કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા લિખિત પુસ્તક શિક્ષા : માય એક્સપરિમેન્ટ્સ એઝ એન એજ્યુકેશન મિનિસ્ટર બે મહિના અગાઉ પ્રકાશિત થયું છે. સામાન્ય રીતે રાજકીય નેતાઓ પાસેથી તેમનાં રાજકીય સફર કે પછી તે દરમિયાન કરવામાં આવેલાં લોકહિતના કાર્યોના જ સંભારણાની અપેક્ષા રાખવામાં આવે છે. અને મહદંશે આ જ અપેક્ષા તેઓ પૂર્ણ કરતાં રહ્યાં છે. જૂજ રાજકીય નેતાઓ પોતાની આ છબિમાંથી બહાર નીકળીને કોઈ કાર્ય કરે છે. મનીષ સિસોદિયા તેમાંના જ એક છે. તેમણે દિલ્હીના શિક્ષણ ક્ષેત્રની કાયાપલટ કરી છે અને સરકારી શાળાઓને શ્રેષ્ઠ રીતે કાર્યરત કરીને બતાવ્યું છે. સરકારી માળખામાં અચ્છા-અચ્છા પ્રયોગ કરનારાં આવીને બીબાઢાળ કામો કરીને પોતાની ટર્મ પૂરી કરી નાંખે છે, જ્યારે મનીષ સિસોદિયાએ અલગ તરી આવે તેવું કામ શિક્ષણમાં કર્યું છે. વર્તમાન સમયમાં પ્રાઈવેટ સ્કૂલોની બોલબાલા છે અને શહેરી મધ્યમવર્ગ પણ સરકારી શાળાઓના ભરોસે પોતાના બાળકોનું શિક્ષણ કરાવવા માંગતાં નથી. આ માહોલમાં મનીષ સિસોદિયાએ એક નવો માર્ગ કંડારીને દિલ્હીની પૂરી શિક્ષણ વ્યવસ્થાને તેના પર દોડાવી છે. આજે દિલ્હીમાં શિક્ષણમાં થયેલાં કાર્યને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના લોકો પણ સ્વીકારે છે. શિક્ષણમાં આવેલું આ અકલ્પનીય પરિવર્તનની સફરના અનુભવ મનીષ સિસોદિયાએ લખીને પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીત કર્યા છે.

પ્રાથમિક શિક્ષણમાં પ્રયોગની વાત કરીએ અથવા તો સફળ ગાથા વર્ણવવી હોય તો મહંદશે તેમાં પ્રાઇવેટ સંસ્થાઓ બાજી મારી જાય છે. સરકારી શાળાઓનો દાખલાઓ તેમાં જૂજ જ મળે છે. દિલ્હીમાં મનીષ સિસોદિયાએ જે મહત્ત્વનો બદલાવી લાવી બતાવ્યો છે તે સરકારી શાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણનો! આજે દેશભરમાં એવી સ્થિતિ છે કે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે અને જે કાર્યરત છે તેની સ્થિતિ કથળેલી છે. આ કિસ્સામાં ગુજરાત સહિત અનેક રાજ્યોની સરકારે એવું વલણ અપનાવ્યું કે બાળકો સરકારની નહીં પણ માતાપિતાની જવાબદારી છે. જો માતાપિતાને પોતાના બાળકોને સારું શિક્ષણ આપવું હશે તો તેઓ જવાબદારી ઉઠાવે. આ જ વલણ સાથે શિક્ષણમાં પ્રવેશેલા માફીયાઓનાં સંગ હાથ મિલાવીને મોટા ભાગની સરકારોએ શિક્ષણમાંથી હાથ ઉંચા કરી લીધા છે. પણ મનીષ સિસોદિયાનું વલણ સ્વાભાવિક છે આમ ન રહ્યું. તેમણે બાળકોને માબાપની જવાબદારી તો ગણાવી જ, પણ સાથે બાળકોને દેશના સંપત્તિ તરીકે જોયાં. માતા-પિતા બાળકોના ભવિષ્યને લઈને તેમનું સર્વસ્વ ઇન્વેસ્ટ કરતા હોય તો દેશે પણ તે જ રાહે બાળકો પર ઇન્વેસ્ટ કરવું જોઈએ. પાયાના આ વિચારથી તેમણે દિલ્હીના શિક્ષણમાં ક્રાંતિ આણી.

