કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): મહત્વનીકોઈ ઘટના બને તો તેનું ફિલ્મી રૂપાતંરણ થાય છે; પણ કોરોનાને લઈને એવું નહીં થાય. કારણ કે કોરોના જેવી મહામારી પ્રસરે તો શું થઈ શકે તેને લઈને હોલીવુડમાં 2011માં જ ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મનું નામ છે : ‘કન્ટેજન’(CONTAGION). ‘કન્ટેજન’નો અર્થ થાય છે એવી બીમારી જે સ્પર્શ દ્વારા પ્રસરે છે.કોરોના જે ઝડપે દુનિયાને ભરડામાં લઈ રહ્યો છે તેવી અદ્દલ કલ્પના દસ વર્ષ અગાઉ ‘કન્ટેજન’ ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્કોટ બર્ન્સ કરી ચૂક્યાછે. કોરોનાથી જે સ્થિતિ ઉદભવી છે તે હૂબહૂ આ ફિલ્મના શરૂઆતના પોણા કલાકમાં જોવા મળે છે. આ પૂરી કથા ડેવલપ થાય છે હોન્ગકોન્ગની પૃષ્ઠભૂમિ પર, જ્યાં અમેરિકાથી કામ અર્થે આવેલીએક્ઝ્યુક્યુટિવને એક અજાણ્યો વાઇરસ બીમાર કરે છે. આ એક્ઝ્યુક્યુટિવ બહેન પોતાના ઘરે અમેરિકા આવે છે ત્યારે તેના સંસર્ગમાં તેનો દિકરો પણ આવે છે. બંનેનું મૃત્યુ રહસ્યમય રીતે થાય છે. કોરોનાની જે પેટર્ન છે; તેમ આ બહેન અમેરિકામાં જેટલાં લોકોના સંપર્કમાં આવ્યા છે તેઓને વાઇરસ ને મોતની ‘ભેટ’ આપે છે.

મૃત્યુ ભેદી રીતે થવા માંડે એટલે અમેરિકાનું સ્વાસ્થ્ય અને રક્ષા મંત્રાલય સાથે સંકળાયેલા પદાધિકારીઓ તુરંત હરકતમાં આવે છે અને પહેલાં શંકા થાય છે બાયોવેપનની. મામલો ગુપ્ત રહે અને સ્થિતિ પર કાબુ મેળવીને લોકોને તેની જાણ ન થાય તેવો પ્રયાસ થાય છે;પણ તેમ થતું નથી. કોરોનામાં જેમ કેસ મલ્ટીપ્લાય થતા જાય છે; તેમ આ વાઇરસ થોડા દિવસોમાં હોન્ગકોન્ગથી અમેરિકા, ચીન, યુરોપના કેટલાંક દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ફિલ્મી પૂરી કહાની જોઈએ ત્યારે અદ્દલ અત્યારે જે બની રહ્યું છે તેનું સમગ્ર ચિત્ર ગુંથાતું જાય છે. ફિલ્મમાં કલ્પનાના રંગ ઉમેર્યાં છે તેવું ક્યાંય લાગતું નથી. જોકે, સ્ક્રિપ્ટ રાઇટર સ્કોટ બર્ન્સ અને ડિરેક્ટર સ્ટીવન સોડરબર્ગ એક મુલાકાતમાં કહ્યું છે કે, તેમણે ફિલ્મ સંપૂર્ણ રીતે સાયન્ટફિક બેકગ્રાઉન્ડના આધારે બનવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો હતો અને તે માટે દરેક પાસાંને વિજ્ઞાનના અભિગમથી અભ્યાસ કર્યો હતો.

‘કન્ટેજન’ફિલ્મની પટકથા તૈયાર થઈ હતી, તેમાં વિશ્વમાં એક સમયે પ્રસરેલી બર્ડ ફ્લૂની અસર છે. વાત એમ બની હતી કે સ્ક્રિપ્ટ રાઇટર સ્કોટ બર્ન્સ પોતાની ‘ધ ઇન્ફોર્મેન્ટ’ ફિલ્મ લખીને નવરાશમાં બેઠા હતા, ત્યારે ડિરેક્ટર સોડબર્ગે તેમને પૂછ્યું કે, હવે શું આપશો? ત્યારે એકાએક બર્ન્સને વિચાર આવ્યો કે પિતા સાથે હું અવારનવાર બર્ડ ફ્લૂ અંગે ચર્ચા કરતો હોવું છું, તો તેના પર ફિલ્મ કેમ ન બનાવીએ? સોડબર્ગને આઇડિયા ગમ્યો અને કામ શરૂ થયું. છેલ્લા કેટલાંક વર્ષોમાં વિશ્વસ્તરે સ્વાઇન ફ્લૂ, સાર્ક, ઇબોલા અને બર્ડ ફ્લૂએ ટૂંકા ગાળાનો ખોફ ફેલાવ્યો હતો એટલે ફિલ્મનો આધાર શો લેવો તે નિશ્ચિત થઈ ગયું, પણ વિશેષ કાળજી સાયન્ટફિક એન્ગલની હતી.

