કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): કર્મનો મહિમા આપણે ત્યાં ખૂબ ગવાયો છે. કર્મ જ સર્વોપરી છે. માનવીના જીવનનો ઉદ્દેશ્ય પણ અલ્ટિમેટલી તેનું કર્મ જ છે. આદીકાળથી કર્મ વિશે જે કહેવામાં આવ્યું છે, તે વિશેની અનુભૂતિ આપણામાંથી ઘણાંને થઈ જ હશે. પરંતુ ‘કર્મ કરીને આગળ વધવાની’ અનાદી થિયરીની સામે આજે જે પ્રકારનો ‘કામ ને માત્ર કામ જ’નો કન્સેપ્ટ સર્વત્ર લાગુ પડી રહ્યો છે, તેનું જોખમ સરેરાશ વધુ કામ કરનારાં દેશોમાં દેખાઈ રહ્યું છે. વધુ પડતાં કામના બોજથી આ દેશના લોકો માત્ર શારીરિક-માનસિક રીતે પીડાઈ નથી રહ્યાં, બલ્કે આત્મહત્યા સુધીનું પગલું ભરીને જીવનનો અંત સુદ્ધા લાવે છે! જાપાનમાં તો કામના બોજથી આ રીતે અંત લાવનારાંઓ માટે ‘કારોશી’ નામના ટર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ‘કારોશી’નો શબ્દનો અર્થ જાપાની ભાષામાં થાય છે: ‘કામના વધુ પડતા બોજથી મૃત્યુ.’ વધુ કામ કરવા બાબતે જાપાનની હરિફાઈ કરે એવાં દેશમાં ઉત્તર કોરિયા પણ આવે છે, ત્યાં પણ ઓવલલોડેડ વર્કથી આવતી મોત સામાન્ય છે અને એટલે ત્યાં પણ ‘કારોશી’ની જેમ ‘ગ્વારોસા’ શબ્દનો જન્મ્યો છે! કામ કરવાની જાનલેવા પેટર્ન જે નિર્માણ પામી છે, તેમાં ભારતનું નામ ક્યારેય આવ્યું નથી. ઝડપથી કામ પતાવવાની અને તેમાં આગળ નીકળવાની સ્પર્ધા આપણે ત્યાં જૂજ જગ્યાએ જોવા મળી છે. બાકી તો ધીમી રફ્તારથી કામ કરવાનો સ્વભાવ ભારતીયોનો રહ્યો છે. પરંતુ હવે ધીરે ધીરે બદલાઈ રહેલા વર્ક કલ્યરમાં ‘મોર વર્ક’નો કન્સેપ્ટ આપણે ત્યાં પણ લાગુ પડી રહ્યો છે. ઓફિસમાં કલાકો સુધી બેસીને ટારગેટ પૂરા કરવાની મથામણ હવે મોટા ભાગની કંપનીઓમાં સામાન્ય થતી જાય છે. કામની આ પેટર્ન માત્ર ભારતમાં જ નહીં, અનેક દેશોમાં બદલાઈ રહી છે.

કયા દેશમાં સરેરાશ કેટલાં કલાક કામ થાય છે, તે વિશે ચર્ચા કરવાનું મુખ્ય કારણ સાઉથ કોરિયાના સંસદે પાસ કરેલો ઠરાવ છે. ઠરાવ પાસ નહોતો થયો ત્યાં સુધી સાઉથ કોરિયામાં અઠવાડિયામાં મહત્તમ 68 કલાક કામ કરવાનો નિયમ લાગુ હતો. મતલબ કે સાતેસાત દિવસ કામ કરવાનું થાય તો પોણા દસ કલાક કામ કરવાનું, અને એક દિવસની છુટ્ટી ગણીએ તો સવા અગિયાર કલાક! સાઉથ કોરિયા આ સમય અઠવાડિયાનો આ મહત્તમ સમય ઘડાડીને 52 કલાક કર્યો છે, મતલબ કે એક છુટ્ટીના હિસાબે અઠવાડિયાનો હિસાબ માંડિએ તો સાડા આઠ કલાક કામ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સાઉથ કોરિયા છેલ્લા ઘણા સમયથી સામાન્ય લોકોમાં ઓવરલોડ વર્કથી આવી રહેલાં પરિણામોથી પરેશાન હતું, તેનો તોડ કાઢવા આ પગલું ભરવામાં આવ્યું છે. કામની સ્પર્ધામાં અવ્વલ રહેનારાં સાઉથ કોરિયાને સંસદમાં બીલ પાસ કરવા સુધી જવું પડ્યું, તેનું કારણ એ જ કે તેના ભયંકર પરિણામ આમ કોરિયાઈઓમાં દેખાઈ રહ્યાં છે. એવું પણ કહી શકાય કે સાઉથ કોરિયા સ્વાસ્થ્યની બાબતે આમાં જ પછડાટ ખાતું હતું, બાકી તો દુનિયાના હાઈ ઇન્કમ ઇકોનોમિક્સ ધરાવતાં દેશોનું મજબૂત સંગઠન ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ”(ઓઇસીડી) જે આ દેશોની આર્થિક ઉપરાંત અનેક બાબતો પર નજર રાખે છે, તેના મુજબ સાઉથ કોરિયા વિશ્વના સૌથી સ્વસ્થત્તમ દેશોમાં એક છે!

