કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): 'ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન્સ કોડ બિલ-2019' આવી રહ્યું છે અને તેના અંતર્ગત દેશના બહોળા વર્ગને તેની અસર થશે. મૂળે આ બિલ માલિક અને મજૂર/કર્મચારીઓ વચ્ચેના સંબંધને લગતું છે, અને મોટા ભાગનો વર્ગ આ સંબંધ હેઠળ જ પોતાની રોજગારી મેળવે છે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન્સ લગતાં કાનૂન તો હતા જ, પણ હવે નવી જોગવાઈ સાથે આ બિલ સંસંદમાં શિયાળ સત્રના આરંભે જ પસાર થયું. નાગરીકતા બિલના વિવાદમાં આ બિલની ચર્ચા ન થઈ, પણ તેની અસર સર્વવ્યાપી છે. માલિક અને મજૂર/કર્મચારીઓનો સંબંધ હંમેશા ખટરાગભર્યો રહ્યો છે. આ ખટરાગ ન રહે, એકધારુ ઉત્પાદન થાય, રોજગારી જળવાય તે માટે કેટલાંક કાયદા સરકાર ઘડે છે. આ પ્રક્રિયા ઉદ્યોગના આવવાથી આરંભાઈ, પણ તેમ છતાં આજેય મજૂરોના ભાગે કાળી મજૂરી આવી છે અને કાયદાનો લાભ માલિકોને વધુ મળ્યો છે. મજૂર/કર્મચારીઓની સંખ્યાની રીતે ભારત, ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે આવે છે. તેમ છતાં કમનસીબી એ છે કે આ બિલ અંગે ઝાઝી ચર્ચા ન થઈ. આ બિલનું યોગ્ય વિશ્લેષણ તો મજૂર સંબંધિત કાયદાના કોઈ જાણકાર જ કરી શકે, પણ આપણે અહીંયા બિલ સંબંધે મજૂર/કર્મચારીઓને થતા લાભ-નુકસાનનો એક અંદાજો કાઢીએ.

'ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન્સ કોડ બિલ-2019'ની નવી જોગવાઈ આવી એટલે આ બિલને શ્રમિકવર્ગ અને માલિકો બંને પોતપોતાના દૃષ્ટિકોણથી તેને મૂલવી રહ્યા છે. શ્રમિકવર્ગની હાલાકી એ છે કે તેઓ અસંગઠીત છે અને તેઓની એટલી પહોંચ નથી કે આ બિલનો પૂરતો અભ્યાસ કરીને મૂલવી શકે, તેમના વતી શ્રમિકહિત સંબંધિત કાર્ય કરનારા વ્યક્તિઓ-સંસ્થાઓ તે કાર્ય કરે છે, તેમ છતાં તેમાં પૂરતી જાગ્રતતા દેખાતી નથી. અને એટલે જ દેશના મોટાભાગના બધા જ કેન્દ્રિય અને સ્વતંત્ર મજદૂર સંઘોએ 8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હોવા છતાં તે વાત કોઈએ ગંભીરતા લીધી નથી. મજદૂર સંઘે દાવો કર્યો છે કે આ હડતાળમાં અંદાજે 25 કરોડ કર્મચારી સામેલ થવાના છે.

હવે આ બિલની સામે જેઓનો વિરોધ છે તેઓએ મૂકેલી દલીલ વિશે થોડી વાત કરીએ. 'અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ'ના કે. સી. એચ. વેંકટચલમ અને 'ભારતીય ટ્રેડ યુનિયન'ના મહાસચિવ તપન સેન મુજબ આ બિલ માલિકોના પક્ષમાં છે અને મજૂરોને નુકસાન કરનારું છે. તેઓનું ત્યાં સુધી કહેવું છે કે બિલ મજૂર વિરોધી, ટ્રેડ યુનિયન વિરોધી અને લોકતંત્રના વિરોધી છે. તપન સેનનો આક્રોશ છે તેનું સૌથી સબળ કારણ એ છે કે, આ બિલ મુજબ માલિક મજૂરને કોઈ પણ મુદત માટે નોકરી આપી શકે છે અને ક્યારે પણ છીનવી શકે છે. જોકે તેમાં એક જોગવાઈ એવી પણ છે કે જો 100થી વધુ કર્મચારી ધરાવનારી ફર્મ હોય તો તેને બંધ કરવા અર્થે કે છટની કરવા માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. પરંતુ તેમાં પણ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિયમો ઘડવાની છૂટછાટ આપી છે.