આ માટે 2008ના અરસામાં સ્ર્કિપ્ટ રાઇટર સ્કોટ બર્ન્સે રિસર્ચ આરંભ્યું. બર્ન્સ માટે જાણે એક આખી નવી દુનિયાનો ઉઘાડ હતો. તે ડો. લેરી બ્રિલિયન્ટને મળ્યો. એપિડિમોઇલોજિસ્ટ એટલે મહામારીવિદ ડો. લેરી બ્રિલિયન્ટને‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈશન’(WHO) સાથે કામ કરી ચૂક્યા હતા. તેમને ખ્યાલ હતો કે મહામારી પ્રસરે તો સ્થિતિ શું બને છે, 1973થી 1976 સુધી તેઓ શીતળાને નાબૂદ કરવાનો કાર્યક્રમ સફળતાપૂર્વક ચલાવી ચૂક્યા હતા. ફિલ્મનાં અન્ય એક મહામારીવિદ ડબલ્યુ. લેન લિપકીનની પણ મદદ લેવાઈ છે. લેન લિપકીનને ‘વેસ્ટા નાઇલ વાઇરસ’ અને ‘સાર્સ’ જેવી બીમારીઓ અંગે નોંધપાત્ર અભ્યાસ કર્યો છે. મહામારી અંગે તેમનાં સંશોધનની નોંધ દુનિયાભરમાં લેવાઈ છે. આ બંને એક્સપર્ટના સહયોગથી ફિલ્મ ક્વોલિટી મુદ્દે ખરી ઉતરી છે.

એક્સપર્ટ્સ સાથે સંવાદનો દોર શરૂ થયો ત્યારે બર્ન્સને આશ્ચર્યમાં મૂકી દે તેવી વિગતો સામે આવતી ગઈ. બર્ન્સને સૌથી નવાઈ લાગે તેવી વિગત એ હતી કે કોઈ ભેદી વાઇરસ માનવીમાં કેવી રીતે પ્રસરે છે તે જાણવું. બર્ન્સેવર્ણવેલી થિયરી મુજબ એક મજબૂત કારણ જંગલો કાપવાનું છે. પૃથ્વી પર કેટલાંક એવાં ઘનઘોર જંગલો છે, જ્યાં જાતભાતના વાઇરસ જન્મે છે. વર્ષો સુધી તેનું અસ્તિત્વ રહે છે અને આપમેળે નાશ પામે છે. પણ આ પ્રકારના ગાઢ જંગલોને કાપવામાં આવે છે ત્યારે તે વાઇરસ પોતાની જગ્યા સામાન્ય રીતે આસપાસનાં સૂક્ષ્મજીવ અને સંસર્ગમાં આવનારાં પ્રાણીઓમાં બનાવે છે. વાઇરસ આ રીતે જીવતાં રહે છે અને પછીથી તે અન્ય જીવોમાં ગતિ કરે છે. હવે આ પ્રકારના વાઇરસ જ્યારે ચામડચિડીયાં કે ડુક્કરોમાં આવે ત્યારે તે વધુ લાંબુ ટકે છે. વાઇરસનું અસ્તિત્વ અહીંયા ન જોખમાંય તો તે માનવીમાં પણ આવી શકે છે, કારણ કે આ બંને એવાં જીવ એવાં છે જેમનાં શરીરનું તાપમાન ઓલમોસ્ટ માનવીય શરીર જેવું જોવા મળે છે. બસ, અહીંથી જોખમ શરૂ થાય છે, જેનું પરિણામ આજે આપણે દુનિયાના ખૂણે ખૂણે કોરાનાના સ્વરૂપે જોઈએ છીએ.

આ પૂરી થિયરીમાં બર્ન્સને ત્યાં સુધી વિશ્વાસ નહોતો જ્યાં સુધી તેમણે રિસર્ચનું એકએક પાસું ન તપાસ્યું. આ અભ્યાસ વ્યક્તિગત સ્તરે હતો, પણ વિશ્વસ્તરે સ્વાસ્થ્ય સંસ્થાઓ મહામારીને લઈને કેવી રીતે તપાસ કરે છે અને મહામારી પ્રસરે પછી કેવાં એક્શન લે છે તે પણ ફિલ્મનો મહત્વનો હિસ્સો હતો. આ અંગે બર્ન્સે અમેરિકાના ‘સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન’(CDC)ની મુલાકાત લીધી. આ મુલાકાતથી જાહેર સ્વાસ્થ્ય વિશેનુંપૂરું ચિત્ર બર્ન્સને મળ્યું. અહીંયા આવીને બર્ન્સને સમજાયું કે વિજ્ઞાનને તમે સર્વોપરી મૂકી શકો, પણ સૌથી અગત્યની વાત સહિયારી જવાબદારી સાથે એકબીજાને સ્વસ્થ્ય રાખવાની જવાબદારી છે. ફિલ્મ એ જ સંદેશ આપે છે કે કેવી નાની નાની બાબતોથી આ મહામારીને દૂર રાખી શકાય છે.

