કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): 'બોટલ ઑફ લાઇસ : રેનબેક્સી ઍન્ડ ધ ડાર્ક સાઇડ ઑફ ઈન્ડિયન ફાર્મા’ નામના પુસ્તકે ભારતની દવા કંપનીઓની પોલ ખોલી નાંખી છે.  આ પુસ્તકના લેખિકા અમેરિકાની કેથરીન એબન નામની મહિલા પત્રકારછે. થોડા સમય પહેલાં જ પ્રકાશિત થયેલા આ પુસ્તકનો વિષય રેનબક્સી કંપનીમાં થતી ઘાલમેલ છે. આ દવાઓ અમેરિકામાં વેચાણ અર્થે જતી હતી. કેથરીન એબને ઝિણવટથી આ વિષય પર કામ કર્યું છે.  પુસ્તકની વિગત પરથી એટલું સાબિત થાય છે કે, ભારતની કેટલીક કંપનીઓએ દવાઓમાં ‘ઝેરી’ તત્વો ભેળવે છે! ભારતનું ફાર્મા માર્કેટ વિસ્તરી રહ્યું છે, ત્યારે પુસ્તકના ખુલાસાએ ભારતની દવા કંપનીઓની શાખ બેસાડી દીધી છે. કેથરીનના દાવા મુજબ જો ઘાલમેલ થઈ છે તેમાં મોનિટરીંગ એજન્સી પણ શંકાના દાયરામાં આવે છે. મતલબ કે, ભારતમાં મિલિભગતથી આ ખેલ ચાલી રહ્યો હતો, જેનો પર્દાફાશ આંતરરાષ્ટ્રિય સ્તરે એક અમેરિકાની પત્રકારે કર્યો છે.

બીમારીમાં ઇલાજ કરતી દવાઓમાં જ જ્યારે પોલંપોલ હોય ત્યારે વિશ્વાસ કોના પર રાખવો? કેથરીને પુરાવા સાથે ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીને ઘેરામાં લીધી છે. આ આરોપનો જવાબ માટે તટસ્થ તપાસ જ કરાવવી પડે, જેથી શંકાનું સમાધાન થાય. પણ કેન્દ્ર સરકારે ઊલટું કેથરીન એબન પર જ દાવો માંડવાની તૈયારી કરી છે. આ દાવાનો મુસદ્દો દવાઓની નિયમન કરનારી સંસ્થા ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન’(સીડીએસસીઓ)એ તૈયાર કર્યો છે. મુસદ્દો સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યો ત્યારે આ પૂરી વાત પ્રકાશમાં આવી. કેથરીને કંપનીઓની જે ખામી દર્શાવી છે તેમાં દવાઓનાં ‘ઝેરી’ તત્વો,ગુણવત્તાના માપદંડમાં બેદરકરારી અને મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની ખામીઓ છે.

સીડીએસસીઓ’ મુજબ વિશ્વના ફાર્મા કંપનીઓ પર ભારતનો દબદબો વધી રહ્યો છે, તેના પર બ્રેક લગાવવા આક્ષેપ થયા છે. પુસ્તકને વ્યક્તિગત મુલાકાત આધારીત ગણાવીને ખારીજ કરી દેવામાં આવ્યું છે. સીડીએસસીઓ’ની દલીલ છે કે ગ્લોબલ ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીમાં ભારતની જનરીક દવાઓ ગેમ-ચેન્જર બની છે, જે કારણે મેડિકલમાં ઘરમૂળથી બદલાવ આવી રહ્યાં છે. આ દવાઓનો લાભ વિકાસશીલ દેશોને પણ મળશે. દાયકાઓથી આ સેક્ટરમાં શાસન કરનારી પશ્ચિમી ફાર્મા કંપનીઓ આ સહન કરી નહીં શકે.

એક તરફ કેથરીનના પુરાવા છે અને બીજી તરફ તેને ખારીજ કરવા સીડીએસસીઓ’એ જવાબો છે. પણ આ સ્થિતિમાં જેઓને દવા લેવા મજબૂર છે તેમનો મરો છે. સરકાર કેથરીન પર દાવો માંડીને સંતોષ માનતી હોય તો આ અંગે કોઈ તપાસ થવાની નથી. મતલબ કે આ ઢબે દવાની કંપનીઓ પ્રોડક્શન કરતી રહેશે.

