કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): આઝાદી કાળમાં આપણા આગેવાનો કુદરતી આફત કે રોગચાળો ફાટી નીકળે ત્યારે ખડેપગે રહીને કેવી રીતે કાર્ય કરતા તેના દાખલા અનેક છે. સરદાર પટેલ 1927માં ગુજરાતમાં આવેલા રેલસંકટ વખતે ખડેપગે રહીને સેવા બજાવી હતી, અને એક અઠવાડિયામાં ગુજરાતને બેઠું કરી દીધું હતું.  ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારેદરદીઓની સેવા કરવામાં જાતે જ રોકાયા હતા. કહેવાય છે આ પ્લેગ વખતે માણસો ટપોટપ મરી રહ્યા હતા; પણ ગાંધીજી ઉપાડેલી જવાબદારીમાંથી જરાય ખસ્યા નહોતા.

આ બંનેના જાહેરસેવાના અનેક આવા પ્રસંગો છે, જેમાં તેઓ સ્વયંસેવકોની ટુકડી સાથે જાનની પરવા કર્યા વિના મોરચે રહેતા. ગાંધી-સરદારે આવું એક ઉમદા કાર્ય બોરસદમાં ફેલાયેલા પ્લેગની મહામારીની નાબૂદીનું કર્યું હતું. આ મહામારીનું કદ કોરોના જેટલો નહોતો, પરંતુ તેમાં 1932થી ’35 સુધી મૃત્યુ પામનારની સંખ્યા 1286 સુધી પહોંચી હતી. પ્લેગની બીમારી કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. 1935માં બોરસદના જ 27 ગામડાંઓનો મૃત્યુઆંક 949 થઈ ચૂક્યો હતો.

મહામારીનું વધતું કદસરદાર પટેલનાધ્યાનમાં આવતા તેમણે તુરંત ડો. ભાસ્કર પટેલને રોક્યા હતા. બંનેએ મળીને પ્લેગનેનાબૂદ કરવાની બ્લ્યૂ-પ્રિન્ટ ઘડી કાઢી. બસ, ત્યાર બાદ બોરસદમાં ગામે-ગામ કામ કરી શકે તેવી ટુકડીઓ તૈયાર કરવામાં આવી. આ ટુકડીઓના માથે પણ પ્લેગનું જોખમ હતું, પણ થોડી કાળજી સાથે આ જોખમ ઉપાડ્યું. તે વખતે સંસાધનોની મર્યાદા હતી છતાંથોડાં મહિનાઓમાં જ આ પ્લેગ પર કાબૂ મેળવી શકાયો હતો. સરદાર પટેલ બોરસદ પ્લેગના મોરચે જ હતા, ત્યાર બાદ ગાંધીજીએ પણ બે અઠવાડિયા અહીંયા મુકામ કરીને પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી હતી. જ્યાં પ્લેગનું જોર હતું ત્યાં બંને આગેવાનોની ખાસ મુલાકાત ગોઠવવામાં આવી. પ્લેગનિવારણ ટુકડીમાં દિવસરાત કાર્ય કરનાર રાવજીભાઈ પટેલ તેમની આત્મકથામાં લખે છે કે,આવે વખતે આગેવાન ફક્ત દૂર બેઠા બેઠા પત્રિકાઓ લખે અને સૂચના જ આપે; પણ જોખમથી ડરે તો ન જ ચાલે. તેમણે સૌ પ્રથમ જોખમમાં પડવું જોઈએ. તો જ બીજા સ્વયંસેવકો હિંમતથી કામ કરી શકે.

પ્લેગ સામેના આ યુદ્ધમાં સરદાર પટેલ અને દરબારસાહેબ ખડેપગે રહ્યા હતા. ગાંધીજી પણ જીવના જોખમે આ પ્લેગના યુદ્ધમાં ગામેગામ જાતતપાસ કરીને જોડાયા હતા.