કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): ભારતીય જીવન વીમા નિગમ જેને આપણે ‘એલઆઈસી’ ( LIC ) ના નામે ઓળખીએ છીએ તેના આર્થિક પાસાંને લઈને ક્યારેય શંકા ઊઠી નહોતી. પણ છેલ્લા મહિનાથી એવાં ન્યૂઝ આવી રહ્યાં છે કે ‘એલઆઈસી’ ( LIC )નું તંત્ર જોખમમાં છે. બજેટમાં તેના એક હિસ્સાના વેચાણ અને આઈપીઓ લાવવાથી વાત વધુ ગંભીર બની છે. ‘એલઆઈસી’ ( LIC ) તેના સ્થાપના કાળથી તેના મૂળ મંત્ર योगक्षेम वहाम्यहम्ને વળગી રહી છે, જેનો અર્થ થાય છે ‘પ્રાપ્ત સંપત્તિની સુરક્ષા કરવી.’

તો શું ખરેખર ‘એલઆઈસી’ ( LIC ) માટે જોખમ ઊભું થયું છે? ‘એલઆઈસી’ ( LIC )નો વધી રહેલો ‘એનપીએ’થી શું વીમાપોલીસી ધારક ચેતવું જોઈએ? ‘એલઆઈસી’ ( LIC ) વિશે સરકારનો ઇરાદો નેક છે? આ પ્રશ્નોના જવાબો તટસ્થાથી મેળવવા પ્રયાસ કરીએ.

‘એલઆઈસી’ ( LIC )ની 1956માં સ્થાપના થયા બાદ તેની શાખ અને સંપત્તિ વૃદ્ધી પામતી રહી છે. આજે પણ તેની કુલ સંપત્તિનો આવકનો આંકડો 36 લાખ કરોડ જેટલો માતબર છે. અને તેના કાર્યોમાં માત્ર લાઇફ ઇન્સ્યોરન્સ નથી, બલકે ‘એલઆઈસી’ ( LIC ) હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બેન્કિગ અને મ્યૂચ્યુઅલ ફંડ સુદ્ધામાં કાર્યરત છે. સમય પ્રમાણે ‘એલઆઈસી’ ( LIC ) પરિવર્તન પામતું રહ્યું છે, તેથી જ તેની સંપત્તિ વધતી રહી છે અને લોકોમાં પણ તેના પ્રત્યેનો વિશ્વાસ બરકરાર રહ્યો છે. આજે પણ ‘એલઆઈસી’ ( LIC )ની વેબસાઈટ પર જઈને જોઈએ તો તેઓના છેલ્લા પંદર વર્ષના વાર્ષિક અહેવાલ મળે છે.

‘એલઆઈસી’ ( LIC )ની પ્રક્રિયા પારદર્શિ લાગે છે અને તેની આર્થિક સ્થિતિને લઈને જે પ્રશ્ન ઉઠ્યો છે તેમાં જે આંકડો દર્શાવવામાં આવ્યો છે તે 30,000 કરોડનો છે. આ રકમને ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ(એનપીએ) તરીકે બતાવવામાં આવી છે. સૌપ્રથમ આ ‘એનપીએ’ એટલે શું તે સમજી લઈએ. ‘એનપીએ’ એટલે સમજો કે ‘એલઆઈસી’ ( LIC )એ કોઈને લોન આપી છે, તેનાથી તેને આવક થાય છે. ‘એલઆઈસી’ ( LIC ) માટે આ આવક સંપત્તિ છે. જેને લોન મળી છે તેના માટે તે જવાબદારી છે. સમયસર લોન ભરપાઈ કરવાની તેની ફરજ છે. આ લોન જ્યારે સમયસર ભરપાઈ થતી હોય ત્યારે તેને ’સ્ટાન્ડર્ડ એસેટ્સ’ ગણાય છે. પરંતુ જો કોઈ ત્રણ હપ્તા કે 90 દિવસ સુધી ભરપાઈ કરતા નથી તો તેને ‘એનપીએ’માં ગણી લેવામાં આવે છે. તેનો સરળ અર્થ એટલો થાય છે કે ‘એલઆઈસી’ ( LIC )ની તે કમાણી બંધ થઈ ગઈ છે અને હવે કંપની તેની વસૂલાત ગિરવી રાખવામાં આવેલી સંપત્તિ અથવા શેર્સ વેચીને કરશે. જોકે નાણાંની રિકવરી સરળ નથી હોતી. તેમાં નાણાં મેળવવા કરતા તેની પ્રક્રિયા લાંબી થઈ જાય છે. આ કિસ્સામાં ‘એનપીએ’ વધે ત્યારે લોન આપનારી કંપની પર સવાલ ઉઠે છે, જે ‘એલઆઈસી’ ( LIC ) સાથે થયું.