સાઉથ કોરિયાના સંસદે ઓછા કલાક કામ કરવાનો ઠરાવ પસાર કર્યો તે માટે તેની ચર્ચા કરવાનું થયું, પણ કલાકની રીતે અઠવાડિયામાં વધુ કામ કરવનારાં દેશોમાં અવ્વલ નામ મેક્સિકોનું આવે છે. 2016ના ‘ઓઈસીડી’ના ડેટાને તપાસીએ તો તેમાં મેક્સિકોના સરેરાશ અઠવાડિયાના કામ કરવાના કલાક ઓફિશિયલી તો 48 કલાક દર્શાવે છે, પણ અહીં તેનાથી પણ વધુ કલાક કર્મચારીઓને કામના સ્થળે બેસાડી રાખવામાં આવે છે, અને તેનું વળતર ન્યૂનત્તમ ચૂકવાય છે! જોકે મેક્સિકોને કામના કલાકના માપદંડની રીતે આદર્શ બની શકે એમ નથી, કારણ કે ત્યાં કામ કરવાની જે પેટર્ન વિકસી છે તે મળી રહેલા ન્યૂનત્તમ વળતરથી થઈ છે. જે દેશોમાં વધુ કામના કલાકો વધુ છે, તેમાં આ સિવાય ગ્રીસ, ચીલી, રશિયા, પોલેન્ડ, ઇઝરાયલ, આરર્લેન્ડ આવે છે. અમેરિકાનો ક્રમ આ યાદીમાં તેરમો છે, જ્યાં અઠવાડિયાના પાંત્રીસ કલાક કામ કરવાનો શિરસ્તો પડ્યો છે. એવી જ રીતે જાપાન ઓગણીસમાં ક્રમાંકે આવે છે, જ્યાં પણ અંદાજે પર વીક 34 કલાક કામ થાય છે.

કામ કરવાના કલાકો અને તેની પેટર્નને લઈને માત્ર બજારના ગણિત જ લાગુ પડતા નથી, તેમાં દેશના કાયદા, આર્થિક સ્થિતિ, પોતાના અધિકાર પ્રત્યે જાગૃતતા, સામાજિક સ્થિતિ અને ઘણે અંશે ક્લાઈમેટ પણ ભાગ ભજવે છે. ‘વર્કિંગ અવર’ના મુદ્દે આજના યુગમાં જે સભાનતા જોવા મળે છે, તે અગાઉ ક્યારેય જોવા મળી નથી, તેમ છતાં કર્મચારીઓના કામના કલાકોને લઈને માલિકવર્ગનો હાથ ઉપર જ રહ્યો છે. જોકે તેમ છતાં આજે ‘સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર’નો કન્સેપ્ટ વિશ્વભરમાં સર્વસ્વીકૃત થયો છે. આ કન્સેપ્ટ મુજબ દર અઠવાડિયે 40થી 44 કલાક(એક રજા સાથે દિવસના સવા સાત કલાક) કામ કરવાનું સ્વીકારાયું છે. પણ જે-તે દેશ પોતાની અનુકૂળતા મુજબ તેમાં વર્તે છે, જેમ કે ડેન્માર્ક અને જર્મની જેવાં દેશોમાં અઠવાડિયામાં એક છુટ્ટી સાથે માત્ર સવા ચાર કલાક કામ કરવાની જ વ્યવસ્થા ગોઠવાઈ છે. તેની સામે ઉત્તર કોરિયાના મજૂરોને તોડાવી નાંખે તેવી રજા વિના સોળ-સોળ કલાકની મજૂરી પણ કરાવવામાં આવે છે. ઉત્તર કોરિયા જેવાં કમરતોડ મજૂરીના ઉદાહરણ આપણા દેશમાં પણ ઠેરઠેર જોવા મળે છે.

