કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં જે ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે, તેમાં એક ભાઈ બંદૂક લઈને ફાઈરીંગ કરતાં વિડિયોમાં કેપ્ચર થયા છે. ખુલ્લેઆમ ફાઈરીંગ કરતાં આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પણ ભીડમાં થતાં ગુનામાં પોલીસને દર વખતે આવી સફળતા મળતી નથી. ભીડમાં થયેલાં અનેક ગુનાઓ એવાં છે જેમાં કોઈની ધરપકડ થઈ નથી. પણ સરકાર હવે એક એવી સિસ્ટમ લાવી રહી છે જેનાથી ગુનેગારોને ભીડમાંથી ઝડપી શકશે.

આ સિસ્ટમનું નામ છે ‘નેશનલ ઓટોમેટેડ ફેશલ રેકગ્નિશન સિસ્ટમ(એએફઆરસી). ‘એએફઆરસી’નો સરળ અર્થ ચહેરા દ્વારા ઓળખની છે. મેન્યુઅલ રીતે ગણતરીનાં ચહેરાની ઓળખ થઈ શકે, પણ ભીડ કે ટોળામાં કોઈ વ્યક્તિને ઓળખવો શક્ય નથી. ઘણાં કિસ્સામાં ગુનેગારો ટોળાનો હિસ્સો હોય છે, અને તેઓ ગુનો પણ ભીડમાં સામેલ થઈને કરે છે. આવાં ગુનેગારોને મેન્યુઅલી ઓળખવા અશક્ય છે, તેથી સરકાર હવે ભીડમાંથી ચહેરા દ્વારા ઓળખ માટે ‘એએફઆરસી’ લાવી રહી છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ ગુનેગારોના ચહેરાઓનો શોધી કાઢવાનો છે. પોલીસ ઓછાં સંખ્યાબળ અને અપૂરતી ટેક્નોલોજીના કારણે આ કાર્ય કરી શકતી નથી. પોલીસની પ્રક્રિયા મોર્ડન થાય તે માટે પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ‘એએફઆરસી’ અંતર્ગત પૂરા દેશમાં સેન્ટ્રલાઈઝ સર્વેલન્સ ગોઠવાશે. ઠેકઠેકાણે કેમેરા લગાવવાનું આયોજન છે. તેનાથી ફેસિઅલ રેકગ્નિશન કરીને ડેટા કેપ્ચર થશે.

‘એએફઆરસી’ લાગુ કરવાનું આપવામાં આવી રહેલું મુખ્ય કારણ પોલીસનું ઓછું સંખ્યાબળ છે. ભારતમાં પોલીસની સંખ્યા 724 નાગરીક દીઠ માત્ર એક છે. વૈશ્વિક માપદંડની રીતે આ અનુપાત ખૂબ નીચો છે. આ કિસ્સામાં પોલીસની મદદ ટેકનોલોજી કરી શકે. આ ટેકનોલોજીથી કેટલી મદદ મળી શકે તેનું ઉદાહરણ  દિલ્હી પોલીસ આપ્યું છે. ફેસિઅલ રેકગ્નિશન દ્વારા દિલ્હી પોલીસના એક અભિયાનથી 2,930 ગુમ થયેલાં બાળકોની ઓળખ થઈ હતી. આશ્ચર્ય લાગે પણ દિલ્હી પોલીસે આ કાર્ય માત્ર ચાર દિવસમાં કર્યું હતું.

‘એએફઆરસી’ના અમલમાં ચીન ખાસ્સું આગળ પડતું છે. કેટલું આગળ છે તે એક દાખલાથી સમજી શકાય. જેમ કે, આપણા દેશમાં દિલ્હીમાં કેમેરાનું સર્વેલન્સ સૌથી સારું છે. દિલ્હીમાં એક હજાર નાગરીક દીઠ દસ કેમેરા છે, એ રીતે ત્રણ લાખ સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. ચીનના બીજીંગમાં આ દર ચાળીસ કેમેરાનો છે અને શેંનઝેન શહેરમાં 160 કેમેરાનો છે. આપણા દેશમાં આ સિવાય સીસીટીવીથી સજ્જ શહેરોમાં ચેન્નઈ અને લખનઉ આવે છે.

‘એએફઆરસી’નો આ ઓવરવ્યૂ છે અને તેના દ્વારા ગુનાની તપાસ આદરવા અને ગુનેગારોને શોધવા મોટી મદદ મળી શકે છે તેમાં કોઈ બેમત નથી. આ ટેક્નોલોજીનો ઉપયોગ પંજાબમાં ગુનાખોરી ઘટાડવા ખૂબ સારી રીતે થઈ ચૂક્યો છે. તેનો અમલ કરનાર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ નિલભ કપૂર હતા. તેઓએ પંજાબના ઓર્ગેનાઇઝ ક્રાઇમ પર સિકંજો કસવા ગુનેગારોનું ફેસિઅલ રેકગ્નિશેન કરીને પૂરો ડેટા તમામ પોલીસ સ્ટેશન સાથે લિન્ક-અપ કર્યો. ઓળખ પ્રસ્થાપિત કરીને તેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમને ઘટાડી શક્યા છે. જોકે, ખુદ નિલભ કપૂર ટેકનોલોજી દ્વારા ગુના ઘટ્યા હોવા છતાં તેના દૂરોપયોગ સામે આંગળી ચીંધે છે. આ ટેક્નોલોજીનો દૂરોપયોગ કંઈ હદ સુધી થઈ શકે તેનું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળ્યું. દિલ્હીમાં ચીનની કંપનીને દોઢ લાખ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા ઓર્ડર મળ્યો. આની ટીકા કેન્દ્ર સરકારની ‘થિંક ટેન્ક’ દ્વારા કરવામાં આવી. ટીકામાં ટેકનિકલ સિવાય રાજકીય મુદ્દો પણ હતો. ટીકાનો સૂર દેશમાંથી આ પ્રકારનો ડેટા ચીનની સરકાર પાસે જવાનો ભય દેખાડવામાં આવ્યો હતો. આ ભય ચોક્કસ છે; પણ ચીન સિવાય ફેસિઅલ રેકગ્નિશન કરવા માટે ન્યૂનત્તમ માપદંડને સસ્તામાં પહોંચી વળાય તેમ નથી. ભારતમાં ‘એએફઆરસી’ ક્ષેત્રમાં કાર્ય કરનાર મોટા ભાગના તો હજુ ડગ માંડી રહ્યા છે.

