ ઝોનમાં ભાગ પાડ્યા હતા. પરંતુ તેમનો આ પ્રસ્તાવ તે કાળે સ્વીકારવામાં ન આવ્યો અને પૂરું વિશ્વ સમયને લઈને ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ પર જ આધારિત રહ્યું. સર સેન્ડફોર્ડ ફ્લેમિંગના વિચારનો અમલ છેક 1935માં થયો જ્યારે ‘ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયન’ દ્વારા એક યુનિવર્સલ ટાઈમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.

સમયના ઇતિહાસમાં જો ડોકિયું કરીએ તો તેમાં અલગ-અલગ સમયે કેવી રીતે સમય બદલાતો ગયો તેનો ખ્યાલ આવે. સમયને સૌથી વધુ અસર કરનારું પરિબળ જેમ એક સમયે રેલવે બન્યું, તેમ ત્યાર બાદ ઔદ્યોગિક કાળ બન્યો. આ ઔદ્યોગિક કાળમાં વ્યક્તિ પાસેથી કામ લેવા માટે એક નિશ્ચિત ટાઈમ ઘડવામાં આવ્યો. સમયની આ મારામારીની જ્યારે ભારતીય પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો આઝાદી બાદ ભારત સરકાર દ્વારા ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ’ નક્કી કર્યો. આ અગાઉ ભારતમાં અંગ્રેજો દ્વારા બે ટાઈમ ઝોન લાગુ હતા, એક હતું કોલકતા અને બીજુ મદ્રાસ. ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ’ની જે ગણતરી મંડાય છે, તે ઉત્તર પ્રદેશમાં આવેલા મિરઝાપુર શહેરથી થાય છે. પૃથ્વી પરના પૂર્વ-પશ્ચિમની સ્થિતિ ભૌતિકશાસ્ત્ર રીતે માપીએ તો ભારતનું કેન્દ્ર મિરઝાપુર બને છે.

હવે અત્યારે જે મુહિમ ચાલેછેએના પર આવીએ. ભારતનું પૂર્વ-પશ્ચિમના કેન્દ્રોનું અંતર માપીએ તો તે ત્રણ હજાર કિલોમીટરનું થાય છે, જે 29 રેખાંશના પરિઘને આવરી લે છે, જેના પરિણમે દેશના પશ્ચિમી ભાગમાં આવેલાં કચ્છ કરતાં પૂર્વોત્તરમાં સૂર્યોદય બે કલાક વહેલાં થાય છે. મતલબ કે અત્યારે આપણે ત્યાં સૂર્યોદય સાડા છ વાગ્યાના આસપાસ થઈ રહ્યો છે, તો પૂર્વોત્તરમાં અત્યારે સૂર્યોદય સાડા ચાર વાગે થાય છે. હવે જ્યારે પૂર્વોત્તરના રાજ્યો સિવાય સૂર્યના આ ચક્રનું ભારતભરના રાજ્યોની સરખામણી કરીએ તો તે જીવનના ચક્ર સાથે બંધબેસતું લાગે છે. મતલબ કે આપણે જેને સવાર કહીએ છીએ તેનો સમય છથી દસ વાગ્યાનો છે. પણ પૂર્વોત્તર રાજ્યમાં જ્યારે મધ્યાને સૂર્ય તપે ત્યારે ત્યાં હજુ તો આઠ વાગ્યા હોય અને આ કારણે જે વ્યવસ્થાની મુશ્કેલી ઊભી થાય છે, તેનાથી પૂર્વોત્તરમાં ટાઈમ ઝોન એક અગત્યનો મુદ્દો બન્યો છે.

આમ તો આપણા દેશમાં ચર્ચવા લાયક બીજા અનેક મુદ્દા હોવાથી સમયને લઈને કોઈ ગંભીર ચર્ચા થતી નથી, પણ સમયાંતરે તે વિશે અભ્યાસ થાય છે અને તેમાં તારણ એ જ આવે છે કે પૂર્વોત્તરને અલગ સમય ઝોનમાં નાંખવું જોઈએ.મતલબ કે પૂર્વોત્તરની ઘડિયાળ એક કલાક વહેલાં શરૂ થવી જોઈએ. 1980માં એક રિસર્ચ કરનારી ટીમે પણ આવું જ સૂચન કર્યું હતું. 2001માં મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આ માટે એક કમિટિ નીમી હતી, અને તેમણે પણ ટાઈમ ઝોનમાં પાડવામાં આવે તો કેવી રીતે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને ઊર્જા બચાવી શકાય તેવાં તારણો દર્શાવ્યા હતા. પરંતુ પાર્લમેન્ટમાં જ્યારે આ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો ત્યારે તત્કાલિન મિનિસ્ટર કપિલ સિબ્બલે આ યુનાફાઈડ સિસ્ટમને જસની તસ રાખવાની જ ભલામણ કરી હતી.

જોકે સરકાર દ્વારા આ પ્રકારની ના હોવા છતાં આસામમાં ચાના બગીચામાં તેમનો સ્વતંત્ર એક ટાઈમ ઝોન નક્કી કરવામાં આવ્યો છે, જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કરતાં એક કલાક વહેલો છે. ઓફિશિયલ ટાઈમ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જ છે. ઇવન 2017માં સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પણ દેશના ટાઈમ ઝોનને બે ભાગમાં વિભાજન કરવાનું સૂચવ્યું હતું. ઠંડીના ઋતુમાં તો ટાઈમ બાબતે પૂર્વોત્તરમાં વધુ કટોકટી સર્જાય છે, કારણ કે દિવસ વધુ ટૂંકો થઈ જાય છે અને તે રીતે વ્યવસ્થાનું પૂરું તંત્ર કુદરતી ચક્ર પ્રમાણે નથી ચાલતી.

પૂર્વે થયેલાં કેટલાંક અભ્યાસોમાં ટાઈમ ઝોનનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. જેમ કે એક અભ્યાસમાં બે ટાઈમ ઝોનથી થતાં રેલવેના સમયપત્રમાં થતી ગરબડની વાત સામે મૂકી હતી. જોકે તેનો ઉકેલ પણ ‘નેશનલ ફિઝિકલ લેબોરટરી’ના વિજ્ઞાનીઓએ આપ્યો છે. જેમ કે પશ્ચિમ બંગાળ અને આસામના બોર્ડર પર જો ટ્રેઇન પોતાની ઘડિયાળ સમયના ડિફરન્સ મુજબ બંધ કરી દે તો આ સમસ્યા ટળી જાય.

રેલવેનો મુદ્દો અપ્રસ્તુત એ માટે છે, કારણ કે રશિયા અગિયાર અને અમેરિકા નવ ટાઈમ ઝોનમાં વહેંચાયેલું છે. આ સિવાય પણ યુરોપ પણ એ રીતે સાત ટાઈમ ઝોનમાં વહેંચાયેલું છે. ચીન અને ભારતની સ્થિતિ આ બાબતે સરખી છે. જોકે હવે પૂર્વોત્તરનો ટાઈમ ઝોનનો મુદ્દો રાજકીય વેગ પણ પકડી રહ્યો છે. આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈએ પણ આ મુદ્દો ઉપાડ્યો હતો. ફિલ્મમેકર જાનુ બારુઆ તો છેલ્લા પચ્ચીસ વર્ષથી આ માટે અભિયાન ચલાવી રહ્યાં છે.