કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): બજેટમાં શું હશે અને શું નહીં તેની અટકળો થઈ રહી છે. બજેટ આવનાર વર્ષનું આર્થિક અંદાજપત્ર છે, પણ તેની સાથે લોકોની આશા-આકાંક્ષા જોડાયેલી છે. આપણા દેશનું બજેટ આવી રહ્યું છે ત્યારે 2019માં જે બજેટની ખૂબ ચર્ચા થઈ તે ન્યૂઝિલેન્ડનું ‘વેલબિઈંગ બજેટ’ છે. ન્યૂઝિલેન્ડનું આ બજેટ વિશ્વનું આ પ્રકારનું પ્રથમ બજેટ છે. ન્યૂઝિલેન્ડની સરકારે તેમાં નબળા વર્ગો, સમાજનું માનસિક સ્વાસ્થ્ય, બાળકો અને મહિલાઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે. આ ઉપરાંત, પ્રજાલક્ષી જરૂરી બાબતોને તેમાં સમાવવામાં આવી છે. ન્યૂઝિલેન્ડમાં આ પહેલ થઈ છે તેનો શ્રેય વડાં પ્રધાન જેસિન્ડા અર્ડેનને જાય છે.

ભારત અને બજારમાં પોતાનું હિત જોનારાં અન્ય દેશો હજુ પણ 'ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ’(જીડીપી)થી જ સુખસમૃદ્ધીને માપે છે; પણ હવે માત્ર 'જીડીપી'થી જ લોકકલ્યાણનો ગ્રાફ મપાતો નથી! આ વાતને બકાયદા નોબલ સન્માન મેળવનારાં અર્થશાસ્ત્રી જોસેફ સ્ટીગલિટ્ઝ, તેમનાં સાથીદાર જેઅન-પોલ ફીટોઉસી અને આંકડાશાસ્ત્રી માર્ટિન ડુરાન્ડે સાબિત કરી આપી છે. આ ટીમે એક એવો ચાર્ટ તૈયાર કર્યો છે જેમાં 'જીડીપી'થી આગળ જઈને લોકોનાં સમૃદ્ધ જીવનશૈલીના અન્ય માપંદડ દર્શાવ્યા છે. આ વાતને સાબિત કરવા માટે ટીમના આગેવાન જોસેફ સ્ટીગલિટ્ઝ એક જ દલીલ કરે છે : "જેમ કે, યુરોપના દેશોમાં 2009થી 2012 સુધી જીડીપીનો વૃદ્ધી દર 0.7 ટકા રહ્યો તેમ છતાં જ્યારે સરેરાશ ઘરદીઠ આવક 0.7 ટકા ઘટી હતી!” આર્થિક બાબતોને આમ સમગ્ર રીતે સમજવી થોડી અટપટી છે. તેમ છતાં ન્યૂઝિલેન્ડની સરકારે બજારનું ગણિત બાજુ પર મૂકીને લોકો માટે જે પહેલ કરી છે. ભારતમાં તેમ થાય તેવી આશા નજીકના ભવિષ્યમાં તો દેખાતી નથી.

જેમ અત્યારે 'વેલબિંઇગ બજેટ'ની ચર્ચા છે, તેમ અગાઉ પ્રજાના સુખસમૃદ્ધિ અર્થે 'વેલ્ફેર સ્ટેટ'ની વિભાવના રહી છે. કલ્યાણ રાજ્ય તરીકે ઓળખાતાં વેલ્ફેર સ્ટેટમાં પણ પ્રજાલક્ષી નીતિ, સમાન તક અને સમાન રીતે સંપત્તિની વહેંચણીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જોકે, વર્તમાન સમયમાં વેલ્ફેર સ્ટેટમાં મૂડીવાદે જગ્યા બનાવી છે. આ કારણે વેલ્ફેર સ્ટેટમાં લોકોનું કલ્યાણ ઉપરાંત બજાર સમુસુતરું ચાલે તે પણ જોવામાં આવે છે. ભારતને તો બંધારણમાં વેલ્ફેર સ્ટેટ તરીકે ઓળખવામાં આવ્યું છે, અને એ હિસાબે વંચિત વર્ગને આપણે ત્યાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પણ આપણે ત્યાં સમાજ પાછળ 'જીડીપી'ના જે હિસ્સાનો ખર્ચ થાય છે, તે અન્ય વિકસિત દેશો કરતાં ખૂબ ઓછો છે. આ મુદ્દે ફ્રાન્સ સૌથી અગ્રગણ્ય દેશ છે, જેઓ સમાજ પાછળ 'જીડીપી'નો ત્રીજા ભાગનો હિસ્સો ખર્ચ કરે છે! બેલ્જિયમે પણ 2018માં સમાજ પાછળનો ખર્ચ 28.9 ટકા સુધી કર્યો હતો. ફિનલેન્ડ, ડેન્માર્ક, ઇટાલી, ઓસ્ટ્રિયા જેવાં દેશો તે રીતે સારો એવો સામાજિક ખર્ચ કરનારાં દેશો છે. આ ક્રમમાં ભારત ખૂબ પાછળ છે. ભારતમાં 'જીડીપી'ના હિસ્સાના છ ટકા જ સમાજ પાછળ ખર્ચ થાય છે! આ પરથી જ કલ્પી શકાય કે 'જીડીપી' કેટલો પણ વૃદ્ધી પામતો હોય; પણ તેનો હિસ્સો જો લોકોને ન મળતો હોય તેમાં લોકોનું કલ્યાણ થવાનું નથી.