‘એલઆઈસી’ ( LIC )ની સ્થિતિ ડામાડોળ થાય ત્યારે તેની અસર મોટા વર્ગને થાય. અને તેથી તેના પર રાજકીય ટીપ્પણી પણ આવે. એક અઠવાડિયા અગાઉ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરીને લખ્યું હતું : “કરોડો પ્રામાણિક લોકો એલઆઈસીમાં રોકાણ કરે છે. પરંતુ મોદી સરકાર ‘એલઆઈસી’ ( LIC )ને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને લોકોના વિશ્વાસને ગુમાવી રહી છે.”રાહુલ ગાંધી આ સાથે બિઝનેસ ટુડે મેગેઝિનના અહેવાલની લિન્ક મૂકી હતી. આ અહેવાલના અંશ જોઈએ : “જો તમે એવું સમજતા હોય કે એલઆઈસી સરકારની સુરક્ષિત સિક્યૂરિટીઝ ખરીદી છે, તો તમે ખોટા છો. એલઆઈસીએ જ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં તેના એનપીએના આંકડા છ ટકાથી વધુ દરે વધ્યા છે, જે ઓલમોસ્ટ બેન્કના એનપીએ જેટલાં જ છે. અત્યાર સુધી એલઆઈસી માટે એનપીએનો દર 1.5-2 ટકા જેટલો જ રહેતો, પણ છેલ્લા પાંચ વર્ષમાં તેની ટકાવારી સાત ટકા સુધી પહોંચી છે! એલઆઈસીના નાણાં ચાઉ કરી જનારાઓમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, અમત્રક ઓટો, યુનિટેક, જીવીકે પાવર એન્ડ જીટીએ, ગેમ્મોન, આઈએલ એન્ડ એફએસ, ભુષણપાવર, એસ્સાર શિપિંગ અને ડેક્કન ક્રોનિકલ જેવી કંપનીઓ છે.

‘એલઆઈસી’ ( LIC )થી લોન આપમાં અને રોકાણ કરવામાં જે ભૂલો થઈ છે, તે ન થાય તેવું નથી. પણ ટૂંકાગાળામાં ‘એલઆઈસી’ ( LIC ) આ રીતે ભૂલ કરે તો તે જોખમી છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલે તે વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ પોર્ટલ મુજબ ‘એલઆઈસી’ ( LIC ) દ્વારા ‘પબ્લિક સેક્ટર અન્ટરટેકિંગ ઑફ ઇન્ડિયા’(પીએસયુ)ની પાંચ શેર્સમાં રોકાણ કર્યું છે તેનું નુકસાન મસમોટું છે. જેમ કે ન્યૂઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં ‘એલઆઈસી’ ( LIC ) દ્વારા નોવેમ્બર, 2017માં 5,713 કરોડનું રોકાણ કર્યું હતું, અત્યારે તેનું વર્તમાન મૂલ્ય માત્ર 757 કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે. મતલબ કે 86 ટકા તેની કિંમત નીચે ગગડી ચૂકી છે! ‘એલઆઈસી’ ( LIC ) સુરક્ષિત રોકાણ કરવામાં પાવરધી ગણાય છે અને તેની સંપત્તિની વૃદ્ધી સુરક્ષિત રોકાણથી જ થઈ છે, પણ જ્યારે બે વર્ષમાં કોઈ રોકાણ કરીને આટલું ધોવાણ થાય તો તે ચિંતાનો વિષય બને છે. આ રીતે જ ‘એલઆઈસી’ ( LIC ) દ્વારા રૂપિયાનું ધોવાણ ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિ.’(એનટીપીસી) નામની કંપનીમાં પણ થયું છે. કેન્દ્ર સરકાર હસ્તકની આ કંપની વીજળીનું ઉત્પાદન કરે છે. ઑગસ્ટ, 2017માં 4,275 કરોડનું રોકાણ કરીને તેના શેર્સ ખરીદ્યા. આ કંપનીનો ગ્રાફ જોઈએ તો આ કંપનીના શેર્સના ભાવ ઉતાર-ચઢાવભર્યા રહ્યાં છે. બજારનું જે પ્રકારે ભાવ ઉપર-નીચે જાય તે ક્રમમાં તેનો ગ્રાફ દેખાય છે, પણ માત્ર ત્રણ વર્ષમાં તેમાં ‘એલઆઈસી’ ( LIC )નું નુકસાન 1,272 કરોડ સુધી પહોંચ્યું છે. ‘પીએસયુ’ કંપનીમાં ‘એલઆઈસી’ ( LIC ) દ્વારા રોકાણ કરવામાં આવેલા શેર્સનું સૌથી ઓછું ધોવાણ ‘એનટીપીસી’નું થયું છે. પણ ‘એલઆઈસી’ ( LIC ) જેવી સંસ્થાઓ આ નુકસાનથી બચી શકે એટલું ચોક્કસ.

