કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): જીવન કેટલું બધું છીનવે છે અને કેટલું બધું આપે છે. લક્ષ્મી અગ્રવાલના જીવન પર નિર્માણ પામેલી ‘છપાક’નો સૂર કંઈક એવો જ છે. લક્ષ્મીનું જીવન આજે રૂપેરી પડદે કંડારાઈ ચૂક્યું છે; પણ લક્ષ્મીની સ્ટોરી અહીં સુધી પહોંચી તેની પૃષ્ઠભૂમિમાં સતત ભોગવેલી પીડા છે. દિલ્હીના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી લક્ષ્મી માત્ર પંદર વર્ષની હતી જ્યારે તેના પર 32 વર્ષના એક વ્યક્તિએ એસિડ ફેંક્યો હતો. એકતરફી પ્રેમથી ઘવાયેલી લક્ષ્મીની પીડાનો હિસાબ શબ્દોમાં મૂકી ન શકાય. પણ એક અરસા બાદ લક્ષ્મી તે વિશે વાત કરતી થઈ છે. 

એસિડ એટેક જેવી ઘટના પછી ભાગ્યે જ કોઈ ફરી જીવનને પાટે લાવી શકે છે, લક્ષ્મી તે કરી શકી છે. એસિડ એટેક બાદ તે સતત ત્રણ મહિના સુધી દર્દથી કણસતી રહી. સાજા થવાનો નિર્ધાર કર્યો હતો, એટલે એક-એક ક્ષણ ભારે મન પસાર કરી. હૂમલો ઘાતકી હતો તે ખ્યાલ લક્ષ્મીને હતો, પણ તેની અસર ચહેરા પર કેટલી થઈ છે તે વિશે તે જરા પણ સભાન નહોતી. એટલે સર્જરી થઈ ત્યારે ડોક્ટરને લક્ષ્મીએ જણાવ્યું કે નાક ઉપર એક નિશાન છે તેને કાઢી નાખજો. ટ્રીટમેન્ટ ચાલતી ત્યાં અરીસો નહોતો, એટલે લક્ષ્મીને પોતાના ચહેરાને જોયો નહોતો. માત્ર સવારે નર્સ ફ્રેશ થવા માટે બાઉલમાં પાણી લાવતી ત્યારે પાણીમાં ચહેરો ધૂંધળો દેખાતો હતો. એક દિવસ જ્યારે લક્ષ્મીએ પોતાનો ચહેરો જોયો, તે ડઘાઈ ગઈ. તેના ચહેરો બદલાઈ ચૂક્યો હતો. પહેલાં તો લક્ષ્મીને પણ લાગ્યું કે આ ચહેરા સાથે જીવવું કપરું છે. ચહેરા વિશે ટીપ્પણીઓ થતી રહી, સમય પસાર થતો ગયો તેમ હિંમત બંધાઈ અને જિજીવિષા પ્રબળ થતી ગઈ. 

સર્જરી થયા બાદ પણ પીડા શમી નહોતી અને બીજી તરફ દુનિયા સામે સંઘર્ષની શરૂઆત કરવાની હતી. પહેલાં તો દોષીઓને સજા કરવા માટે કમર કસી. એક તરફ એ કેસ ચાલી રહ્યો હતો ત્યાં બીજી તરફ 2006માં સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી નાંખી. આ અરજીમાં એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી. કોર્ટે મેટર હાથમાં લીધી, કેસ ચાલ્યો અને અંતે નિયમો ઘડ્યા. લક્ષ્મીને અને અન્ય એસિડ પીડિતાઓને 2013 સુધી એસિડ વેચાણ પર પ્રતિબંધની રાહ જોવી પડી. પણ આ લડત પૂરી થાય ત્યાં સુધી લક્ષ્મી સાથે દેશભરમાંથી અન્ય એસિડપીડિતા બહેનો પણ જોડાઈ ચૂકી હતી. લક્ષ્મી ‘સ્ટોપસેલએસિડ’ કેમ્પેઇનનો મુખ્ય અવાજ બની. 