કેન્દ્ર સરકારે આ ટેક્નોલોજી દેશભરમાં અમલી બનાવવા ટેન્ડર મંગાવ્યું હતું ત્યારે તેનાં માપદંડ યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ નક્કી કર્યાં મુજબ રાખવામાં આવ્યા હતા. આ કિસ્સામાં દેશની મહદંશે કંપની તેમાં બીડ કરી શકે એમ નહોતી. અત્યારે દેશમાં જે પ્રકારના સીસીટીવી ચલણમાં છે, તેમાં ફેસિઅલ રેકગ્નિશન થતું નથી. જાહેરાત થઈ છે એટલે ‘એએફઆરસી’ની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે. અને તે માટે વિશ્વભરમાંથી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ આવવા માંડ્યા છે. રશિયા પણ આવો પ્રસ્તાવ લાવનારાઓમાં એક છે. રશિયાના પ્રસ્તાવમાં પણ પૂરી વ્યવસ્થાને સેન્ટ્રલાઇઝ કરવાનો વિચાર મુખ્ય છે. રશિયાએ રાજધાની મોસ્કોમાં આ ટેકનોલોજી દ્વારા ક્રાઈમ રેટ ઘટાડવાનો દાવો કર્યો છે. મુખ્યત્વે તેનો પ્રયોગ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન થયો હતો. આ પ્રયોગથી પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. આ ટેકનોલોજી સફળ રીતે લાગુ કરવાના રશિયા અનેક પુરાવા આપે છે. મૂળ વિચાર સેન્ટ્રલાઇઝ સિસ્ટમનો છે, જેનો ઉલ્લેખ વર્તમાન કેન્દ્ર સરકાર કર્યો છે. આ ઉપરાંત, સેન્ટ્રલાઈઝ સર્વેલન્સ ભારતભરમાં ગોઠવવાનું બંધારણીય રીતે મુશ્કેલ છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યની આવે છે, નહીં કે કેન્દ્રની.

ફેસિઅલ રેકગ્નિશનના જેટલાં ‘નિર્દોષ’ લાભ ગણાવીને સરકાર ઇન્સ્ટોલ કરવા આતુર છે, તે પછી તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના મસમોટાં પ્રશ્નો છે. જેઓ આ સિસ્ટમને લાગુ કરી હતી તેમાંથી કેટલાંક પીછેહઠ કરવાના ન્યૂઝ આવી ચૂક્યા છે. જેમ કે, સાન ફ્રાન્સિસ્કોમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન પણ આ ટેક્નોલોજી પર પ્રતિબંધ લાદવાનું વિચારી રહી છે. હવે જ્યારે કોઈ ટેકનોલોજીનો દૂરોપયોગ સામે કોઈ ચોક્કસ ગાઇડલાઈન નક્કી કરવામાં આવી ન હોય ત્યારે તેને દેશભરમાં ઇન્સ્ટોલ કરવી જોખમી છે. આ જોખમમાં હજુ તો પ્રાઇવેસીનો મુદ્દો ઉમેરીએ તો તેના જોખમ વધુ સ્પષ્ટતાથી નજરે ચઢે એવા છે. સુપ્રિમ કોર્ટના એડવોકેટ અને સાઇબર લો એક્સપર્ટ એન. એસ. નપ્પીનઇ તો ત્યાં સુધી કહ્યું છે કે, કોઈ ચહેરા સામે જ્યારે તેનો અન્ય તમામ ડેટાબેઝને જોડી દેવામાં આવે તો તેની પરવાનગી કોઈ રીતે ન આપી શકાય. આ રીતે તો તમામ નાગરિકોને ગુનેગાર જાહેર કર્યા વિના સરકારને તેની સાથે ગુનેગારની જેમ વર્તવાનો પરવાનો મળી જાય છે.

સત્તાધીશો પોતાનું શાસન અવિરત ચાલે તે માટે ધમપછાડાં કરતાં રહે છે. મહર્ષિ અરવિંદે તે વિશે કહ્યું છે તે આ બાબતે ગાંઠે બાંધી રાખવા જેવું છે. મહર્ષિ કહે છે કે, “વિશ્વના કોઈ પણ ભાગમાં વર્તમાન રાજકારણની લોકોના આત્મા કે આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. સામાન્ય રીતે એ પોતાની સંકુચિતતા, સ્વાર્થ, અભિમાન અને છેતરપિંડીનું જ પ્રતિનિધિત્વ કરે છે. આ બધાનું સરસ પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત એ માનસિક બિનકાર્યક્ષમતા, નૈતિક રૂઢિચુસ્તતા, નિર્બળતા અને આડંબરનું પ્રતિનિધિત્વ કરે છે. એની સામે ઘણી વાર મહાન પ્રશ્નો નિર્ણય માટે આવે છે. પણ એ એમને મહાન રીતે ઉકેલતા નથી.”