દિલ્હીને શિક્ષણમાં મોડલ તરીકે ઊભું કરવું તે કંઈ નાનીસૂની વાત નથી. દિલ્હીમાં કોર્પોરેશન અને રાજ્ય સ્તરની શાળાનો રેશિયો પચાસ ટકાથી ઉપર છે;એટલે આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વીસ લાખને સ્પર્શે છે. વીસ લાખ બાળકો જ્યાં અભ્યાસ કરતાં હોય તે તમામ શાળાઓમાં પ્રયોગ કરીને એક બેન્ચમાર્ક સેટ કરવું પડકારભર્યું છે. ખાસ કરીને કેન્દ્રમાં અન્ય સરકાર હોય ત્યારે!તેમ છતાં દિલ્હીના શાળાના સતત સારાં પરિણામ આવતાં રહ્યાં. આમ કરી શકવા પાછળ દિલ્હી સરકારનું પ્રોત્સાહન તો હતું જ પણ શિક્ષકોની ટ્રેઇનિંગ અને પ્રતિબદ્ધતા પણ હતી. જોકે, એક મુલાકાતમાં મનીષ સિસોદિયા કહે છે કે, શિક્ષકો પ્રત્યે પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખીએ છીએ ત્યારે તેની શરૂઆત તો સૌથી પહેલા તમારાથી જ થાય છે. મતલબ કે જે પરિવર્તનનો વિચાર મૂકે છે તેનાથી. દિલ્હીમાં શિક્ષણમંત્રીથી માંડિને નીચેના તબકા સુધીના તમામે આ પ્રયોગમાં પોતાની ફરજ બજાવી જેનું પરિણામ આજે દિલ્હીના શાળાઓમાં ઝળકી રહ્યું છે.

‘આપ’ની સરકાર જ્યારે દિલ્હીમાં બહુમતિથી આવી ત્યારે તેમનો પ્રાથમિક એજન્ડા દિલ્હીના શિક્ષણના કાયાપલટનો હતો. પરંતુ ત્યારે તેમની સામે સમસ્યા એ હતી કે ખાડે ગયેલી આ પૂરી વ્યવસ્થાને કેવી રીતે ટ્રેક પર લાવવી. અગાઉના અનુભવ વર્ણવતાં મનીષ સિસોદિયા કહે છે કે, જ્યારે શરૂઆતમાં દિલ્હીના શાળાઓમાં જઈને જોયું તો ઘણે ઠેકાણે બાળકો જોખમી સિલિંગ નીચે ભણી રહ્યાં હતાં, કેટલીક જગ્યાએ બાળકો કોરીડોરમાં ભણવા મજબૂર હતા, ક્યાંક વળી એક જ વર્ગમાં 174 વિદ્યાર્થીઓની સંખ્યા હતી! મનીષ લખે છે કે, આ કિસ્સામાં તો સાક્ષાત ઈશ્વર પણ શિક્ષક બનીને આવે તો પણ ભણાવવાની વાત તો દૂર રહી, પણ બાળકોને એક જ વર્ગમાં કેવી રીતે બેસાડવા તે પણ પ્રશ્ન હતો. સૌપ્રથમ 30,000 વર્ગખંડ નિર્માણ કરવાની આવશ્યકતા હતી, જેમાંથી 21,000 વર્ગખંડ ચાર વર્ષમાં નિર્માણ પામ્યા!! મનીષ સિસોદિયા ખૂબ સંતોષ વ્યક્ત કરતાં કહે છે કે, આજે દિલ્હીના કોઈ પણ સરકારી શાળામાં તમને બોર્ડ વિના, પંખા વિનાનો કે તૂટેલાં વોશરૂમ જોવા નહીં મળે. આ બધા જ ખર્ચ માટે દિલ્હી સરકારે બજેટ ફાળવણીમાં પણ શિક્ષણને પ્રાથમિકતા આપી છે. શિક્ષણમાં સૌથી વધુ નાણાં ફાળવનાર રાજ્ય દિલ્હી જ છે! 2019-20માં પણ કુલ 60,000 કરોડના બજેટમાં શિક્ષણમાં 26 ટકા(13,997) બજેટ ફાળવવામાં આવ્યું છે.

શિક્ષણ પ્રત્યે લગાવ ધરાવનારાં અને તેમાં દિર્ઘદૃષ્ટિથી કાર્ય કરનારા રાજકીય નેતાઓ જૂજ રહ્યા છે. ખુદ મનીષ સિસોદિયાએ આવાં નેતાઓમાં જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કર્યો છે. જેમના શાસન કાળમાં શિક્ષણમાં ધ્યાન અપાયું. પરંતુ તેનો લાભ તમામ વિદ્યાર્થીઓને ન મળી શક્યો. મનીષ સિસોદિયાએ આ મર્યાદા ન રહે તે માટે દિલ્હીના દરેક શાળા અને વિદ્યાર્થીઓને રડારમાં લીધા હોવાનો દાવો કરે છે.