કામના કલાક કેટલાં હોવા જોઈએ તે અંગેની પહેલી વહેલી ચર્ચા અઠારમી સદીના અંતે ઔદ્યોગિક ક્રાંતિ વેળા થવા માંડી હતી. તે સમયે મજૂરોના હિત અર્થે કોઈ કાયદા ઘડાયા ન હોવાથી આ કાળે મજૂરો પાસેથી બારથી સોળ કલાક કામ કરાવવાની વાત સામાન્ય હતી. પણ જેમ જેમ ટ્રેડ યુનિયન્સ અને જાગ્રતતા આવ્યા બાદ કામના કલાકો ઘટવા માંડ્યા. અને વીસમી સદીમાં તો તે અંગે કડક કાયદા ઘડાવવા માંડ્યા. આ બધી જ પહેલ યુરોપના દેશોમાં થઈ હતી, અને એટલે જ ફ્રાન્સે 2000ની સાલમાં અઠવાડિયામાં 35 કલાક સુધીનું જ કામ એવી નીતિ અપનાવી, જ્યારે આ જ ગાળામાં નેધરલેન્ડ એવો પ્રથમ દેશ બન્યો જ્યાં વર્કિંગ વીકના કલાકોને ત્રીસથી પણ નીચે લાવી દીધા!

કામના કલાકોનું આ પૂરા ચિત્રને ભારતના સંદર્ભે જોઈએ તો ગ્લોબલ હ્યુમન રિસોર્સ કન્સલ્ટીંગ ફર્મ ‘મેનપાવર ગ્રૂપ’ દ્વારા એક સર્વે થયો છે, જે મુજબ હાલની ઇન્ડિયન જનરેશન અઠવાડિયાના સરેરાશ 52 કલાક કામ કરે છે. 2016માં સ્વિસ બેંક યુબીએ દ્વારા 71 શહેરોનું કામના કલાકોના સંદર્ભે જે વિશ્લેષણ કર્યું છે, તેમાં પણ મુંબઈ અને દિલ્હી જેવાં ભારતના શહેરોને સૌથી વધુ કામ કરાવનારાં શહેર તરીકે ઓળખાવ્યા છે. જોકે ભારતના વિવિધ શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રનું પૂરું ચિત્ર મળે તેવો અભ્યાસ હજુ સુધી આ બાબતે થયો નથી. પરંતુ સામાન્ય રીતે આપણા ત્યાંની બેરોજગારી અને વર્કિંગ પેટર્નને તપાસીએ તો તેનો આછો-પાતળો જવાબ મળી છે, જેમાં કામ કરનારાં વર્ગને માન્ય કલાકો કરતાં વધુ કલાકો કામ કરવું પડે છે.

કામના કલાકો અંગે હજુ પણ આપણે ત્યાં વ્યાપક જાગ્રતિ આવી નથી, પણ પશ્ચિમના દેશોમાં અને પૂર્વીય એશિયાઈ દેશોમાં તે વિશે ઘણાં અભ્યાસ થયા છે. જેમ કે ‘હોંગકોંગ શુ યાન યુનિવર્સિટી’ના અસોશિયેટ પ્રોફેસર લી-શુ-કામે તે વિશે અભ્યાસ કર્યો છે. તેમના મુજબ સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સ ક્યારેય ‘વર્ક લાઈફ બેલેન્સ’ ન અપાવી શકે! લી-શુ-કામે સંશોધનમાં સમજાવ્યું છે કે જ્યાં વળતર વધુ ન મળતું હોય ત્યાં સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સમાં ખરેખર જે કામ થાય છે તે ઘટી જાય છે. બીજો દાખલો જ્યાં કર્મચારીઓનો પુરવઠો અનિયમિત છે, ત્યાં સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સ કર્મચારીઓને લાંબા ગાળે લાભ અપાવે છે, પણ આ સિદ્ધાંતને પૂરતો ન્યાય આપતું નથી. જ્યારે જાપાન જેવાં દેશોમાં સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સના કારણે બેરોજગારીનો આંક વધ્યાના દાખલા છે. ઉપરાંત, જો ઓવરટાઈમમાં વળતર આપવામાં આવે તો તેમાં પણ કર્મચારી વધુ ઓવરટાઈમ કરવા પ્રેરાય છે. એટલે કોઈ પણ રીતે સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સથી તેના મૂળ સિદ્ધાંત સાકાર થતો નથી. મૂળે તો આમાં કામ ઘટે છે અને કામના સ્થળે રોકાઈ રહેવાનું વધે છે. એટલે પ્રોફેસર લી-શુ-કામ માને છે કે, મહત્ત્વની વાત એ છે કે કર્મચારીના કામ અને જીવનના સંતુલનથી જ માલિક અને કામદાર વર્ગ માટે વિન વિન સિચ્યુએશન નિર્માણ થઈ શકે.