આજે લક્ષ્મી 29 વર્ષની છે અને એસિડ એટેક થયાને દોઢ દાયકો વીતી ચૂક્યો છે અને તેના જીવન પર ફિલ્મ બની છે. કોઈના જીવન પર ફિલ્મ નિર્માણ થાય તે બેશક ખુશીની વાત છે. પણ લક્ષ્મીના જીવનનો જે હિસ્સો આ ફિલ્મમાં છવાયેલો રહેશે તે એસિડ એટેકનો છે. દિપીકા પાદુકોણે લક્ષ્મીની ભૂમિકામાં છે અને ડિરેક્શન મેઘના ગુલઝારે કર્યું છે. મેઘના આ પ્રકારના વિષયને પાર પાડવાનો સારો અનુભવ ધરાવે છે. આ અગાઉ પણ તેણે આરૂશી મર્ડર કેસ પર 'તલવાર' ફિલ્મ બનાવી હતી. 

લક્ષ્મીએ ‘સ્ટોપસેલએસિડ’ નામનું કેમ્પેઇન અર્થે યુનિસેફ વતી આંતરરાષ્ટ્રિય મહિલા સશક્તિકરણ સન્માન મળ્યું છે. આ પૂર્વે તેને અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના હસ્તે ‘ઇન્ટરનેશનલ વુમન ઓફ કરેજ’ એવોર્ડ પણ મળ્યો છે. લક્ષ્મી અત્યારે જે જીવન જીવી રહી છે તે અપૂર્વ લાગે એવું છે, પણ ઝીલેલી પીડા સામે મળેલી ખ્યાતિ રતિભાર પણ નથી. 2016માં લક્ષ્મીએ લંડન ફેશન વીકમાં પણ ભાગ લીધો હતો. લક્ષ્મી સિદ્ધી બુલંદી પર છે અને તેનું મુખ્ય કારણ હાર માન્યા વિના તેણે ચલાવેલી મુહિમ છે. આ મુહિમ અંતર્ગત આજે 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવનારને એસિડ વેચી શકાતો નથી. અને એસિડ ખરીદવા અગાઉ તસવીર ધરાવતું ઓળખપત્ર દાખવવું જરૂરી બન્યું છે. એક રીતે જોઈએ તો લક્ષ્મીએ હજારો એવી યુવતિ-મહિલાઓનો જીવ બચાવ્યો છે, જેમના પર અવારનવાર આવાં એસિડ એટેક થતાં હતાં. આજે એસિડ સહેલાઈથી મળી શકતો નથી તેથી તેના ગુના પર અંકુશ આવ્યો છે.  

જીવનના પાસાં કેવી રીતે પલટે છે તેનું લક્ષ્મી સુંદરતમ ઉદાહરણ છે. ઘટના બન્યા પછી દોષીઓને સજા અપાવવા માટે અને અન્ય આર્થિક પડકારો સામે લક્ષ્મી વર્ષો સુધી ઝઝૂમતી રહી. તેનું શિક્ષણ દસ ધોરણ સુધી થયું હતું અને તે બ્યુટી પાર્લરનાં કામમાં પારંગત હતી. આ આવડત સાથે તેની આવક મર્યાદીત હતી. ઘણી જગ્યાએ તો ચહેરાને કારણે કામ ન મળ્યું. પણ ‘સ્ટોપએસિડએટેક’ કેમ્પેઇનની લડત રંગ લાવી અને તેના જીવનમાં પણ રંગો પુરાયા. ખુદ લક્ષ્મીને પણ એવું લાગ્યું કે તેનું જીવન બહેતર થઈ રહ્યું છે. આ દરમિયાન તેણે ‘સ્ટોપએસિડએટેક’ કેમ્પેઇનના એક ફાઉન્ડર મેમ્બર આલોક દિક્ષિત સાથે લિવ-ઇનમાં રહેવાનો નિર્ણય લીધો. લક્ષ્મીએ દિકરીને જન્મ આપ્યો, પણ ફરી પાછો જીવનમાં એક એવો મોડ આવ્યો કે આલોક અને લક્ષ્મી અલગ થયા. લક્ષ્મીએ પોતાની દિકરીની જવાબદારી લીધી. એક પછી એક આવી ઠોકર વાગતી રહી, પણ લક્ષ્મીની મક્કમતા તેને હરપળે ટકાવી રાખી. ત્યાર બાદ તેણે એક સામાજિક સંસ્થામાં દસ હજાર રૂપિયાની નોકરી મેળવી. પરંતુ 2017માં તે પણ છોડી.

