કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): રાજકીય ક્ષેત્રમાં આપણે ત્યાં જેની શક્યતા દૂર દૂર સુધી જોવાતી નથી, તેવું અમેરિકા હાલમાં બન્યું અને તે છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થઈ રહેલી મહાભિયોગ(તહોમતનામું)ની તપાસ. જનપ્રતિનિધિને જવાબ આપવો પડે અને તે પોતાની વાત મૂકે અને સ્પષ્ટતા કરે તે ઉમદા પ્રક્રિયા છે. કશું ખોટું કર્યું હોય તો તે સ્વીકારવું અને જો ન સુધરે તેવી ભૂલ હોય તો દિલી માફી માંગવી. જાહેર ક્ષેત્રમાં આ અનિવાર્ય પ્રક્રિયા હોવી જોઈએ, પણ આપણે ત્યાં તે સ્વીકાર્ય નથી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદોથી ઘેરાયેલાં વ્યક્તિ છે. પદ પર આવ્યા પહેલાં અને પછી પણ. સત્તા માટે ટકાવી રાખવાના પ્રયાસો અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ કરવા પડે છે. આ પ્રયાસના પરિણામે જ ટ્રમ્પ પર મહાભિયોગની તલવાર લટકી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રતિદ્વંદી ડેમોક્રેટીક નેતા અને પૂર્વ ઉપપ્રમુખ જો બિડેન અને તેમના પુત્ર વિરુદ્ધ તપાસ આદરાય તે માટે છેક યુક્રેનના સત્તાધિશોનો સંપર્ક સાધ્યો. તપાસ થાત તો બિડેન પિતા-પુત્ર બદનામ થવાના હતા. આ પૂરી કવાયત અમેરિકામાં 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે તે માટે થઈ. જો બિડેન ટ્રમ્પના મજબૂત પ્રતિસ્પર્ધી બનીને ઉભર્યાં છે. કોઈક રીતે આ મજબૂત પ્રતિદ્વંદી ન રહે અને પોતે બીજી ટર્મમાં રાષ્ટ્રપતિ બની રહે તે માટેનો આખો કારસો હતો. પરંતુ ટ્રમ્પ આ કારસો ઘડવામાં ખુદ જ ફસાયા. આ પૂરા મુદ્દાને ભારત અને વિશ્વના રાજકીય પરીપ્રેક્ષ્યમાં સમજવો જોઈએ.

અમેરિકાના પ્રમુખની મહાભિયોગની તપાસ થતી હોય તો તેને લઈને ભારતમાં કોઈ રસ ન જોવા મળે તે સ્વાભાવિક છે. જોકે, આ પૂરી પ્રક્રિયાને જોવી-સમજવી જોઈએ, કારણ કે તેમાં સત્તામાં સૌથી ઉંચા પદે બિરાજમાન વ્યક્તિને પોતાની ફરજ ચૂક્યાના જવાબ આપવાના છે. આપણે ત્યાં અલગ-અલગ કેસોમાં રાજકીય વ્યક્તિઓને જુબાની આપવાની આવી છે, પણ તેમાં સજા પડી હોય તેવાં કિસ્સા જૂજ છે. પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમ જેલમાં જાય તે તો રાજકીય રંજીશનો ખેલ છે. અમેરિકામાં પણ આવાં ખેલ ખેલાય છે અને તે જ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પને લોકોએ જ ચૂંટેલા છે, પણ તે ચૂંટવામાં થયેલી ઘાલમેલના અહેવાલ પુરાવા સાથે અવારનવાર આવતાં રહે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગને લઈને પ્રતિષ્ઠિત 'ટાઇમ' મેગેઝિને ગત્ મહિને કવર સ્ટોરી કરી છે. અને તેના ટાઇટલ પર 'ધ ઇમ્પિચમેન્ટ'(મહાભિયોગ) અને ડોનાલ્ડ ટ્રમ્પના નામ વચ્ચે જે શબ્દો લખ્યા તે છે : “અમેરિકા ઓન ટ્રાયલ” મતલબ કે ટાઇમ મેગેઝિને પૂરા અમેરિકનવાસીઓને જ કઠહરામાં ખડા કરી દીધા છે! 'ટાઇમ' મેગેઝિને પોતાની સ્ટોરીમાં જે મથાળું આપ્યું છે તેમાં લખ્યું છે કે, આ મહાભિયોગની તપાસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ અગત્યની છે અને આપણે એક અમેરિકન તરીકે શું છે તે આપણને તે દર્શાવે છે!