શિક્ષણમાં કશું નક્કર થાય તે માટે સરકારમાં પ્રયાસ થયા છે. જોકે પરિણામ ઠોસ નથી આવતાં તે અંગે મનીષ સિસોદિયા કહે છે કે, શિક્ષણ અંગે નિર્ણય લેનારાઓમાં મુખ્યત્વે ત્રણ પદાધિકારી હોય છે. એક શિક્ષણમંત્રી, બીજા શિક્ષણ સચિવ અને ત્રીજા શિક્ષણ નિદેશક. આ ત્રણેય વ્યક્તિઓનું એજ્યુકેશન સાથે કોઈ નાતો હોતો નથી! સંયોગથી કોઈનો સંબંધ હોય તો તે વાત અલગ છે. આ કારણે જ શિક્ષણની સ્થિતિ બદતર થતી રહી છે. થોડું વધુ ફોડ પાડીને કહેવું હોય તો આપણે ત્યાં શિક્ષણ સાથે કોઈ જ સંબંધ ન ધરાવનાર વ્યક્તિ પણ શિક્ષણ મંત્રી બની જાય છે. એવી જ રીતે આઈએએસ અધિકારી સિનિયોરીટી અને શિક્ષણ ક્ષેેત્રના અલ્પ અનુભવ સાથે સચિવ કે નિદેશક બની શકે છે. આ પદ્ધતિને બદલીશું નહીં ત્યાં સુધી શિક્ષણમાં પરિવર્તનના સપનાં જ જોવા રહ્યા!

‘શિક્ષા’ પુસ્તકમાં આવાં અનેક સૂચનોનાં મોતી વેર્યાં છે. જેમ કે મુલાકાતમાં મનીષ સિસોદિયાને એમ પૂછવામાં આવ્યું કે, શું તમારા પ્રયાસ દિલ્હીના કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? તેના જવાબમાં સિસોદિયાએ કહ્યું કે, ક્વોલિટી એજ્યુકેશનની કોઈ લિમિટ નથી. આ માટે આપણે મિનિમમ એજ્યુકેશનની લિમિટ નક્કી કરી શકીએ. તે સિવાય તમારે દુનિયાભરમાં જે શિખવું હોય તે કેટલુંક શાળા શીખવશે, કેટલુંક કોચિંગ અને કેટલુંક યુનિવર્સિટી પણ શીખવડાવશે. તમે જાતે પણ કેટલુંક શીખશો. જોકે મનીષ અહીંયા ભારપૂર્વક જણાવે છે કે, બેઝિક લેવલના શિક્ષણની જવાબદારી શાળાઓએ લેવી જ રહી. આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકોને આપણે કઈ બાબત માટે તૈયાર કરીએ છીએ તે નિશ્ચિત નથી. જેમ કે જે વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ ભણવું છે તેમને ભાષાનું વધુ જ્ઞાન આપવું જરૂરી નથી. આમ જો અભ્યાસક્રમ ઘડાય તો તેના પરિણામ વધુ સારા આવી શકે.

મનીષ સિસોદિયા અને તેમની ટીમે જે કાર્ય કર્યું છે તેના તબક્કા હતા. સિસોદિયાનું તે વિશે કહેવું છે કે પ્રથમ વર્ષ અમે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું. બીજા વર્ષે શિક્ષકોની ટ્રેઇનિંગ પર અને વિશ્વભરમાં અલગ-અલગ રીતે શિક્ષણ કેવી રીતે અપાય છે તેના પર કામ કર્યું. ત્રીજા વર્ષે અમે જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિર્માણ થવા માંડ્યું છે અને વિશ્વભરમાં જે પદ્ધતિથી શિક્ષણ અપાય છે તે પણ આપણને માલૂમ થયું છે. ત્રીજા વર્ષથી માત્ર અમે એજ્યુકેશન પર ફોકસ કરવા લાગ્યા. મનીષ મુજબ ફાઇવ સ્ટાર બિલ્ડિંગ નિર્માણ કરવી તે જ એજ્યુકેશન નથી. બસ આમ આગળ વિચાર-અમલમાં એક આઇડિયા ‘હેપ્પીનેસ કરિકુલમ’નો આવ્યો. દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં આજે ‘હેપ્પીનેસ કરિકુલમ’ લાગુ છે. આ અંતર્ગત નર્સરીથી આઠ વર્ગના વિદ્યાર્થીઓ પ્રથમ 45 મિનિટ પુસ્તક વિના ગાળે છે. આ અભ્યાસક્રમમાં ફોકસ જીવનમાં આવનારાં પડકાર સામે ઝીંક ઝીલવાનો અને આનંદીત રહેવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીનો આ સફળ પ્રયોગ ભાજપ શાસિત હિમાચલ પ્રદેશમાં પણ લાગુ થવાનો છે!

શિક્ષણની આવી અનેક વાત મનીષ સિસોદિયાની પુસ્તકમાં કરી છે. આ તો તેની માત્ર ઝલક છે, પણ જે માતા-પિતા બાળકોના શિક્ષણ અંગે ગંભીર હોય અને હળવા થતાં માંગતા હોય તો તેમણે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. આશા રાખીએ કે આપણા રાજ્યને પણ ભવિષ્યમાં મનીષ સિસોદિયા જેવાં શિક્ષણ મંત્રી મળે અને અભ્યાસ કરનારાં બાળકોનું કલ્યાણ થાય અને માતા-પિતા ચૂકવી રહેલા મસમોટી ફીથી બચે.