કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): ‘બિક્રમ : યોગી, ગુરુ, પ્રેડેટર’ નામની ડોક્યુમેન્ટરી થોડા સમય અગાઉ નેટફ્લિક્સ પર રીલીઝ થઈ. બિક્રમ ચૌધરી નામના અમેરિકન યોગગુરુના જીવન પર નિર્માણ પામેલી આ ડોક્યુમેન્ટરીએ સારી એવી ચર્ચા જગાવી છે. ખાસ કરીને અમેરિકામાં. બિક્રમ ચૌધરી મૂળે ભારતના હોવાથી અહીંયા પણ ફિલ્મને લઈને ઉત્સુકતા જાગી છે. બિક્રમ યોગથી જે સંતુલન જમાવ્યું હતું, તે સંતુલન આજે ગુમાવી ચૂક્યાં છે! સિત્તેરના દાયકામાં અમેરિકા પહોંચેલા બિક્રમ પાસે એક સમયે નામ-દામ-સમૃદ્ધી બધું જ હતું અને અમેરિકામાં ‘મોર્ડન યોગ’ ગુરુ તરીકે ઓળખાતા હતા. પરંતુ તેમના પર લાગેલાં જાતિય શોષણના આરોપથી તેમની બધી ખ્યાતિ ધોવાઈ. અમેરિકામાંથી બિક્રમને ભાગવું પડ્યું અને જે સામ્રાજ્ય તેણે ઊભું કર્યું હતું તે આજે ધરાશયી થઈ ચૂક્યું છે. આ બધી જ કહાની નેટફ્લિક્સ ‘બિક્રમ : યોગી, ગુરુ, પ્રેડેટર’માં જોવા મળશે.

અમેરિકા યોગગુરુઓને તક આપનારો દેશ રહ્યો છે. ભારતના અચ્છા-અચ્છા યોગગુરુ અમેરિકામાં નામ-દામ કમાયાં છે. ભારત જ્યારે આજે યોગાભ્યાસમાં પા પા પગલી માંડી રહ્યું છે ત્યારે યોગની ક્રાંતિ અમેરિકા-યુરોપમાં ત્રણ-ચાર દાયકા અગાઉ થઈ ચૂકી હતી! યોગનો લાભ તેઓ જાણી ચૂક્યા હતા અને એટલે જે યોગગુરુઓ પહેલાંવહેલાં ત્યાં પહોંચ્યા તેઓને સારી પ્રસિદ્ધી મળી. યોગગુરુઓમાં બી.કે.એસ. આયંગાર જેવાં ગુરુ પણ હતા. આયંગારે પશ્ચિમી લોકોને યોગથી થનારાં લાભનો પરિચય કરાવ્યો. બિક્રમ ચૌધરી પણ આ દોરમાં અમેરિકા આવ્યા. બિક્રમ ચૌધરી ‘હોટ યોગ’ના નામથી સાનફ્રાન્સિસ્કોમાં એક સ્ટુડિયો શરૂ કર્યો અને 2000નું વર્ષ આવતા આવતા તેઓ અમેરિકાની એક જાણીતી હસ્તી બન્યા. જોકે, જીવનના છ દાયકા વટાવ્યા બાદ બિક્રમ પર એક પછી એક જાતિય શોષણના આરોપ લાગ્યા અને 2017 આવતાં તેઓ નાદાર બની ચૂક્યા. હવે તે સંભવત્ મેક્સિમામાં શરણ લઈને ત્યાં યોગના સ્ટુડિયો ચલાવી રહ્યા છે.

