કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ):વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગન લઈને નિશાન તાકતી એક તસવીર હાલમાં વાઇરલ થઈ છે. આ તસવીર લખનઉમાં યોજાયેલા ‘ડિફેન્સ એક્સ્પો’ની છે.ભારતના ભાગ્યે જ કોઈ વડા પ્રધાનની આવી તસવીર જોવા મળી હશે. વડા પ્રધાનની જેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગીએ પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે.  ‘ડિફેન્સ એક્સ્પો’ દેશમાં 1981થી થાય છે, પણ ડિફેન્સ એક્સપર્ટના સ્થાને રાજકારણીઓ મોટા પ્રમાણમાં દેખાય તેવું પ્રથમવાર બન્યું છે. 

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.

શસ્ત્રોના નિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિફેન્સ સાધનોનો નિકાસનો આંકડો 2,000 કરોડથી 17,000 કરોડ સુધી પહોંચાડ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં તેને 35,000 કરોડ સુધી લઈ જવાનો ઇરાદો વર્તમાન સરકાર ધરાવે છે.

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’ પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું અગાઉની સરકારે ઠરાવ્યું હતું. ભાજપ સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે. સબમરીનનો આ કિસ્સો સંરક્ષણ ક્ષેત્રે સરકાર કેમ પ્રવેશવા માગે છે, તેનો આદર્શ દાખલો છે.

સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

હાલમાં સંસદમાં મૂકવામાં આવેલો ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)નો રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિચાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકોએ વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બુટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બુટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! ઇવન, જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

‘કેગ’ દ્વારા સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલાં અનેક ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ છે;જેમાં મરો અંતે સૈનિકોનો થઈ રહ્યો છે. કારગીલ યુદ્ધ પછી ‘ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી’ની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો, જે અનુસંધાને દેશની સુરક્ષાની મર્યાદા પર કામ કરવાનું હતું,પણ પ્રોજેક્ટ અધ્ધરતાલ રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રના પાયાના કામો અને સૈનિકોને મળવી જોઈએ તેવી સુવિધામાં ધાંધિયા હોય ત્યારે નિકાસના દાવા પર સવાલ ખડા થાય છે.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારેય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લા પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ(2006-2010)સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ જ વધારો નહોતો. 2014માં એનડીએ સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’(ડિઆરડિઓ)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી.  આ કમિટિ અંતર્ગત ‘ડિઆરડિઓ’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડિઆરડિઓ’નો મુખ્ય પ્રશ્ન એચઆર મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડિઆરડિઓ’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે. ‘ડિઆરડિઓ’માં સાધનોની પણ કમી છે. રિપોર્ટમાં ‘ડિઆરડિઓ’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી.આ માળખામાં કોઈ ટારગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે.

અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’ તે વાત કરી હતી. આ ભાષણમાં વડાપ્રધાને ગાંધીજીની 150 જન્મ જયંતિના ઊજવણી ભારત જોરશોરથી કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે તે વાત મક્કમપણે રજૂ કરી હતી.

આખું ચિત્ર જોઈએ તો તેમાં ક્યાંય શાંતિના સિદ્ધાંત કે શસ્ત્રોના વેપાર એ બંને બાબતોમાં સરકારની કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નથી.જો આ રીતે શાંતિ અને વેપારના દાવા કરી નાંખવામાં આવે છે તો પ્રજા માટે તે ચેતવા જેવી સ્થિતિ છે.