કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): રાકેશ મારીઆ પૂર્વ મુંબઈ પોલીસ કમિશ્નર છે. તેમણે હાલમાં 'લેટ મી સે ઇટ નાઉ'નામે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકે એક સાથે અનેક વિવાદ ઊભા કર્યાં છે. રાકેશ મારીઆએ જે લખ્યું છે તેમાં 1992 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, 2003 ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજાર બ્લાસ્ટ, 26-11ની ઘટના અને શિના બોરા જેવા હાઈપ્રોફાઈલ કેસ છે. પુસ્તકમાં સૌથી ચર્ચાસ્પદ લખાણ 26-11ના હૂમલાના અજમલ કસાબ વિશે આવ્યું છે. કસાબને રાકેશ મારીઆએ ‘હિંદુ આંતકવાદી’ની ઓળખ ધરાવીને આવ્યો હોવાનું જણાવ્યું છે. જો તે અંગે ખુલાસો ન થાત તો તે ‘હિંદુ આંતકવાદી’ની ઓળખ સાથે મૃત્યુ પામત. આ લખાણથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે અને સૌ પોતપોતાની રીતે સ્પષ્ટતા કરી રહ્યાં છે. સાડા ત્રણ દાયકાની પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળમાં રાકેશ મારીઆ આવાં અનેક કેસ સાથે જોડાયેલાં રહ્યાં, જેની ચર્ચા આજે પણ થાય છે. સામાન્ય રીતે પોલીસ અધિકારી પોતાના જીવનને ખુલ્લુ મૂકતા નથી. પોલીસ બેડામાં પોતે જે કેસમાં ઇન્વોલ્વ હોય તે વિશે જાહેરમાં લખવું જવલ્લે બનતી ઘટના છે. રાકેશ મારીઆ તે સાહસ કરી શક્યા છે.

2017માં હોમ ગાર્ડ્સના ડિરેક્ટર જનરલના પદેથી રાકેશ મારીઆ નિવૃત્ત થયા. તેમની આ સફળ સફરનો આરંભ મહારાષ્ટ્રના નાના ટાઉન અકોલાથી થયો હતો. 1981 બેચના આઈપીએસ રાકેશ મારીઆ જ્યારે આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસના પદે અકોલોના સીટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓને પોતાના ઉપરી અધિકારીઓનો ડર સતાવતો હતો. કશુંક ખોટું થશે તો?કારકિર્દીના આરંભે જે ભય સૌને હોય છે તેવા ભયથી રાકેશ મારીઆ પણ થોડા દિવસ પીડાયા. પણ તત્કાલિન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શિવાજીરાવ બારાઓકર(અમરાવતી રેન્જ) અને દત્તા સુપરિટેન્ડેટ ઓફ પોલીસ દત્તા ચૌધરી(અકોલા)ના રાકેશ મારીઆનો આ ડર થોડા દિવસમાં જ દૂર કરી દીધો. રાકેશ મારીઆના ઉપરીઓએ તેમને કશુંક ભૂલ થાય તો અમે બેઠાં છીએ તેવો વિશ્વાસ અપાવ્યો;અને પોલીસ ક્ષેત્રનો મહત્તમ અનુભવ મળે તેવો એકડો રાકેશ મારીઆ પાસે ઘૂટાવ્યો. પોતાના ક્ષેત્ર સજ્જ બનવા માગતો એક નવાસવા વ્યક્તિએ કેવી રીતે ડગ માડવા જોઈએ તે અહીંયા રાકેશે પોતાના અનુભવકથા દ્વારા લખ્યું છે. સામે પક્ષે કેવી રીતે પોતાના નીચેના અધિકારી સાથે વર્તવું તે બારાઓકર અને દત્તા ચૌધરીના વ્યવહારમાં દેખાય છે.