અમેરિકામાં અને વિશ્વરાજકારણમાં ટ્રમ્પની સામે મહાભિયોગની તપાસ થવી તે ઘટના ગંભીર ગણવામાં આવે છે.  એવું પણ બને કે આ કારણે ટ્રમ્પે પોતાના પદ છોડવું પડે. આ અગાઉ અમેરિકાના જ પાંચ પ્રમુખો સામે આ પ્રકારની કાર્યવાહી થઈ છે, જેમાં સૌપ્રથમ જેમ્સ બુચાનન હતા અને ત્યાર બાદ એન્ડ્રૂ જોહ્નસન. આ બંને પ્રમુખો ઓગણીસમી સદીમાં થઈ ગયા અને તે કાળે બુચાનન પોતાના પર થયેલા મહાભિયોગ સામે પ્રમાણ રજૂ કરીને બચી શક્યા હતા, જ્યારે એન્ડ્રૂ જોહસનને પદ છોડવું પડ્યું હતું. ખૂબ નજીકનો જે કિસ્સો અમેરિકામાં મહાભિયોગનો બન્યો તે એંસીના દાયકામાં રિચાર્ડ નિકસનનો. વોટરગેટ સ્કેંડલમાં તેમના હાથ કાળા થયા અને જ્યારે એવું દેખાયું કે મહાભિયોગની તપાસ થશે, તે અગાઉ જ તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું હતું. વોટરગેર સ્કેંડલમાં પણ પ્રતિદ્વંદીના ટેપ રેકોર્ડ કરીને તેમની વાતો જાણવાનો જ ઇરાદો હતો. જોકે, નિક્સનના જાણકારીમાં હોવા છતાં આ પૂરો ખેલ ગોઠવાયો અને તેનો શિકાર ખુદ શિકારી નિક્સન બન્યા!

આ તમામ મહાભિયોગની કહાની લાંબી છે. વોટરગેટ પર તો પુસ્તકો લખાયાં-ફિલ્મો બની હોય તેટલો મસાલો છે. અમેરિકામાં મહાભિયોગમાં અત્યાર સુધી ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને સરકારી મિશનરીનો દૂરોપયોગની વાત આવતી હતી, પરંતુ જ્યારે બિલ ક્લિન્ટન પ્રમુખ બન્યાં ત્યારે તેમની સામે મહાભિયોગની તપાસ ચાલી તે વ્હાઇસ હાઉસની કર્મચારી મોનિકા લિવ્હસ્કી સાથેના જાતિય સંબંધોના કારણે. આ કિસ્સામાં બિલ ક્લિન્ટનની રાજકીય છબિના લીરેલીરા ઊડ્યા. તપાસ ચાલી ત્યાં સુધી તો પૂરા વિશ્વના અખબારોમાં ક્લિન્ટન અને મોનિકાના સંબંધો છવાયેલાં રહ્યાં. જોકે જ્યારે તપાસ પૂરી થઈ ત્યારે અમેરિકના સેનેટમાં ક્લિન્ટન વિરુદ્ધ એટલાં મતો ન પડ્યા કે તેમને રાજીનામું આપવું પડે. આમ ક્લિન્ટન તેમની બીજી ટર્મ પૂરી કરી શક્યા હતા.