'જીડીપી'ના માપદંડથી લોકોના સુખાકારીનું પરિણામ મળ્યું નથી એટલે જ 'ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ'(ઓઈસીડી)નામની સંસ્થાએ લોકોની સુખાકારીના અન્ય માપદંડ વિશે અભ્યાસ શરૂ કર્યો છે. આ સંસ્થા અંતરદેશીય આર્થિક સંસ્થા છે, જેમાં 36 દેશો જોડાયેલાં છે. પાંચ દાયકા અગાઉ સ્થપાયેલી આ સંસ્થાએ 'ઓઈસીડી બેટર લાઈફ ઇન્ડેક્ષ’ને સુખાકારીના માપદંડ તરીકે સ્વીકાર્યો છે. આ ઇન્ડેક્ષમાં મુખ્યત્વે બે પાસાંનો વિચાર કરવામાં આવે છે : એક તમારો સુખાકારી ગુણાંક અને તમારું જીવન કેવું છે? તે.

'ઓઈસીડી બેટર લાઈફ ઇન્ડેક્ષ’માં મુખ્યત્વે અગિયાર બાબતોને સમાવવામાં આવી છે, જેનાથી નિશ્ચિત કરી શકાય કે કોઈ વ્યક્તિનું જીવન કેવું હશે. જેમ કે આ યાદીમાં ઘર અને તેની સ્થિતિ; આવક અને કુલ સંપત્તિ; નોકરી અને તેની આવક - સુરક્ષિતતા; સમાજ અને તેમાં મળતું સુરક્ષાનું કવચ; શિક્ષણ અને તેમાંથી આખરે શું મળે છે તે; આસપાસનું પર્યાવરણ; શાસન વ્યવસ્થા અને તેમાં લોકશાહીની હિસ્સેદારી; સ્વાસ્થ્ય; જીવનસંતોષ અને આનંદીત જીવન; સુરક્ષા; કામકાજ અને જીવનનું સંતુલન. આ રીતે તેમાં કયા દેશમાં શ્રેષ્ઠ જીવન છે તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં નોરવે પ્રથમ આવે છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ, કેનેડા, ડેન્માર્ક, સ્વિઝર્લેન્ડ જેવાં દેશો છે. ભારત આ સંસ્થાનો સભ્ય દેશ ન હોવાથી તેમાં ભારતની ગણના થતી નથી, પણ લોકોના સુખાકારી માટે જે મુદ્દા મુકવામાં આવ્યા છે, તે મુદ્દાને સરેરાશ ભારતીયના જીવન સાથે જોડીએ ત્યારે તેમાં ભારતનો ક્રમ આગળ આવે તેમ લાગતું નથી.

