કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): ટેલિવિઝન અને ફિલ્મના પડદે કામ કરીને પણ પોતાની અન્ય ઓળખને મોટી બનાવનાર મિલિંદ સોમણ જૂજ વ્યક્તિઓમાંના એક છે. છેલ્લા અઢી દાયકાથી ફિલ્મ-ટેલિવિઝન ક્ષેત્રે કાર્યરત મિલિંદ આજે એક્ટર કરતાં મેરાથોન રનર, ફિટનેસ પ્રમોટર અને પ્રવાસના શોખથી વધુ ઓળખાય છે. મિલિંદ હાલમાં ચીનના પ્રોડક્ટ્સનો વિરોધ કરવા માટે ચર્ચામાં છે, સાથે-સાથે તેમના જીવનને લગતું 'મેઇડ ઇન ઇન્ડિયા : અ મેમોઇર' પુસ્તક પ્રકાશિત થયું છે. મિલિંદ સોમણની રૂપેરી પડદે નોંધવાલાયક એન્ટ્રી અલિશા ચીનોઈના મેઇડ ઇન ઇન્ડિયા આલબમથી થઈ હતી. બાદમાં હિંદી, મરાઠી, તામિલ, તેલુગુ અને અંગ્રેજી ફિલ્મ મિલિંદે કરી. આ ઉપરાંત ટેલિવિઝન ક્ષેત્રે કામ કર્યું. છેલ્લે છેલ્લે 'ફોર મોર શોટ્સ પ્લિઝ' નામે વેબસિરીઝમાં મિલિંદે કામ કર્યું છે. મિલિંદે એકથી વધુ ક્ષેત્રમાં પોતાના હાથ અજમાવ્યો છે અને બધામાં ઠીકઠાક કામ કર્યું છે; વિશેષ કરીને તેમનું અદભુત પાસું શારીરિક સ્વાસ્થ્ય છે. 

જીવનમાં જો તમે જાતભાતના શોખ કેળવ્યા હોય તો તે માટે મિલિંદ સોમણને જાણવા ખૂબ ઉપયોગી બને એમ છે. મિલિંદનો જીવનમંત્ર છે દોડતાં રહેવું, સ્વસ્થ રહેવું અને આનંદમાં રહેવું. આ માટે તેમણે પોતાના જીવનને એ રીતે ઘડ્યું છે કે તેમના ફેસબુક પેજના વિડિયો જુઓ તો તેઓ એક્સસાઈઝ, રનિંગ, યોગ અને જાતભાતના સ્વાસ્થ્ય સંબંધિત પ્રયોગ કરતાં જણાશે. એક વિડિયોમાં તો તેઓ પોતાના 81 વર્ષના માતા સાથે દોરડાં કૂદતા નજરે છે! મિલિંદ આ બધું કરી શક્યા છે તેનો શ્રેય સ્વાભાવિક તેમની સ્વાસ્થ પ્રત્યેની રૂચિ તો છે જ, સાથે તેઓની પારિવારીક પૃષ્ઠભૂમિ પણ છે. પ્રમાણમાં સંપન્ન પરિવારમાં ઉછરેલાં મિલિંદનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો. પિતા પરમાણુ વૈજ્ઞાનિક હતા, જેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં કાર્યરત હતા. માતા ઉષા સોમણ બાયોકેમિસ્ટના પ્રોફેસર હતા. વિશેષ કરીને માતાનો વારસો મિલિંદમાં ઉતર્યો છે. મિલિંદના માતા ઉષા આજે પણ શારીરિક રીતે સ્વસ્થ છે અને 2018માં તેમણે ઓક્સફામ ટ્રેઇલવોક ઇવેન્ટમાં 100 કિલોમીટરની વોક 41 કલાકમાં પૂરી કરી હતી. ઉષા સોમણ 16 વર્ષની ઉંમરેથી ટ્રેકિંગ કરી રહ્યા છે. હાલના વર્ષોમાં તેઓ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જઈ આવ્યા છે અને આફ્રિકાના સૌથી ઊંચું શિખર કિલિમાંજરો પણ સર કરી આવ્યા છે! 