પુસ્તકના આરંભે રાકેશ એક ગમ્મતભર્યો કિસ્સો ટાંકે છે. રાકેશને અકોલામાં પોસ્ટિંગ થયાને હજુ માંડ બે-ત્રણ દિવસ થયા હતા. પોલીસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શિવાજીરાવ બારાઓકર સાથે રાકેશ પ્રથમવાર મળવાના હતા. આ વિસ્તારમાં આંબેડકર જયંતિ ધૂમધામથી ઉજવાય છે એટલે બારાઓકર બંદોબસ્તની તપાસ અર્થે રાઉન્ડમાં આવ્યા હતા. તેમને મળવા માટે તમામ પોલીસ પદાધિકારીઓ હાઈવે પર આવેલા બાલાપુર પોલીસ સ્ટેશન પર એકત્રિત થયા હતા. તેમને રિસીવ કરવાની ડ્યૂટી રાકેશની હતી. ઉનાળો તપી રહ્યો હતો. વિદર્ભના આ હિસ્સામાં તો ઉનાળો આકરો હોય છે. બારાઓકર આવ્યા અને તેઓ પોલીસ સ્ટેશનમાં આવેલી પોલીસ ઇન્સ્પેક્ટરની ખુરશી પર બેઠા. બારાઓકરે ખુરશી પર પોતાનું સ્થાન લીધું ત્યારે રાકેશે જોયું કે પંખો બંધ છે. તુરંત રાકેશ પંખાની સ્વિચ પાડવા ધસી ગયા. ત્યારે તેમના અન્ય એક ઉપરીએ પંખો ન ચાલુ કરવા ઇશારાથી હૂકમ છોડ્યો. રાકેશ બે મિનિટ સમજી ન શક્યા કે શું થયું છે. ફરી તે પંખો ચાલુ કરવા ગયા અને પંખો ચાલુ કરી દીધો. તુરંત ઉપરી અધિકારીએ પંખાને બંધ કર્યો. રાકેશને પછીથી તે ભૂલ સમજાઈ કે બારાઓકર સ્પોર્ટિંગ વિગ પહેરી હતી, તેથી જ્યાં તેઓ જ્યાં બેઠા હોય ત્યાં પંખો ન ચાલુ કરવાની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી. રાકેશને પછીથી ખ્યાલ આવ્યો કે તેમનાથી કેટલી મોટી ભૂલ થઈ છે. જોકે બીજા દિવસે બારાઓકર રાકેશને મળ્યા ત્યારે ઉમળકાથી જ મળ્યા.

અકોલામાં મળેલી ટ્રેઇનિંગથી તેઓ પોતાના જુનિયર સાથે કેવી રીતે વર્તવું તે શીખ્યા. આ વાતને તેઓ પૂરી કારકિર્દી દરમિયાન અનુસર્યા. રાકેશ લખે છે કે સ્પોર્ટ્સ વિના તેમનું જીવન શક્ય નથી અને જ્યારે તેઓ મેદાનમાં ઉતર્યા છે ત્યારે તેઓએ જુનિયર ઓફિસરને અને કોન્સ્ટેબલને પણ પોતાની સાથે રમતના મેદાનમાં ઉતાર્યા છે. મેદાનમાં પદનો કોઈ ભેદ રહેતો નથી. રાકેશ લખે છે કે પોલીસ બેડામાં સૌથી જુનિયર કોન્સ્ટેબલ સાથે હંમેશા તેમણે નજીકનો નાતો કેળવ્યો છે. તેઓ જ્યારે રેન્જ પોલીસ સ્પોર્ટસમાં જતા ત્યારે તો ચારેક દિવસ કોન્સ્ટેબલની બેરેકમાં જ પોતાનું નિવાસ રાખતાં હતા.

રાકેશ મારીઆના જીવનનાં આ કેટલાંક એવા પાનાં હતા જેમાં તે કોઈ મોટા ઓફિસર દેખાતા નથી, ન તો તેઓ કોઈ મોટો કેસ હેન્ડલ કરતાં નજરે ચઢે છે. પણ પછીથી તેઓની આ સફર મુંબઈ પોલીસમાં આરંભાય છે. 1993માં જ્યારે તેઓ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ(ટ્રાફિક)ના પદે હોય છે ત્યારે બોમ્બે સિરિઅલ બ્લાસ્ટ કેસની એકએક વિગત ઉકેલે છે. તેના માસ્ટર માઇન્ડ કોણ હતા, તેમાં કોણ કોણ ઇન્વોલ્વ હતું. આ બધી જ કડી મારીઆ જોડે છે અને મુંબઈ પોલીસમાં ‘મારીઆ યુગ’નો એક અધ્યાય ઉમેરાય છે. અને જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યાં સુધી તો તેઓ ‘ધ બ્લેક ફ્રાઇડે’, ‘ધ એટેક ઓફ 26-11’ અને ‘મેક્સિમમ સિટી’ જેવાં ફિલ્મોના વિષય બની ચૂક્યા હતા. 2018માં મેઘના ગુલઝારે પણ રાકેશ મારીઆના જીવન પર એક સિરીઝ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