હવે, ન્યૂઝિલેન્ડની વાત પર આવીએ. ન્યૂઝિલેન્ડના બજેટમાં એવું વિશેષ શું છે કે તેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. 2019-2020 માટે ન્યૂઝિલેન્ડમાં જે બજેટ રજૂ કર્યું છે, તે દેશમાં સામે આવેલાં ગંભીર પ્રશ્નોને ધ્યાનમાં લઈને રજૂ કરવામાં આવ્યું હતું, અને તે આધારે પૂરું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે માનસિક સ્વાસ્થને લઈને ન્યૂઝિલેન્ડની સમસ્યા મોટી રહી છે. ન્યૂઝિલેન્ડમાં યુવાનોમાં આત્મહત્યાનો દર ઉંચો છે. યુનિસેફના રિપોર્ટ મુજબ વિકસિત દેશોમાં યુવાનોમાં આત્મહત્યાનો સૌથી ઉંચો દર ન્યૂઝિલેન્ડમાં છે! અહીંયા એક લાખ યુવાનોમાંથી 15.6 આત્મહત્યા કરે છે. આ દર અમેરિકાના દર કરતાં બમણો અને બ્રિટન કરતાં પાંચ ગણો વધુ છે. બીજું કે ન્યૂઝિલેેન્ડમાં પરિવારિક હિંસા, બાળકો સાથે થતાં દુર્વ્યવહાર અને બાળવયે ગરીબીનો સામનો કરનારાં બાળકોના પ્રશ્નો ખૂબ છે. ન્યૂઝિલેન્ડની આ સમસ્યાને લઈને અભ્યાસો થયા છે, પરંતુ તે અંગે બજેટમાં પ્રાધાન્ય આપીને કોઈ પગલાં લેવાયા નથી, જે આ વખતે થયું. આ માટે ન્યૂઝિલેન્ડ માનસિક સ્વાસ્થ્યની સેવા નિર્માણ કરશે. ઉપરાંત આત્મહત્યા અટકાવી શકે તેવી સેવાને પણ વ્યાપક બનાવશે. ઉચ્ચત્તર શાળાઓમાં વધુ નર્સોને મૂકવામાં આવશે.

બાળકો સાથે દુર્વ્યવહારને લઈને પણ ન્યૂઝિલેન્ડ પંકાયેલું છે અને તે માટે પણ 'ચાઈલ્ડ વેલબિઇંગ' અંતર્ગત કેટલીક નીતિ ઘડવામાં આવી છે. જેમ કે મસમોટી રકમ પરિવાર અને જાતીય હિંસા અટકે તેના સંદેશ પહોંચાડવામાં માટે ખર્ચવામાં આવશે. માતા-પિતા પાસેથી શાળા ડોનેશન નહીં માંગી શકે તેવો પણ ક્લોઝ કરવામાં આવ્યો છે. આ જ રીતે સ્વાસ્થ્ય પાછળ પણ ન્યૂઝિલેન્ડ દૂરદૃષ્ટિ રાખીને ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. જેમાં હોસ્પિટલને નવનિર્મિત કરવા માટે ખર્ચ કરવામાં આવનાર છે. જિલ્લાવાર સ્વાસ્થ્ય બોર્ડ બનાવવાનું આયોજન પણ છે.

મૂળે ન્યૂઝિલેન્ડ સરકારે પોતાના દેશમાં જે પ્રશ્નો છે તેના ઉકેલ અર્થે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરવાથી વાત પૂરી થતી નથી, તેનો અમલ પણ જરૂરી છે. અને તે માટે ન્યૂઝિલેન્ડનાં વડાં પ્રધાન સહિત અન્ય હોદ્દેદારોએ પોતાની પ્રતિબદ્ધતા દાખવી છે. એવુંય નથી કે ન્યૂઝિલેન્ડનાં આ બજેટ બધાએ જ વધાવી લીધું છે. ન્યૂઝિલેન્ડમાં જ એક વર્ગ એવો છે જે આ બજેટનો વિરોધ કરી રહ્યો છે, જેમની મુખ્ય દલીલ એ છે કે આનાથી ન્યૂઝિલેન્ડનું દેવું ને કર વધશે.

ભારતમાં પણ આ દિશામાં કામ થઈ રહ્યું છે. મા-કાર્ડ યોજના, પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધી યોજના અને પહલ યોજનામાં પ્રજાને લાભ થયો છે. પણ તેમ છતાં વિકસિત દેશોમાં સમાજને સ્વસ્થ બનાવવામાં જે તકેદારી રાખવી જોઈએ તે આપણે ત્યાં લેવાતી નથી. સુખાકારીના જે પ્રયાસ થયાં છે તે અપૂરતાં છે. એમાં કોઈ બેમત નથી કે ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે, પણ સામે પક્ષે બજાર બધા વ્યવસ્થા પર હાવી થઈ રહ્યું છે અને તેમાં અંતે સરેરાશ વ્યક્તિ પીસાઈ રહ્યો છે. ઉપરાંત ગરીબી અને અમીરીનું અંતર સતત વધી રહ્યું છે. આમ, ભારતની પ્રગતિ મર્યાદીત વર્ગ માટે થઈ રહી છે, તેમાં સર્વસમાવેશક ઉદ્દેશ્ય દેખાતો નથી.

વર્ષવાર ભારતમાં સામાજિક ક્ષેત્રે ખર્ચ થતો જીડીપીનો હિસ્સો

વર્ષ જીડીપીના કુલ હિસ્સામાંથી ખર્ચની ટકાવારી
1990-91 4.81
2000-01 4.68
2006-07 4.41
2010-11 5.13
2014-15 5.62
2017-18 6.60