સ્વાસ્થ લઈને સજાગ હોવા છતાં મિલિંદ અને તેમના માતા ઉષાએ સિમ્પલ ફન્ડા જ અપનાવ્યા છે. જેમ કે તેમની માતાને ફિટનેસના લગાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે : “મને ફિટનેસને લઈને કોઈ આઈડિયા નહોતો. બસ માત્ર શારીરિક રીતે એક્ટિવ રહેવું તેવો જીવનક્રમ રાખ્યો. મેં ચાલવું ખૂબ પસંદ કર્યું છે. પહેલાં અમારી પાસે કાર કે કેબની કોઈ લક્ઝરી નહોતી. આજે આ વ્યવસ્થાએ લોકોને વધુ દુઃખી બનાવી દીધા છે.” મિલિંદ સોમણ જેવાં જાણીતાં ફિટનેસ પ્રમોટર બનવાના મૂળીયા તેમના માતાના આ જવાબમાં છે. 

આહારને લઈને મિલિંદ તેમના પરિવારની પરંપરાને અનુસરે છે. તેઓના મતે આજકાલ લોકો આહારમાં પ્રોટિન, કાર્બોહાઇડ્રેડ અને વિટામિનની ગણતરી કરે છે. પણ એવું કરવાની જરૂર નથી. આપણો પરંપરાગત આહાર સંતુલિત છે. રોજબરોજના આહારમાં તેને વળગી રહીએ તો શરીરને ઉપયોગી બધું જ તેમાં મળી જાય છે. મિલિંદ તો ત્યાં સુધી કહે છે કે પેકેજ્ડ અને પ્રોસેસ ફૂડને ટાળશો તો આહાર આપોઆપ જ સારો બનશે. ઉપરાંત તમે જ્યાં રહેતાં હોય તેની આસપાસની ખેતપેદાશોને આહારમાં મહત્વ આપો. સિઝનલ ફ્રૂટ નિયમિત ખાઓ. આહારને લઈને સોમણ પરિવાર બસ આટલી જ કાળજી રાખે છે. 

મિલિંદે આ બધી વાતો વિવિધ મુલાકાતોમાં અને ‘મેઇડ ઇન ઇન્ડિયા’ પુસ્તકમાં કહી છે. આ પુસ્તક લખવાનું જ્યારે પેંગ્વિન પ્રકાશક તરફથી તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે મિલિંદને લાગ્યું કે તેમની પાસે કહેવાનું કશું નથી. થોડો સમય તો તેમણે વાચકને વિશેષ શું આપી શકાય તે વિચારવામાં ગાળ્યો. તેઓને કોઈ સલાહ-સૂચન કરવા નહોતા. પછી મિલિંદ કેટલીક બાબતો પર ઠર્યા અને તેણે પોતાના જીવનમાં આવેલી સ્ત્રીઓ, બિઝનેસ પાર્ટનર અને ફિટનેસ વિશે વાતો કરી છે. આ ઉપરાંત સ્મોકિંગ, આલ્કોહોલ અને ગુસ્સાનું વળગણ અને તેમાંથી કેવી રીતે છૂટકારો મેળવ્યો તે પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે. પિતા સાથેનો મિલિંદનો સંબંધ તણાવભર્યો રહ્યો હતો, તે અંગે પણ લખ્યું છે. 

વર્તમાન સંજોગ-સ્થિતિમાં કામ આવે તેવાં અનુભવ મિલિંદે પુસ્તકમાં શેર કર્યા છે. જેમ કે સ્ટ્રેસને મિલિંદ સારી બાબત ગણાવી છે. તેનો તર્ક આપતા તે કહે છે કે, “સ્ટ્રેસ સારી બાબત છે. જેમ કે ભૂખ, તરસ એ સ્ટ્રેસ જ છે. તે ન હોય તો આપણે ટકી શકવાના નથી. સ્ટ્રેસ સાથે કેવી રીતે ડિલ કરવું શીખવું હોય તો આપણે તેની પરીક્ષા આપવી પડે. આજે જે સંજોગોમાં રહીએ છીએ, જે માહોલ છે તેમાં આપણે જુદા-જુદા પ્રકારના સ્ટ્રેસ સાથે કામ પાર પાડીએ છીએ, તેનાથી આગળ વધીને જીવનને વધુ બહેતર બને છે. જીવનમાં ખળભળાટ થવાનું કારણ આપણે સ્ટ્રેસ સાથે ડિલ કરી શકતા નથી તે છે. તમારે તેની સામે લડવા માટે જાતે જ માર્ગ કંડારવાનો છે. સ્પોર્ટ્સ તેમાં ખૂબ ઉપયોગી થાય છે. મોટા ભાગના સ્ટ્રેસ તમને વધુ સશક્ત રીતે ઘડે છે.”