‘એલઆઈસી’ ( LIC ) પાસે જંગવાર સંપત્તિ છે અને તેથી જ તે અન્ય સેક્ટર અને ‘પીએસયુ’ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેનાથી આવક ઊભી કરે છે. આ વર્ષે ‘એલઆઈસી’ ( LIC )નો કુલ નફો 2017-18ના વર્ષમાં 26,147 હતો. આ નફો અને પ્રિમિયમરૂપે આવતી અન્ય નાણાંને રોકવા માટે ‘એલઆઈસી’ ( LIC ) હવે નવા સેક્ટરમાં પ્રવેશવા ઇચ્છે છે. જેમ કે બેન્કિગ સેક્ટરમાં આવવાનું ‘એલઆઈસી’ ( LIC )નું વલણ દેખાય છે અને તે માટે જ ‘આઈડીબીઆઈ’ બેન્કમાં તેનું રોકાણ વધાર્યું છે. સરકાર હસ્તકની આ બેન્ક હવે ખાનગી બેન્ક થઈ ચૂકી છે અને તેમાં  ’એલઆઈસી’ ( LIC )નું રોકાણ વધતું જ રહ્યું છે. પણ આ બેન્ક સતત ખોટ કરતી રહી છે, જેમ કે સપ્ટેમ્બર-ડિસેમ્બર, 2018માં ‘એલઆઈસી’ ( LIC ) દ્વારા ‘આઈડીબીઆઈ’ બેન્કમાં 21,674 કરોડનું રોકાણ કર્યું હતું, આજે તેમાં ‘એલઆઈસી’ ( LIC )એ કરેલી નુકસાનનો આંકડો ઓલમોસ્ટ 10,657 કરોડની આસપાસ છે. ‘એલઆઈસી’ ( LIC )એ સૌથી વધુ નાણાં ‘આઈડીબીઆઈ’ બેન્કમાં ગુમાવ્યા છે. આ બેન્ક પર હાલમાં હોલ્ડ ‘એલઆઈસી’ ( LIC )નો છે, પણ માર્કેટની દૃષ્ટિએ આ સોદો લાભકારક દેખાતો નથી.

આ જ રીતે ‘જીઆઈસી’ અને ‘હિન્દુસ્તાન એરોનીટીક્સ’માં પણ ‘એલઆઈસી’ ( LIC )એ નુકસાન વેઠ્યું છે. માન્યું કે ‘એલઆઈસી’ ( LIC ) પાસે જે સંપત્તિ છે, તેનાથી આટલાં નુકસાનમાં કોઈ ફરક પડવાનો નથી અને જેઓ ‘એલઆઈસી’ ( LIC )માં વર્ષોથી નાણાંનું પ્રિમિયમ સ્વરૂપે રોકાણ કરે છે, તેઓ માટે પણ ચિંતાનો વિષય નથી. પણ આ રીતે ‘એલઆઈસી’ ( LIC ) બેદરકરારીથી નુકસાનનો આંકડો વધતો રહે તો તે વિચારનો મુદ્દો જરૂર બને છે. સામાન્ય લોકોની નાની-નાની બચત ‘એલઆઈસી’ ( LIC )માં પડી છે, અને તેનાથી જ તેઓને જીવન સુરક્ષિત છે તેવું અનુભવે છે. આ વિશ્વાસને ઠેંસ ન પહોંચવી જોઈએ.

અહીંયા એટલું નોંધવું રહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને લઈને ઘોંચમાં મૂકાઈ છે. અગાઉ આ સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભંડોળનો ઉપયોગ કરી ચૂકી છે, હવે ‘આઈડીબીઆઈ’ જેવી નુકસાન ખાતી બેન્કોને પણ ‘એલઆઈસી’ ( LIC )ને સુપરત કરવા માંગે છે. હવે જોવાનું છે કે ‘એલઆઈસી’ ( LIC ) પર ઊભા થયેલા આ સવાલો ક્યારે નિર્મૂળ થાય છે અને ફરી આમ ન થાય તે માટે તે કયા પગલાં લેવામાં આવે છે.