આ દરમિયાન દેશમાં વિવિધ જગ્યાએ પ્રવાસ અને સાથે લડત ચાલતી રહી, પણ જીવનમાં ઉલટફેર થઈ રહ્યા હતા. માથે દિકરીની જવાબદારી હતી. 2018માં જ્યારે હિન્દુસ્તાન ટાઇમ્સે લક્ષ્મીની સ્ટોરી કરી ત્યારે તેની પાસે કોઈ કામ નહોતું. આર્થિક સ્ત્રોત કશો નહોતો. દિલ્હીના લક્ષ્મીનગરમાં બે બેડરૂમનો એક ઘર હતું, જેનું ભાડુ પણ તેને પોસાતું નહોતું. તે નવી જોબ માટે શોધખોળ કરી રહી હતી. આલોક તરફથી તમામ આર્થિક મદદ બંધ થઈ ચૂકી હતી. આ ઘટનાક્રમ જાણીને એવું થાય કે વ્યક્તિ ક્યાં સુધી ટકી શકે? લક્ષ્મીના જીવનમાં તેનો જવાબ મેળવવા મથીએ તો હરહંમેશ એવો જવાબ મળે.

લક્ષ્મીને સન્માન મળ્યું પણ આર્થિક રીતે તે પગભર ન થઈ શકી તેના પૂરતા કારણો છે. તેનું કહેવું છે કે એસિડે એટેક સર્વાઇવર તરીકે તેના તરફ દયાથી જોવાતું, પણ કોઈ મદદ માટે આગળ આવતું નહોતું. સુપ્રિમ કોર્ટ તરફથી લક્ષ્મીને ત્રણ લાખ વળતર મળ્યું, તે નાણાં સર્જરી અને પ્રેગનન્સીમાં ખર્ચ થયા. લક્ષ્મીના સંઘર્ષની કથા જ્યારે હિન્દી ફિલ્મના અભિનેતા અક્ષયકુમાર પાસે પહોંચી ત્યારે તેણે પાંચ લાખની સહાય કરી હતી. જોકે લક્ષ્મીની આર્થિક મુશ્કેલી થોડી દૂર થાય તેવું હવે તેના ફિલ્મ થકી બનશે. 

એક વ્યક્તિ કેટલી પીડા, દર્દ સહન કરી શકે તેનું જાગતું ઉદાહરણ લક્ષ્મી છે. એસિડ એટેક બાદ એક સમયે ડોક્ટરે લક્ષ્મીના પરીવારજનોને કહી દીધું હતું કે તેને બચાવવી અશક્ય છે. પણ તે સર્વાઇવ થઈ. પગભેર ઊભી છે અને ફિલ્મ સુદ્ધાનો વિષય પણ બની ચૂકી. અહીંયા ન ચૂકવા જેવી વાત દેશમાં અને વિશ્વભરમાં એસિડ હૂમલા અંગે જાગ્રત થવાની છે. ખુદ લક્ષ્મીના કહેવા મુજબ લોકોનું અશ્વેત રંગના વ્યક્તિઓથી નાકનું ટેરવું ચડાવી દે છે, ત્યારે તેના ચહેરાને લઈને લોકો શું પ્રતિક્રિયા આપે? લોકો એસિડપીડિતા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, પણ તેઓના જીવનને યોગ્ય માર્ગે વાળીને, કાર્યોમાં જોતરીને જે પ્રયાસ કરવો જોઈએ તે થતા નથી. 

દક્ષિણ એશિયામાં એસિડ એટેકના ગુના વધુ જોવા મળે છે. પરંતુ વસતીના આધારે સૌથી વધુ હૂમલાનો રેશિયો યુનાઇટેડ કિંગ્ડમ આવે છે. ઉપરાંત, અહીંયા ત્રીજા ભાગના પીડિત પુરુષ છે! બાકી તો વિશ્વનો રેશિયો એસિડ પીડિતોમાં મહિલાઓ એંસી ટકા છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં એસિડના હૂમલોની સંખ્યા વધારે છે. ભારતમાં લક્ષ્મીની જેમ ચર્ચિત કિસ્સો સોનાલી મુખર્જીનો છે. સોનાલી આ હૂમલાના કારણે આંખોની રોશની પણ ગુમાવી ચૂકી છે. એસિડના આ ખૂની ખેલનો ઇતિહાસ તપાસીએ તો વિશ્વના મહદંશે દેશોમાં એસિડ હૂમલાના નિશાન મળે છે.