મિલિંદ સોમણ જીવનના અનુભવ આટલાં ઠોસ રીતે કહી શકે છે તેનું એક કારણ લાંબા સમયથી તેઓ એવાં ઇન્ડસ્ટ્રીઝમાં છે જ્યાં બધું સમૂસુતરું ચાલે તેમ છતાં તમારા પર સતત દબાણ હોય. મિલિંદની આ કારકિર્દીની શરૂઆત 1988માં થઈ હતી, જ્યારે તેમણે મોડલિંગમાં પ્રવેશ કર્યો હતો. પછી નેવુંના દાયકામાં મિલિંદના અનેક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલનો હિસ્સો રહ્યા. કારકિર્દીના શરૂઆતના પડાવ પર જ મિલિંદને મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો હતો. ‘95ના વર્ષમાં મિલિંદ અને મધુ સપ્રેએ એક ન્યૂડ એડ કરી હતી, જે શૂઝની હતી. આ એડને લઈને ખૂબ વિવાદ જાગ્યો હતો. આ એડ સામે શિવસેના અને અન્ય પક્ષો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને તે એડ પર પ્રતિબંધ લગાવવો પડ્યો હતો. આ એડમાં અજગરનો પણ ઉપયોગ થયો હતો, તેથી વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન તરફથી પણ કેસ થયો હતો. પછી અલગ-અલગ સ્ત્રીઓ સાથે સંબંધમાં મિલિંદ આવ્યો અને તેમાં પણ તણાવ રહ્યો. જોકે આ બધું છતાં પોતાના જીવનમાં સંતુલન જળવાઈ રહે તેનું ફોકસ ક્યારેય ન ગુમાવ્યું. આ જ પરિણામે મિલિંદ આજે પ્યોર સ્વદેશી આર્યનમેન બની શક્યો છે. 

આર્યનમેન બની શકવાના પ્રયાસ મિલિંદના છ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ચૂક્યા હતા. છ વર્ષથી મિલિંદે સ્વિમિંગ શરૂ કર્યું. દસ વર્ષની ઉંમરે થતાં સુધી તો વિવિધ સ્પર્ધામાં તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યો હતો. 1984-87 સુધી તો નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતનાર રહ્યો. સાઉથ એશિયન ગેમ્સમાં પણ તેઓ ભારતનું પ્રતિનિધત્વ કરી ચૂક્યો છે અને 1984માં કાઠમંડુમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યું હતું. 2015માં મિલિંદે આર્યનમેન ચેલેન્જમાં હિસ્સો લીધો હતો, જે તેણે 15 કલાકમાં પૂરી કરી હતી. આ સ્પર્ધામાં 3.8 કિલોમીટર સ્વિમિંગ કરવાનું હતું. 180 કિલોમીટર સાઈકલિંગ કરવાની હતી અને 42 કિલોમીટર રનિંગ હતી. આ પડકાર મિલિંદે ઝીલ્યો અને આર્યનમેનનો ખિતાબ મેળવ્યો. 

મિલિંદ અર્થપૂર્ણ જીવન તરફ કેમ વળ્યો તેને લઈને તે કહે છે કે, “આજે બધું જ ઇવોલ્વ થઈ રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે 70-80ના દાયકામાં ખૂબ સારી બાબત ઘટી અને ટાવરીંગ પર્સાનાલિટી આવી. આજે દરેક બાબતનું વધુ ઇન્ટરપ્રિટેશન થાય છે, જેમાં મૂળતત્વ નહિવત્ છે. આજે આપણે એ રીતે વિચારીએ છીએ કે વધુ પૈસા કેવી રીતે મેળવી શકાય, જે આપણી વિચારશક્તિને મર્યાદિત કરી દે છે. આપણે ખૂબ સુરક્ષિત રીતે આગળ વધીએ છીએ કારણ કે અસુરક્ષા આપણી આવકને સુરક્ષિત કરતી નથી.” જેઓ જીવન અને પોતાના સ્વાસ્થ પ્રત્યે વધુ સજાગ હોય તેઓએ મિલિંદને જાણવો જરૂરી છે.