કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): દેશના અર્થતંત્રને સતત ફટકા પડી રહ્યાં છે. છેલ્લો ઘા કોરોના વાઇરસનો વાગ્યો છે. યસ બેન્કથી ડામાડોળ સ્થિતિને સરકારે હાલ પૂરતી સંભાળી લીધી છે, અને તેનો ગળીયો સ્ટેટ બેન્કને બાંધી દીધો છે. આ અગાઉ બેન્કોનાં ઊઠામણાં અને ‘એલઆઈસી’ જેવી મજબૂત જાહેર કંપનીઓનાં નુકસાનની ખબરો આવી ત્યારે પણ વર્તમાન સરકારની આર્થિક નીતિ પર પ્રશ્નો ખડા થયા હતા. આવું તો ઘણું છે, જે વિશે વાત કરીને અર્થતંત્ર સંકટમાં છે તેમ સાબિત કરી શકાય. પણ આ અર્થસંકટનું અગત્યનું પાસું એ છે કે આમાંથી બહાર નિકળવા માટે સરકાર જાહેર કંપનીઓનો ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્લાન જોરશોરથી લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકારની માલિકીની કંપનીઓનો એક પછી એક હિસ્સો વેચીને તેમાંથી કરોડો રૂપિયા ઊભી કરી રહી છે. આ વર્ષે (2019-20) તેમાંથી એક લાખ પાંચ કરોડ રૂપિયા ઊભા કરવાનો ટારગેટ સરકારે રાખ્યો છે અને 34,845 કરોડ રૂપિયા સરકાર મેળવી ચૂકી છે.

છેલ્લા પાંચ વર્ષમાં વર્તમાન સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા પોણા ત્રણ લાખ કરોડ મેળવ્યાં છે! મતલબ કે સરકારે જાહેર કંપનીઓનો હિસ્સો વેચીને તેમાંથી કમાણી કરી છે. હવે સરકારને આટલી આવક થઈ હોય ત્યારે આર્થિક સ્થિતિ મજબૂત થવી જોઈએ, પણ તે બદલે ખસ્તા થઈ છે. આવું કેમ? આનાં કારણો ઘણાં છે. ઉપરાંત, છેલ્લા કેટલાંક સમયથી જાહેર કંપનીઓનો હિસ્સો વેચવામાં સરકાર જે રીતે ઉતાવળ કરી રહી છે, તે શંકાસ્પદ છે.

આર્થિક રીતે સમૃદ્ધ ન હોવા છતાં વૈશ્વિક મંદી અને અન્ય સંકટો સામે દેશની આર્થિક સ્થિતિને વાંધો આવ્યો નહીં અને ગાડું ગબડ્યા કર્યું, તેનું અગત્યનું કારણ આપણો બચતનો સ્વભાવ છે. સેવિંગ્સ લઈને સરકાર-લોકો સજાગ રહ્યાં અને સમૃદ્ધ ન હોવા છતાં દેશનું અર્થતંત્ર સાબૂત રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્થિતિ બદલાઈ છે અને તેમાં એક ફેક્ટર 'ગ્રોસ સેવિંગ્સ રેટ'નો ઘટતો ગ્રાફ છે. બચતનો ઘટતો અને સામે ખર્ચનો વધી રહેલાં આંકડાથી જે સ્થિતિ ઘરખર્ચમાં ઉદભવે તેવું દેશની ઇકોનોમી સાથે થઈ રહ્યું છે. આ માટે સરકારે સરળ રસ્તો જાહેર માલિકીની કંપનીઓને વેચીને કાઢ્યો છે. 2019માં સરકારે 23 જાહેર કંપનીઓને આ રીતે પૂર્ણ કે અંશત હિસ્સો વેચવા કાઢ્યો છે.

ડિસઇન્વેસ્ટમેન્ટનો વિચાર હાલની સરકારનો નથી. 1991થી આ નીતિ તત્કાલિન વડા પ્રધાન નરસિંહરાવથી લાગુ કરવામાં આવી હતી. તે વખતે ડિસઇન્વેસ્ટમેન્ટનો મુખ્ય ઉદ્દેશ ખોટ ખાતી કંપનીઓમાંથી નિકળવાનો હતો, પણ હવે તે ઉદ્દેશ ખર્ચને સરભર કરવાનો દેખાઈ રહ્યો છે. આ વર્ષે જે કંપનીઓનો હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવી છે તેમાં ‘હિન્દુસ્તાન પ્રિફેબ લિમિટેડ’, ‘પવન હન્સ લિમિટેડ’, ‘હિન્દુસ્તાન ફ્લુરોકાર્બન’, ‘સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ’, ‘ભારત અર્થ મૂવર્સ લિમિટેડ’, ‘સેન્ટ્રલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ’, ‘અલોય સ્ટીલ’ અને બીજી કંપનીઓ છે.

ડિસઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ તેવું આર્થિક નિષ્ણાતો પણ માને છે. જાહેર કંપનીઓ જે રીતે ચાલતી હતી તે રીતે ડિસઇન્વેસ્ટમેન્ટના ઠોસ કારણો મળતા રહ્યા છે; જેમાં ઓછી કાર્યક્ષમતા, જંગી મૂડીનું રોકાણ સામે ઓછું મળતર, સંશોધન પ્રત્યેની ઉદાસિનતા, નિર્ણય લેવાનાં સરકારથી માંડિને બાબુશાહીનાં પડકારો, કર્મચારીઓની કામચોરી આવાં અનેક કારણોથી જાહેર કંપનીઓની ઘોર ખોદાતી રહી છે. એક સમયે દેશ નિર્માણ કરવા આ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી, પણ બેથી ત્રણ દાયકામાં જાહેર કંપનીઓનો ખ્યાલ તૂટી પડ્યો. તેમાં થઈ રહેલાં નુકસાનીના આંકડા સતત વધ્યા. જોકે, આમાં કેટલીક કંપનીઓ મજબૂત રહી, જેમાં ‘ઓએનજીસી’, ‘એનટીપીસી’, ‘એચપીસીએલ’, ‘ભારત પેટ્રોલિયમ કોર્પો’, ‘કોલ ઇન્ડિયા’, ‘મહાનંદી કોલફિલ્ડ લિમિટેડ’ અને અન્ય કેટલીક કંપનીઓ છે.

સમય સાથે જે બદલાય છે તે ટકે છે, પણ જાહેર કંપનીઓમાં અનેક એવી હતી જેનો ભાર સરકાર વહન કરી શકે એમ નહોતી. તેનું ડિસઇન્વેસ્ટમેન્ટ જરૂરી હતું એટલે દેશમાં ઉદારીકરણનો દોર આરંભતા જ તે તરફ નિર્ણય લેવાયાં. શરૂઆતમાં 31 જાહેર કંપનીઓનો હિસ્સો વેચાયો અને તેમાંથી 3,038 કરોડ સરકારના ખાતામાં જમા થયા. ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ થયું પણ તેમાં સરકારની ઉતાવળ દેખાતી નહોતી. માત્ર 1994-95નું વર્ષ એવું છે, જેમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો આંકડો 4,843 કરોડ સુધી પહોંચ્યો હતો. પછી તેમાં કોઈ ગતિ ન દેખાઈ.

ભાજપની આગેવાની હેઠળની 'એનડીએ' સરકાર 1998માં આવી ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટની પહેલ ફરી થવા માંડી. આ કાર્યકાળ(1999-2004) દરમિયાન અંદાજે 33,000 કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું હતું. અર્થતંત્ર પર જે-તે સરકારની કેટલી અસર રહે છે તે સમજવું હોય તો ડિસઇન્વેસ્ટમેન્ટનો વિષય ખાસ્સો કામ લાગે એવો છે. જેમ કે, પછીના વર્ષમાં આવેલી 'યુપીએ' સરકારે ફરી ડિસઇન્વેસ્ટમેન્ટમાં કોઈ ઉત્સાહ દાખવ્યો નહીં. 2004થી માંડિને પાંચ વર્ષ સુધી માત્ર 9,000 કરોડનો હિસ્સો વેચાયો. આમ ઉદારીકરણથી બે દાયકા સુધી મોટું વિનિવેશ માત્ર ભાજપના આગેવાનીના 'એનડીએ' સરકારે કર્યું. ઉપર કહ્યા મુજબ આ સમયગાળામાં દેશ બચત દરમાં ટોપ પર હતો. 'યુપીએ' સરકારે બીજા ટર્મમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાં પ્રાથમિકતા દાખવી અને એક લાખ કરોડનો હિસ્સો વેચ્યો.