બિક્રમની આ પૂરી કહાનીનો આરંભ કોલકતાથી થાય છે, જ્યાં તેમનો જન્મ થયો. યુવાનીકાળમાં તેઓ એવો દાવો કરતા હતા કેતેમનો યોગાભ્યાસ યોગગુરુ બિશ્નુ ચરણ ઘોષના હાથ નીચે થયો છે. બિશ્નુ ચરણ ઘોષ વેઇટલિફ્ટર હતા અને નેશનલ યોગ ચેમ્પિયન હતા. બિક્રમે અમેરિકામાં ઘણાં એવા દાવા કર્યા હતા, જે પાછળથી ખોટા પુરવાર થયા. તેમાં સૌથી જાણીતું એ કે તેઓ 1973માં જાપાનમાં યોગ શિખવાડતા હતા અને 1973માં તેમણે રિચાર્ડ નેક્સનની રક્તવાહીનીની બીમારી યોગથી દૂર કરી હતી. આવા દાવાઓ સાથે તેઓ લોસ એન્જલસમાં આવ્યા, જ્યાં તેમણે બેવેર્લી હિલ્સમાં પોતાનો યોગ સ્ટુડિયો શરૂ કર્યો. બિક્રમ યોગમાં માહેર હતા અને હોલીવૂડમાં યોગથી જ તેમણે એન્ટ્રી મારી. ‘માશ’ના પ્રોડ્યુસર જેન રેયનોલ્ડ્સના પત્ની બોની જોન્સ રેયનોલ્ડસે પણ એક જગ્યાએ ટાંક્યું છે. તેઓને ગળામાં દર્દ હતું અને તેઓ બિક્રમના ક્લાસમાં પહોંચ્યા. તેઓ ડરતાં ડરતાં યોગ કરી રહ્યા હતા. પણ બિક્રમે તેમના તરફ જોયું અને કહ્યું, “આ કેવું શરીર છે, જો તમે નિયમિત રહેશો તો હું તમને નવું જીવન આપીશ.” અને આપ્યું પણ ખરા. આ જગતમાં સૌથી સુંદરતમ વ્યક્તિઓમાં તેઓ એક છે. ચૌધરીના પ્રથમ પુસ્તકમાં સહલેખિકા તરીકે તેમણે આ પ્રસંગ ટાંક્યો છે. તે વખતના હોલીવૂડના જાણીતા પર્સનાલિટી માર્ટીન શીન, કેન્ડિસ બેર્ગેન, રેક્વેલ વેલ્ચ અને ક્વિન્સી જોન્સ બિક્રમના અનુયાયી બન્યાં.
આ બધા જ તે વખતે બિક્રમના યોગથી ઇમ્પ્રેસ હતા, તેમના જીવનમાં આવેલાં પરિવર્તનનું કારણ બિક્રમ હતા. જોકે આમાંથી જ એક એક્ટરનું નિવેદન એવું હતું કે, “બિક્રમ માર્ગદર્શન આપતાં, પણ જો તે પ્રમાણે યોગ ન થાય તો તેઓ ઘાતકી બનતા. તેઓનો મંત્ર હતો અતિશય વર્કઆઉટ અને પછી મોજ.”

બિક્રમે યોગની પ્રેક્ટિસથી ખૂબ સંપત્તિ એકઠી કરી. આ જ સંપત્તિથી તેના જીવનનું સંતુલન બગડ્યું. ફાસ્ટ ફૂડ, ડિસ્કો, રોલેક્સ વોચ, રોલ્સ રોય ગાડી એવું ઘણું બધું તેને આકર્ષવા લાગ્યું. આ બધું જ બિક્રમને પોસાતું હતું, પણ જેઓ તેની નજીક હતા તે જાણતા હતા કે, બિક્રમ સફળતાની જાળમાં ફસાઈ ચૂક્યો છે. આ જ ગાળામાં તેણે રાજેશ્રી ચક્રવર્તી નામની યુવતી સાથે લગ્ન કર્યા, જે પોતે પણ યોગ ચેમ્પિયન હતી. આ રીતે પ્રસિદ્ધી મળતી ગઈ અને 2000ના વર્ષમાં બિક્રમ એક એવો કાર્યક્રમ લઈ આવ્યા જ્યાંથી તેમની ખ્યાતિ ઓર વધવાની હતી. આ કાર્યક્રમ હતો યોગ ટીચર્સ ટ્રેઇનિંગનો. જેમાં જોડાનાર વ્યક્તિએ દસ હજાર ડોલર ભરવાના હતા અને જે નવ અઠવાડિયાનો કાર્યક્રમ હતો. આ પ્રકારના ટ્રેઇનિંગ સેશન્સ રિસોર્ટમાં કે હોટલમાં થતાં, જ્યાં બિક્રમને એક સાથે હજારની સંખ્યામાં વિદ્યાર્થીઓ મળ્યા. ટ્રેઇનિંગ સેશનમાં જે માહોલ બન્યો, તેનાથી હજારો લોકો આકર્ષાયા અને તેમાં જોડાયા. સૌને તેમાં એવી અનુભૂતિ થતી કે આપણે એક પરિવાર છીએ અને આ દુનિયાને એક સારું સ્થળ બનાવીશું. અહીંયા બિક્રમ ખૂબ ગમ્મત કરતો. તેના કેટલાંક વાક્યો રસપ્રદ હતાં, જેમ કે “તમારું અને મારું કામ ભેગું થશે તો અંદાજે સાત કરોડ લોકોનું જીવન બચશે.” “બિક્રમના ટોર્ચર ચેમ્બરમાં તમારું સ્વાગત છે. તમારી જાતને આવનારી નેવું મિનિટમાં મારી નાંખજો” આ રીતે શરૂ થયેલાં તેના ટ્રેઇનિંગ સેશન્સમાં તેની ખ્યાતિ તો વધી પણ અહીંયા જ જ્યારે ટ્રેઇનિંગ સેશન્સ દરમિયાન વિદ્યાર્થીઓ નવ અઠવાડિયા સુધી વિશ્વથી વિખૂટા હોય ત્યારે તેમની સાથે બિક્રમની નજીકતા કેળવાતી. વિશેષ કરીને મહિલાઓ સાથે. બિક્રમને અહીંયા જાતિય શોષણ કરવાની તક મળી, તેથી અનેક મહિલાઓ સાથે તેણે છૂટછાટ લીધી. આ જ બિક્રમની પડતીની શરૂઆત હતી. એક પછી એક અનેક
મહિલાઓએ બિક્રમ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો અને તેના પર કેસ ચાલ્યા.