આ અહેવાલ 'બીબીસી' દ્વારા સરસ રીતે કવર થયો છે, જેમાં જ 'ભારતીય મજદૂર સંઘ'ના વિરજેશ ઉપાધ્યાય જણાવે છે કે આ જોગવાઈ મજૂર વિરોધી છે. તેઓ કહે છે કે, જે કાયદો ઘડાયો છે તે મુજબ સોથી વધુ કર્મચારી ધરાવતાં ઉદ્યોગ કે ફેકટ્રી બંધ કરવા અર્થે સરકારની મંજૂરી લેવી પડશે. સરકારે આ આંકડો 300નો રાખ્યો હતો. પણ મજૂર સંઘના વિરોધથી આંકડો સો કરવામાં આવ્યો, પણ સરકારે કેટલાંક નવા નિયમો જોડી દીધા છે. મતલબ મજદૂર સંઘના આગેવાનો મુજબ આ સરકાર શ્રમિકોને ગુલામ બનાવવા ઇચ્છે છે અને ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના નામ પર આ બધું જ કરી રહી છે.

દેશમાં મજૂર સંબંધિત જે પણ કાયદા હતા જેમ કે, 'ટ્રેડ યુનિયન એક્ટ- 1926’, 'ઇન્ડસ્ટ્રીઅલ એમ્પ્લોયમેન્ટ એક્ટ – 1946’ અને 'ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્યૂટ્સ એક્ટ -1947'નો 'ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન્સ કોડ બિલ-2019' અંતર્ગત સમાવેશ થઈ જશે. નવા બિલમાં હડતાળના અંગે પણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા મુજબ હડતાળ પર જવા અંગે 14થી 60 દિવસ અગાઉથી મંજૂરી લેવાની રહેશે. એક સાથે જ્યારે તમામ કર્મચારી રજા પર જશે, તો તેને હડતાળ ગણવામાં આવશે અને જ્યારે સમાધાનની પ્રક્રિયા ચાલતી હશે ત્યારે હડતાળ થઈ નહીં શકે. કેટલાંક કિસ્સામાં મજૂરોની જોહુકમીનો જવાબ સરકારે આવાં સુધારા લાવીને કર્યાં છે. પરંતુ અહીંયા જેમ મજૂરોના હાથમાં રહેલું હથિયાર છીનવ્યું છે, તેમ તેમના હાથમાં કોઈ સુવર્ણ કળશ આપ્યો નથી.

મજૂરોના અધિકાર છીનવી માલિકોને વધુ લાભ આપવાનું સરકારનું વલણ કેમ રહ્યું છે તેનું એક કારણ ખૂબ ચર્ચામાં રહ્યું છે તેનો પણ અહીંયા ઉલ્લેખ જરૂરી છે. એ અંગે સૂચન વર્લ્ડ બેન્કનું આવ્યું હતું, જેમાં વર્લ્ડ બેન્કે કરેલાં અભ્યાસ મુજબ ભારતમાં મજૂર અધિકારને અંગે રહેલાં કાયદામાં રહેલી જડતાના કારણે બિન્દાસ રોકાણ થતું નથી. વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2020ના સહલેખક અને વર્લ્ડ બેન્ક સાથે જોડાયેલાં અર્થશાસ્ત્રી આદિત્ય મટ્ટૂનું ત્યાં સુધી કહેવું છે કે, કડક કાયદાના કારણે રોકાણકર્તાની સંપત્તિ, નીતિ અને મજૂરોને પણ અસર કરે છે. જેનું પરિણામ તેના વેપાર, ઉત્પાદન અને સેવા પર થાય છે. ભારત ઉદ્યોગ સ્થાપવાનાં લોજિસ્ટિક ખર્ચ ઘટાડવામાં 14 કદમ આગળ વધ્યું હોવા છતાં તેનું સ્થાન હજુ 63 પર છે. ચીન કરતાં ભારતમાં રોકાણ કરવાનો લોજિસ્ટક ખર્ચ ત્રણ ગણો આવે છે અને બાંગ્લાદેશ જેવાં દેશ કરતાં પણ બે ગણો આવે છે.