હવે મહાભિયોગનો ગાળીયો ટ્રમ્પના ગળામાં છે. તેની તપાસ આરંભાઈ ચૂકી છે. પરંતુ આ તપાસના શરૂઆતમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સ્વભાવ મુજબ નિવેદનો આપી રહ્યાં છે. ટ્રમ્પે આ કાર્યવાહીને 'મજાક' ગણાવી છે.  મહાભિયોગની સુનાવણી બાદ ટ્રમ્પ મીડિયા સાથે રૂબરૂ થયા અને તેમણે અમેરિકાના પ્રવાસે આવેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોવાન સાથે પ્રેસ કોન્ફરસ કરી. આ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મૈં સાંભળ્યું છે કે આ મજાક છે. મેં તે સુનાવણી એક મિનિટ પણ નથી જોઈ. આ બેહૂદી વાત છે અને તેની મંજૂરી આપવા જેવી નહોતી.” ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ જ્યારે થઈ રહી છે ત્યારે ટ્રમ્પ બિન્દાસપણે નિવેદનો આપે છે અને એવું જતાવે છે કે આ કાર્યવાહીથી તેઓને કશો ફેર પડતો નથી.

હવે ટ્રમ્પ આ મામલે બિન્દાસ છે તેનું કારણ છે કે મહાભિયોગની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં નીચલા ગૃહમાં એટલે કે 'હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સ' સામે, જ્યાં નિશ્ચિત કરવામાં આવે છે કે જે આરોપ પ્રમુખ સામે ઘડવામાં આવ્યા છે તે પ્રમુખ સામે લગાવવા જોઈએ કે નહીં. તેને મહાભિયોગની 'તપાસ આગળ ધપાવવી' તેમ કહેવામાં આવે છે. ત્યાર બાદ ઉપલા ગૃહમાં તપાસ જાય છે, જ્યાં પ્રમુખ ખરેખર દોષી છે કે નહીં તે તપાસવામાં આવે છે. નીચલા ગૃહમાં મહાભિયોગનો ઠરાવ પાસ થઈ જાય તેવી શક્યતા છે; પણ ઉપલા ગૃહમાં તે અશક્ય છે કારણ કે તેમાં રિપબ્લિકન પક્ષની મોટી બહુમતિ છે; જે ટ્રમ્પનો પક્ષ છે.

આ કિસ્સામાં સૌથી આશ્ચર્ય સર્જે એવી ઘટના તે ટ્રમ્પનું બિન્દાસપણું છે. ટ્રમ્પ પાસે બહુમતિ છે અને તેના જોરે તેઓ મહાભિયોગ જેવી ઘટનાને પણ ગંભીરતાથી લઈ રહ્યા નથી. અથવા તો તેવા નિવેદનો આપીને તેને મહત્ત્વ ન આપવાનો ડોળ કરી રહ્યાં છે. લોકશાહીની પ્રક્રિયામાં જ્યારે મસમોટો વર્ગ કોઈ એક શાસકને ચૂંટીને બેસાડી દે છે ત્યારે તે પોતાના પદનો દુરોપયોગ કરવા માંડે છે. આમાં તે પોતાના પ્રતિદ્વંદી મિટાવવા માટે હરેક પ્રકારના ખેલ ખેલે છે. પ્રતિદ્વંદી ઊભા થાય તે પહેલાં જ તેને ડામી દે છે, તેનો કોઈનો ડર રહેતો નથી, પ્રશ્નોના જવાબ આપવા પડે તેવા પ્લેટફોર્મ પર તે નેતા આવવાનું પસંદ કરતાં નથી અથવા તો આવે તો તેમના જ શરતે. ધીરે ધીરે પોતાનું કદ એટલું વધારે કે તેનો વિકલ્પને પણ લોકો ભૂલી જાય. આમ કોઈ એક નેતા પૂરા પક્ષનો અને દેશનો ચહેરો બની જાય. અમેરિકામાં ટ્રમ્પના કિસ્સામાં આવું થયું છે અને જો આપણી આસપાસ ક્યાંક આવું થાય તો તે ચેતવા જેવું છે. ન ચેતો તો તેમાં નુકસાન તમારું જ છે.