મહામારીનો ખતરો આજનો નથી.માનવીના અસ્તિત્વથી તેનાં ચિહ્નો સમયાંતરે મળતાં રહ્યાં છે અને માનવસૃષ્ટિનું કાસળ નિકળતું રહ્યું છે. જોકેવર્તમાન ચિત્ર વધુ ભયાવહ છે. માણસે ઊભી કરેલી વ્યવસ્થા જ આજે તેની દુશ્મન બની બેઠી છે. રોજબરોજનો મોબિલિટી રેટ(એકથી બીજી જગ્યાએ જવાની ગતિ) આપણે એટલો વધારી મૂક્યો છે કે એક જગ્યાએથી બીજા સ્થાને કશુંય ટ્રાન્સફર થતાં વાર લાગતી નથી. જે ગતિથી ઝડપે દુનિયા આગળ વધી રહી હતી, તે ઝડપે કોરોના આગળ વધી રહ્યો છે.‘કન્ટેજન’ ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે માત્ર એક અજાણ્યો વાઇરસ કોઈ એક વ્યક્તિને શિકાર બનાવીને મલ્ટિપ્લાય રીતે લોકોને પોતાના ભરડામાં લેતો જાય છે. કોરોનાના પ્રતાપે આજે જે શબ્દો રોજેરોજ કાને પડી રહ્યા છે તે ‘ક્વોરોન્ટાઇન’, ‘ઇનકેબ્યુનેશન પિરીયડ’, ‘માસ્ક’, ‘સેનેટાઇઝર’, ‘હેન્ડશેક’ અને ‘વેક્સિન ડેવલપમેન્ટ’ની વાત અત્યારે કોરોનાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તે પ્રમાણે આવે છે.

આ મહામારીને માણસ કેટલો નિઃસહાય બનીને નિહાળી રહ્યો છે. આ સમસ્યાનો અંત વિજ્ઞાન લાવી શકે છે અથવા તો લોકોની સમજણપૂર્વકની વર્તણૂક. આપણી આસપાસના માહોલમાં આ બંનેનો અભાવ જોવા મળે છે. જ્યાં વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જગત જોવાનો અભિગમ કેળવાયો છે તે યુરોપ અને અમેરિકા સૌથી વધુ કટોકટીમાં મૂકાયા છે. આવું બન્યું તેનું એક કારણ ફાસ્ટ મોબિલિટીને આપી શકાય. વિકાસશીલ અથવા ગરીબ દેશોમાં એટલે પ્રમાણમાં કોરોના ધીરે પ્રસરી રહ્યો છે. ઇરાન તેમાં અપવાદ છે, પણ ઇરાનનો જ દાખલો ટાંકીને ગરીબ-વિકાસશીલ દેશોએ ચેતવું જોઈએ, કારણ કે એક વખત કોરોનાની એન્ટ્રી મોટી તબાહી સર્જી શકે છે. ગુજરાતમાં જે ઝડપે પોઝિટિવ કેસ આવી રહ્યાં છે તેમાં લોકડાઉન સિવાય અત્યારે કોઈ આરો દેખાતો નથી. લોકડાઉન કડક રીતે પળાવવા ઓથોરીટી છૂટછાટ લે તો તે ગ્રાહ્ય રાખવી જોઈએ.

‘કન્ટેજન’ મહામારીની તીવ્રતા દર્શાવવામાંકામિયાબ રહી છે અને પછી અમેરિકાના એક સ્ટેટમાં જે રીતે અરાજકતા-લૂંટફાંટ મચે છે તેનાં પણ દૃશ્યો દર્શાવ્યા છે. મહામારીનું એ અંતિમ સ્ટેજ છે. જોકે, ફિલ્મનો એન્ડ આશાવાદ તરફ લઈ જાય છે. દરેક સમસ્યાનો એક અંત છે અને તેમ ફિલ્મમાંમહામારીનો અંત રસીની શોધથી થાય છે. જેટલાં આ બીમારીથી પીડાય છે તેમને તબક્કાવાર રસી આપવામાં આવે છે અને સ્થિતિ નોર્મલ થાય છે. ફિલ્મના અંતમાં દર્શાવાયેલું ચિત્ર આજે જગત જોવા આતુર છે, પણ તેનો આધાર રસી કે અન્ય કોઈ વિજ્ઞાનની શોધ પર છે.

ફિલ્મના અંતે એક દૃશ્યમાં સંવાદ છે તે વર્તમાન પરિસ્થિમાં કાયમીપણે સ્મૃતિ ઠસાવી લેવા જેવો છે. આ સંવાદમાં એક અધિકારી બાળકને રસી મૂકીને હાથ મિલાવે છે, ત્યારે તે બાળકને પૂછે છે : “તુમ્હે પતા હૈ કી યે હાથ મિલાના કહાં સે આયા?”બાળક : “નહીં”. ત્યારે અધિકારી કહે છે : “યે તરીકા થા કિસી અજનબી કો યે બતાને કા કી તુમ્હારે પાસ હથિયાર નહીં હૈ!”