કેન્દ્ર સરકાર અને દવાની નિયમન કરનારી સર્વોચ્ચ સંસ્થા કેથરીનના દાવાને શંકાની નજરે જોતી નથી. સીડીએસસીઓ’ મુજબ ગુણવત્તા સર્વોપરી છે અને તેમાં ક્યારેય બાંધછોડ થઈ નથી. વાસ્તવિકતા વેગળી છે અને તેનાં સૌથી મોટાં ઉદાહરણો છે દિનેશ ઠાકુર અને રાજિન્દર કુમાર  નામના બે વ્યક્તિ છે. આ બંને રેનબેક્સી કંપનીના પૂર્વ કર્મચારી હતા, જેઓને રેનબેક્સીમાં કશુંક રંધાતું હોવાની ગંધ આવી અને તપાસ આદરી. તપાસમાં ખૂલ્યું કે રેનબેક્સીની દવાઓની બનાવટમાં માપદંડને અનુસરવામાં આવ્યા નહોતા. તે સિવાય પણ દવાઓમાં ઉપયોગમાં લેવાતાં તત્વોનું માપ, તેની ગુણવત્તાને લઈને પણ પ્રશ્નો હતા. કંપનીની દવાઓમાં આટઆટલી મર્યાદા હોવા છતાં તેને સીડીએસસીઓ’ ક્યારેય પકડી શકી નહીં. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને રેનબેક્સીની આ મર્યાદા પકડી પાડી અને કંપની પાસેથી 500 મિલિયન ડોલરનો દંડ વસૂલ્યો. ભારતની રેનબક્સી કંપનીનો ભાંડો ફૂટ્યો ત્યારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રસ એડમિનિસ્ટ્રેશનની નજર માત્ર રેનબેક્સી સુધી સિમિત ન રહી. અન્ય ભારતીય કંપનીઓ તેના રડારમાં આવી અને તેમને પણ ચેતવણી મળી. અમેરિકાના દવાઓના ઉંચા માપદંડોને લઈને પણ રેનબેક્સીની દવાઓ ત્યાં વર્ષો સુધી ચાલતી રહી. ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરતા હતા અને લોકો તેને લેતા રહ્યા.

દવાઓને લઈને ઊંચા માપદંડોને અનુસરતા અમેરિકામાં રેનબેક્સીની દવા ચાલી ગઈ હોય તો ભારતમાં તેને મંજૂરી કેવી રીતે મળતી હશે તે આપણે કલ્પી શકાય. આ કિસ્સામાં કેથરીન જેવાં પત્રકાર કોઈ સવાલ ઉઠાવે ત્યારે તેની તપાસ થવી જોઈએ;નહીં કે આ પ્રશ્નને લોકો સમક્ષ લાવ્યો છે તેની સામે દાવો માંડીને. આ પ્રકારના ફ્રોડ કરવામાં રેનબેક્સી માત્ર નહોતી. અન્ય કંપનીઓમાં એક વોકહાર્ટ પણ હતી, જેણે દવાના ટેસ્ટિંગમાં ફ્રોડ કર્યા હતા. આ રીતે એક પછી એક ભારતીય દવાઓના સ્કેન્ડલ બહાર આવ્યા જેથી યુરોપિયન યુનિયને ભારતની 700 જેટલી જનરીક દવાઓની મંજૂરી પાછી ખેંચી લીધી હતી.

કેથરીને જે મુદ્દા ઉઠાવ્યા છે તેનો ઘણો ખરો બેઝ રેનબેક્સીના પૂર્વ કર્મચારી દિનેશ ઠાકુરની તપાસ છે. દિનેશ ઠાકુર આજે ફાર્મા ક્ષેત્રના વ્હિસલબ્લોઅર્સ તરીકે ઉભર્યાં છે અને તેઓ જાહેર મંચ પર લોકોને સમજાવે છે કે એક્ઝેટલી કંપનીઓ ક્યાં ગોલમાલ કરે છે. તેમના મુજબ દુનિયાભરમાં ફાર્મા કંપની દવાઓના તત્વોમાં ઘાલમેલ કરે છે તે જાણીતી વાત છે. ભારતમાં પણ તે પ્રેક્ટિસ થાય છે. તે કેમ થાય છે તેવું સમજાવતા ઠાકુર કહે છે કે, અમેરિકાની ડ્રગ કન્ટ્રોલર એજન્સી ‘એફડીએ’ દવાઓનો બધો ડેટા જાહેર કરે છે. ભારતમાં તેમ થતું નથી. અહીંયા લોકો જે દવા લે છે તે બાબતે અંધારામાં રહે છે. આ સિવાય અહીંની ડ્રગ કન્ટ્રોલર એજન્સી પાસે પૂરતા પાવર નથી. આ કારણે તેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લઈ શકતા નથી અથવા તો તેની પ્રક્રિયા સમજી શકતા નથી.