આ બધુ જ થયું તે અગાઉ મોર્ડન યોગમાં તેણે ‘હોટ યોગ’ નામે એક પદ્ધતિ વિકસાવી. નિશ્ચિત તાપમાનમાં યોગ કરવાની આ પદ્ધતિ હતી. તેણે આ માટે જે તર્ક આપ્યો તે હતો કે યોગનો ખરેખર જ્યાં જન્મ થયો છે; ત્યાંના તાપમાનમાં કરવામાં આવે તો તેનો લાભ વધુ થાય. મતલબ કે ભારતમાં જે તાપમાન રહે તેટલાં તાપમાનમાં યોગ કરવા. આ માટે એવું તાપમાન ક્રિએટ થાય તેવા ખંડ નિર્માણ કરવામાં આવ્યા, આ ખંડમાં તાપમાન ચાળીસ સેલ્સિઅસની આસપાસ રહેતું. અમેરિકામાં આ પદ્ધતિ ખૂબ ચાલી અને તેનાથી બિક્રમના અનેક ફોલોઅર્સ પણ બન્યા.

પણ બિક્રમને જે ખ્યાતિ મળી તેમ તેમના જીવનના તથ્યો પર સંશોધન થયા અને તેમાં બિક્રમના દાવાઓ પોકળ સાબિત થતા ગયા. જેમ કે તેઓ ભારતમાં જે વર્ષમાં યોગ નેશનલ ચેમ્પિયનશીપ જીતવાનો દાવો કરે છે ત્યારે તો તે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હતો. પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સનનો યોગ દ્વારા ઇલાજ કરવાનો પણ બિક્રમનો દાવો સાચો નથી. નિક્સનનો રોજબરોજનું દસ્તાવેજમાં બિક્રમને મળવાનું પુરવાર થયું નથી. બીજું કે જે યોગ આજે ‘બિક્રમ યોગ’ કરીને જાણીતો છે, તે મુકુલ દત્ત નામના યોગીએ સાબિત કરી બતાવ્યું છે કે તેના જનક ખરેખર બિષ્ણુ ચરણ ઘોષ છે, ન કે બિક્રમ.

બિક્રમના પૂરા વિવાદને જોઈએ તો તેમાં ખોટા દાવાઓ થતાં રહ્યાં અને એક વ્યક્તિએ અમેરિકામાં પોતાનું સામ્રાજ્ય રચ્યું. એ બાબતે કોઈ શંકા નથી કે તેઓ યોગના અભ્યાસી હતા, પરંતુ તેણે યોગના નામે અનેક એવાં ગોરખધંધા કર્યા જેના પર છ દાયકા સુધી કોઈની નજર ન ગઈ. કેટલીય ચેતવણી મળે, લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવે અને જાગ્રતિના કાર્યક્રમો થાય, પણ ધૂતારાંઓનો ધંધો બંધ થતો નથી. હાલમાં અમદાવાદમાં જેમ ચિન્માયનંદના સ્કેન્ડલનો પર્દાફાશ થયો, તેવી રીતે સમયાંતરે આવી ખબરો આવતી જ રહે છે અને નવા નવા લોકો આવા સ્કેન્ડલમાં ટ્રેપ થતાં જ રહે છે.

આ પ્રકારના ગુરુઓ પાસે જે સૌથી સરળ હથિયાર છે તે કોઈ સામાન્ય વ્યક્તિ એક જ ઝાટકે અસમાન્ય બનાવવાની લાલચ આપવાની છે. બિક્રમના ટ્રેપમાંથી બહાર નીકળીલે એક મહિલાએ બિક્રમે તેને જે કહ્યું હતું તે જાણવા જેવું છે. બિક્રમ તે મહિલાને કહ્યું હતું કે, “મે તારામાં જે જોયું છે તે કોઈ નહીં જોઈ શકે. તારું કદ મધર ટેરેસા કરતાં પણ ઊંચુ થશે, પરંતુ તારે મારા માર્ગે ચાલવું પડશે. તારે એ બધું જ કરવું પડશે જે હું તને કહું. હું તારો ગુરુ છું અને મારા વિના તું સોનાનો એવો ટુકડો છે જે ધૂળમાં ક્યાંય પણ ખોવાઈ જઈશ.” આ રીતે જે સપના દેખાડે તેનાથી ચેતતાં રહેવું અને જરા સરખો પણ ટૂંકો લાગતો રસ્તો ક્યારેય લાંબો માર્ગ બની શકતો નથી.