જોકે અહીંયા મજૂરના પક્ષે સૌથી મોટું નુકસાન ભોગવવાનું આવે છે, તે કેવી રીતે તે જરા જોઈએ. આજ દિન સુધી ભારતમાં મજૂરોના પક્ષમાં કાયદા હતા, તેવું સરકાર, રોકાણકર્તાઓ અને વર્લ્ડ બેન્ક સુદ્ધા કહે છે. મજૂરોએ આનો દૂરોપયોગ કર્યો તેવી પણ દલીલ થાય છે. અત્યાર સુધી બધુ જ મજૂરોના પક્ષમાં હોવા છતાં આજે સરેરાશ મજૂરોની સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે તેને આમાંથી મોટા લાભ મળી ગયો હોય તેવું દર્શાતું નથી. જ્યારે માલિકોના પક્ષમાં કાયદો ન હોવા છતાં પૂરું ચિત્ર જોઈએ તો તેઓને લાભ થયો છે. નવા કાયદા મુજબ માલિક પક્ષનો એક અન્ય લાભ એ છે કે નોકરી જાય તો કર્મચારીને 45ના બદલે પંદર દિવસનું જ વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું છે.

એ માન્યું કે રોકાણ સંબંધિત જ્યારે વાત થાય ત્યારે ભારતનો ક્રમ પાછળ આવે છે અને તે માટે કાયદામાં બદલાવ જરૂરી છે, પણ મજૂરોના અધિકાર સંબંધિત કાયદા હળવા કરીને તો બધું જ માલિકોના પક્ષમાં થઈ જશે અને જો એમ થાય તો રોકાણ આવે તો તેનો મતલબ શું રહી જવાનો છે? મજૂરોના સામેનો પક્ષ છે તેમાં જે ચર્ચા મુખ્ય છે તે દેશના અર્થતંત્રને પાટે લાવવાની અને આજના ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવાની. સરકાર આ બંને મુદ્દા લઈને મજૂર અધિકાર સંબંધિત કાયદામાં મોટા પરિવર્તન લાવી રહી છે. હવે જ્યારે એક તરફ દેશ મૂડીવાદના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે તેમાં એક પડાવ આ આવવાનો જ હતો. પરંતુ આ પડાવમાં પણ મહદંશે અસંગઠિત અને નિરક્ષર મજદૂર વર્ગને નુકસાન જ થવાનું છે.

જેઓ આ બિલને આવકારે છે તેમાં ઇન્ડસ્ટ્રીઅરલ રિલેશન્સના નેશનલ કમિટિના ચેરમેન એમ. એસ. ઉન્નીક્રિષ્નન પણ છે. તેમના મુજબ ઉદ્યોગોની માંગ ફ્લેક્સીબીલીટી છે, જેના કારણે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારી વધશે. ઉપરાંત તેમનું કહેવું છે કે એક સમય એવો હતો જ્યારે એક વ્યક્તિ પૂરું જીવન એક જ કંપનીમાં કાઢતો હતો, હવે તેમ રહ્યું નથી. તે વખતના કાયદાનો અર્થઘટન પણ વેગવેગળી રીતે થતું, પણ હવે કાયદાઓને વધુ સરળ બનાવવાની જરૂર છે. ઉદ્યોગોને મજૂરોના શોષણ કરવામાં કોઈ રસ નથી, પરંતુ કોઈ પણ બિઝનેસ માત્ર રોજગારી અર્થે ન થઈ શકે, તેનું બજારમાં સ્થાન ઉભું થવું જોઈએ, તો જ તેની ટકવાની શક્યતા વધે. જોકે જેઓ આ બધી ચર્ચા કરે છે તેમાં મજૂરો જે સ્થિતિમાં, જે માહોલમાં કામ કરે છે તેની વાત નથી કરતાં. ભારતમાં કામના સ્થળે મૃત્યુ પામનારા મજૂરોની સંખ્યા પચાસ હજારની આસપાસ છે. આ ઉપરાંત પણ ભયજનક માહોલમાં કામ કરનારાં મજૂરોની સંખ્યા અડધોઅડધ છે. દિલ્હીમાં હાલમાં ઘટેલી ઘટના તેનું તાજું ઉદાહરણ છે, જેની ચર્ચા માત્ર જે દિવસ આગ લાગી તે દિવસે થઈ, હવે તેનું ફોલો-અપ કરવાનું મીડિયાને પણ મુનાસિબ લાગતું નથી. બાકી તે એક જ ઘટના પરથી મજૂરોના કાર્ય કરવાના સ્થળની સુરક્ષાને લઈને તત્કાલ નિર્ણય લેવાવા જોઈતા હતા.

માલિક અને મજૂર/કર્મચારી વર્ગનો વિવાદનો લાંબો ઇતિહાસ છે અને તે માટે કાયદા ઘડાયા તેમ છતાં તેમાં વિવાદોનો અવકાશ તો રહ્યા જ કર્યો છે. તેનું સંપૂર્ણ અવલોકન અહીંયા ન થઈ શકે, પણ એક ઓવરવ્યૂ આપવાનો પ્રયાસ છે.