ફાર્મા ક્ષેત્રના કૌભાંડ કયા સ્તરે થાય છે તે માટે કેથરીનના પુસ્તકમાં ટાંકવામાં આવેલાં એક કિસ્સો જ પૂરતો છે. તે આ પ્રમાણે છે : 2004-05નો સમય હતો જ્યારે રેનબેક્સીના તત્કાલિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડિરેક્ટર રાજિન્દર કુમાર તેમના જ કંપનીના ગ્લોબલ હેડ રિસર્ચ દિનેશ ઠાકુરને બોલાવીને એક ડોક્યુમેન્ટ આપે છે, અને કહે છે કે ‘આપણે મુશ્કેલીમાં છીએ’. આ ડોક્યુમેન્ટ પ્રમાણે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.  આ રિપોર્ટમાં રેનબેક્સી કંપની જ્યાં એઇડસની દવાનું ક્લિનિકલ ટેસ્ટ કરતી હતી તે વિમતા લેબ પર જ પ્રશ્ન ખડા કર્યા હતા. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ને વિમતા લેબની તપાસ દક્ષિણ આફ્રિકાની સરકારના કહેવાથી કરી હતી. દક્ષિણ આફ્રિકા રેનબેક્સીના એઇડ્સની દવાની મોટી ખરીદદાર હતી. આ તપાસ કરનાર ફ્રેન્ચના ઇન્સ્પેક્ટર ઓલિવર લેબ્લેય હતા, જેમણે આ તપાસમાં વિમતાની ઠગાઈ પ્રકાશમાં લાવી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે ક્લિનિકલ ટેસ્ટ દરમિયાન જેમના નામ મૂકવામાં આવ્યા હતા, તેમનું અસ્તિત્વ સુદ્ધા નહોતું. ઇવન, તપાસમાં એ પણ સામે આવ્યું કે દર્દીઓના લોહીના નમૂના પણ છેડછાડ કરવામાં આવી હતી. મતલબ કે અત્યાર સુધી જે દવાઓ દર્દીઓને અપાતી હતી, તેની કોઈ પ્રામાણિક તપાસ થઈ નહોતી. આમ કર્યાં સિવાય જ રેનબેક્સી કંપનીએ કરોડો રૂપિયાનો વેપાર કરી લીધો હતો. બસ, અહીંયાથી રેનબેક્સી અને ભારતની અન્ય જનરીક દવાની મિલિભગતની કહાની શરૂ થાય છે અને તેનો વિસ્તાર કેથરીન એબન કરે છે.

દિનેશ ઠાકુર રેનબેક્સીનું કૌભાંડ ભારતમાં બહાર લાવે છે, પણ તેની તપાસ થાય અને તેનું સત્ય લોકો સામે આવે તે માટે અમેરિકા જાય છે અને ત્યાં ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ સામે ઘા નાખે છે. અને પછી રેનબેક્સીની એક પછી એક પ્રોડક્ટ અમેરિકામાંથી પાછી ખેંચવામાં આવે છે અને કંપનીને દંડ પણ થાય છે.કેથરીનના આ પુસ્તકના દાવાને તપાસ વિના સરકારે ખારીજ કરી દીધા છે. મતલબ સરકારે દવા લેનારને તેના હાલ પર છોડી દીધા છે.

અમેરિકાની ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને’ જે કંપનીઓને ચેતવણી મોકલી તેમના નામ :

આરોપ

ફાર્મા કંપની

ગુણવત્તાના માપદંડમાં બેદરકારી

એમક્યોર

લેનટેક

ઇન્ડોકો

સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ

અરબિંદો

ઝોમિયો

ગ્લિન્ટ કોસ્મેટિક્સ

સેન્ચુરિયન લેબો.

બી. જૈન ફાર્મા.

જ્યુબિલન્ટ જેનરિક્સ

 

હોસ્પિરા હેલ્થકેર

વિપોર કેમિકલ્સ

મિસબ્રાન્ડિગ

ગ્લાયન્ટ કોસ્મેટિક્સ

એનિકેર ફાર્મા.

માર્કેટિંગ અનઅપ્રૂવ મેડિસિન

ગ્લાયન્ટ કોસ્મેટિક્સ