આ ચિત્રથી એટલું સમજી શકાય કે છેલ્લા પાંચ વર્ષમાં સરકાર જે રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરતી દેખાય છે, તે રીતે સરકાર પોતાની પાસે કશું રાખવા માંગતી નથી. આના પુરાવા અવારનવાર સામે આવી રહ્યા છે. સરકાર હવે નફો કરતી કંપનીઓનો હિસ્સો પણ વેચાણમાં મૂકી રહી છે! સરકારની જે કંપનીઓ ‘મહારત્ન’ની કેટેગરીમાં આવે છે, તે પણ હવે ડિસઇન્વેસ્ટમેન્ટના હોડમાં છે. ‘મહારત્ન’ની કેટેગરીમાં આવનારી કંપનીઓનું માપદંડ ત્રણ વર્ષ સુધી સરેરાશ 2500 કરોડનો નફો કરવાનું છે. હવે આ કંપનીઓનો હિસ્સો વેચવાનું કારણ શું? આમાંની એક કંપની ‘એનટીપીસી’(નેશનલ થર્મલ પાવર કોર્પો. લિમિ.)નો દાખલો લઈએ. આ કંપની ગેસ, ઓઈલ અને કોલસાનું માઈનિંગનું કાર્ય કરે છે. 1974માં સ્થપાયેલી આ કંપનીનો ભારત સરકાર પાસે હાલમાં હિસ્સો 54.74 ટકા છે. અગાઉ પણ 2004, 2010, 2013માં તેના શેર્સ વેચાયા છે, પણ હવે 2014 પછી તેની રફ્તાર વધી છે અને તેનો સરકારી માલિકીનો હિસ્સો 51 ટકા સુધી લઈ જવાની સરકારની ઇચ્છા છે. 2014માં સરકારનો ‘એનટીપીસી’માં હિસ્સો 75 ટકા હતો જે ઘટીને હવે 54.74 થઈ ચૂક્યો છે. સરકારની આ રફ્તાર જોઈને ખુદ ‘એનટીપીસી’ના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા હતા. જે કંપની છેલ્લા સાત વર્ષમાં ટેક્સ બાદ કરીને 76,132 કરોડનો નફો કરતી હોય અને હજારો લોકોને રોજગારી આપતી હોય તે કેમ વેચવામાં આવે? તેનું કોઈ ઠોસ કારણ સરકાર પાસે જડતું નથી. ઉપરાંત, ‘એનટીપીસી’ના કર્મચારીઓના સંઘના ચેરમેન વી. કે. શર્મા જે દલીલ કરે છે તે મહત્વની છે. તેઓ કહે છે, “વીજળી સપ્લાય કરતી ‘એનટીપીસી’ દેશની મહત્વની કંપની હોવાના નાતે તેની બાગડોર ખાનગી હાથમાં આવે તો તેમાં લોકોનું જ નુકસાન છે.”

આ રીતે ‘બીપીસીએલ’(ભારત પેટ્રોલિયમ કોર્પો. લિમિ.) પણ ‘મહારત્ન’ની કેટેગરીમાં આવે છે. 2019માં આ કંપનીને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક તરીકે ફોર્ચ્યુન મેગેઝિનમાં સ્થાન મળ્યું હતું. ફોર્બ્સમાં પણ ‘બીપીસીએલ’ને સ્થાન મળ્યું હતું. 1950માં સ્થપાયેલી આ કંપનીનો ગ્રાફ ઉપર ચઢતો રહ્યો છે. આ કંપનીની કુલ સંપત્તિ દોઢ લાખ કરોડની આસપાસ છે અને ગત્ વર્ષે તેનો નફો 8,527 કરોડ રહ્યો હતો. અત્યારે સરકાર પાસે તેનો હિસ્સો 53.29 ટકા છે. ‘બીપીસીએલ’ના કિસ્સામાં સરકાર પૂરી રીતે ખસી જવા માંગે છે. આ રીતે સરકાર પોતાના ખાતામાં જંગી રકમ એકઠી કરી રહી છે, પણ તેની અસર માર્કેટ પર જરા સરખી દેખાતી નથી. ‘ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન’માં પણ સરકાર પોતાનો હિસ્સો 51 ટકાથી નીચે લઈ જઈને ખાનગી હાથોમાં તેનો દોરીસંચાર સોંપશે. આ તો તમામ જાણીતી કંપનીઓ છે, પણ ‘ભારત અર્થ મૂવર્સ લિમિટેડ’(બીઈએમએલ) જેવી અજાણી કંપનીઓ જે પ્રોફિટ કરે છે, તેને પણ વેચાણ માટે મૂકી દેવામાં આવી છે. ‘બીઈએમએલ’ માઇનિંગ, કન્સ્ટ્રક્શન, પાવર, ફર્ટિલાઇઝરના ઉત્પાદન-નિર્માણના સાધનો બનાવે છે. મેટ્રોના કોચ બનાવવાનું કાર્ય પણ ‘બીઈએમએલ’ જ કરે છે. જોકે હવે આ કંપનીને વેચવાનો નિર્ણય થઈ ચૂક્યો છે.

દરેક ડિસઇન્વેસ્ટમેન્ટ થયેલી જાહેર કંપનીઓનો આમ ક્યાસ કાઢીએ તો તેનું તથ્ય સામે આવી શકે. મુખ્ય વાત જે રીતે નાણાં સરકાર પાસે આવી રહ્યાં છે તે પ્રમાણે અર્થતંત્રમાં તેની અસર દેખાતી નથી, પણ શાસન કરી રહેલા પક્ષોના જિલ્લા-તાલુકા સ્તરના મથકોની ઇમારતો અત્યાધુનિક અને મજબૂત બની રહી છે.