રાકેશ મારીઆ એક પછી એક કેસને બખૂબી ઉકેલી શક્યા તેનું એક કારણ તેમનો વાંચનનો શોખ છે. તેઓ અમેરિકાના લેખક લુઇસ લેમોઅરની ક્રાઈમ નોવેલ ખૂબ વાંચતા રહ્યા છે. વિદ્યાર્થીકાળમાં ઓલિવર સ્ટ્રેન્જની અ માર્શલ ફોર લોલેસ નામની નોવેલ તેમની પસંદીદા રહી છે. તે નોવેલના પ્રેમના કારણે જ તેમણે પોલીસમાં આવવાનું વિચાર્યું. પછીથી ‘ઝંઝીર’ ફિલ્મના અમિતાબ બચ્ચને પણ તેમના પર પ્રભાવ પાડ્યો. પોલીસ બનવાનું ઝનૂન તેમના પર એ રીતે સવાર હતું કે સિવિલ સર્વિસની પરીક્ષામાં જ્યારે તેમને વિવિધ શાખાની સર્વિસ માટેનાં પાંચ વિકલ્પ આપવામાં આવ્યા ત્યારે તેમણે તમામ ખાનામાં ‘આઈપીએસ’ જ લખ્યું હતું. આ વિશે તેમને ઇન્ટર્વ્યૂમાં પણ પૂછવામાં આવ્યું હતું અને પેનલમાં એક ઇન્ટર્વ્યૂઅરે મારીઆને કહ્યું હતું કે તમે તમામ વિકલ્પમાં ‘આઈપીએસ’ લખ્યું છે, જે ભૂલ છે. મારીઆએ કહ્યું : “ના, તે ભૂલ નથી, મેં જાણીજોઈને તેમ લખ્યું છે. મારે નોકરી કરવી છે તો પોલીસમાં નહીં તો ક્યાંય નહીં.”

રાકેશ મારીઆની છબિ મુબંઈ પોલીસના શેરલોક હોમ્સ જેવી રહી છે. નિવૃત્તિ વેળાએ તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે, તમે કેસ કેવી રીતે ઉકેલી શકો છો? આ વિશે તેમણે કહ્યું હતું કે, “આ બધો શ્રેય મારી ટીમને આપું છું. પોલીસ માટે ઇન્ફોર્મેશન અને તેના ઓફિસરનું નેટવર્ક એ જ્ઞાન છે. એ બાબતે હું નસીબદાર છું કે મને શ્રેષ્ઠ ટીમ મળી છે. મેં હંમેશા ઇન્ફોર્મેશનને મહત્વ આપ્યું છે તે પછી કોન્સ્ટેબલ દ્વારા આવી હોય કે આઈપીએસ ઓફિસર દ્વારા. કોઈ પણ કેસમાં ઊંડાણમાં જવું તે મારી ‘મર્યાદા’ રહી છે અને આરોપીની પૂછપરછ એક ચેસની ગેમ રમવા જેવું છે. જેમ કે મારીઆ સુસઈરાજના(ટેલિવિઝન એક્ઝ્યૂકેટિવ નિરજ ગ્રોવરના હત્યા કેસના ગુનેગાર) જોઈને પહેલી જ નજરે મેં કહ્યું કે તમે સૌથી પહેલાં મારા શંકાસ્પદ છો. મારા આ શબ્દોથી તે અકળાઈ. બીજા દિવસે તેના હાથ પર એક નિશાન દેખાયું, તેની મેડિકલ તપાસ થઈ અને પૂરો કેસ ઉકેલાઈ ગયો.”

રાકેશ મારીઆના જીવનમાં આવી અનેક ઘટના-ક્ષણો છે જે તેમના પુસ્તકમાં આલેખાઈ છે. મારીઆ જેમ એક સફળ પોલીસ અધિકારી કહેવાય છે, તેમ તેમનાં પર કેટલાંક આક્ષેપ પણ લાગ્યા છે. સૌથી ગંભીર કહેવાય તે 26-11ના હૂમલા વખતે આંતકીઓ સામે પડવા કરતાં કન્ટ્રોલ રૂમમાં બેસી રહીને નિર્દેશ આપવાનો છે. તે અંગે પણ સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, “તે હૂમલામાં ઘણાં પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવી અને શહીદ પણ થયા. મને તે સમયે જે ફરજ પર મૂકવામાં આવ્યો તે મેં નિભાવી. દુઃખ એ વાતનું છે કે હું હૂમલાના મોરચા પર નહોતો અને ઇજાગ્રસ્ત કે શહીદ ન થયો.” આવા અન્ય આક્ષેપો મારીઆ સામે લાગ્યા છે, પણ તે માટે તેમનું પુસ્તક વાંચવું રહ્યું.